રસોડું આમ તો ઘરની ગૃહિણીનો ગરાસ કહેવાય, પણ હકીકતમાં એ આખા ઘરને એકતાંતણે બાંધી રાખી શકે એવી જગ્યા છે. તમે શું ખાઓ છો એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું છે
હોમ ડેકોર
રસોડું આમ તો ઘરની ગૃહિણીનો ગરાસ કહેવાય, પણ હકીકતમાં એ આખા ઘરને એકતાંતણે બાંધી રાખી શકે એવી જગ્યા છે. તમે શું ખાઓ છો એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું છે ભોજન બનાવતી અને ખાતી વખતે કેવાં વાઇબ્રેશન્સ તમારા સુધી પાસ-ઑન થાય છે એ. ઘરના સૌથી મહત્ત્વના પણ સજાવટની વાત આવે ત્યારે મોટા ભાગે ઇગ્નૉર થતા રસોઈઘરને પ્લેફુલ અને હકારાત્મક સ્પંદનોથી ભરવા શું થઈ શકે એ આજે જાણીએ
સ્વાદભર્યાં પકવાન અને વિવિધ વાનગીઓ કે પછી મમ્મીના હાથની રોટલી આ બધું જ ‘ખાના ખજાના’ની સાથે ખુશીઓનો ખજાનો છે. આ ખુશીઓનો ખજાનો જ્યાં છલકાય એ છે ઘરનું રસોડું... રસોડાની હવામાં સ્વાદિષ્ટ વાનગીઓની સોડમ હોય એ જ દરેક રસોડાનો શણગાર છે. અત્યારે હોમ ડેકોરમાં ઘરના રસોડાની દીવાલોને સાવ સિમ્પલ ન રાખતાં એકદમ સરસ કિચન થીમનાં વિવિધ પ્રકારનાં પોસ્ટર્સ દ્વારા જુદી-જુદી રીતે સજાવવાનો ટ્રેન્ડ છે. કિચન પોસ્ટર્સ દ્વારા રસોડાની દીવાલ પર અનેરી મસ્તી, મનની વાતો, દિલનો પ્રેમ સજાવી શકાય છે.
ADVERTISEMENT
મમ્મીઓનો ગરાસ રસોડું
દરેક સ્ત્રીને ગુજરાતીમાં રસોડાની રાણી કહેવામાં આવે છે અને દરેક ઘરના રસોડામાં ઘરની ગૃહિણી એટલે કે મમ્મીનું રાજ હોય છે. કોઈ પણ ગૃહિણી સૌથી વધારે સમય રસોડામાં વિતાવે છે અને વર્કિંગ વુમન પણ કામ પર જવા પહેલાં છેલ્લી મિનિટ સુધી અને કામ પરથી આવીને તરત રસોડામાં જ જાય છે. આ રસોડાની રાણીના હકને દર્શાવતાં ‘માય કિચન, માય રૂલ’, ‘ક્વીન ઑફ કિચન’ ,‘માનું રસોડું’ કે ‘મમ્મી કા ઢાબા’ કે ‘માં કી રસોઈ’ કે ‘મૉમ્સ કિચન ઓપન 24 અવર્સ’ જેવાં કિચન પોસ્ટર્સ કિચનના એન્ટ્રન્સ પાસે સજાવવામાં આવે છે. આવાં પોસ્ટર્સમાં મમ્મીના હુકમો જેવા જે ‘બૉટલ કૌન ભરેગા’ કે અન્ય કોઈ મમ્મી બહુ બોલતી હોય એવો તકિયા કલામ અને મમ્મીનો ફોટો ઍડ કરી પર્સનલાઇઝ કરીને મમ્મીને મધર્સ ડે કે બર્થ-ડે પર ગિફ્ટ પણ આપવામાં આવે છે. ‘ખાને મેં ક્યા બનાઉં?’ જેવા દરેક ઘરમાં રોજ પુછાતા પ્રશ્નનું પોસ્ટર તો બધાં કિચનમાં હોવું જ જોઈએ.
દિલ કી બાત કહેતાં પોસ્ટર્સ
આ કિચન પોસ્ટર્સ ઘરમાં રહેનારા પરિવારજનોના દિલની વાત પણ કહે છે. ગૃહિણીનો બધા પ્રત્યેનો પ્રેમ, મમ્મી તરફ બાળકોનો પ્રેમ, ફૅમિલી બૉન્ડ વગેરે પણ દર્શાવે છે. ‘મધર કિચન સીઝન્ડ વિથ લવ’ કે ‘કુકિંગ વિથ લવ’ કે ‘હૅપીનેસ ઇઝ કિચનમેડ’ કે ‘મીલ્સ ઍન્ડ મેમરીઝ’ જેવાં અનેક પ્રેમ દર્શાવતાં કિચન પોસ્ટર્સ રસોડામાં લગાવવાથી અને એને રોજ-રોજ વાંચવાથી પરિવારમાં પ્રેમ વધતો રહે એવી પૉઝિટિવ અસર થાય છે.
મસ્તીભર્યાં કિચન પોસ્ટર્સ
રસોડાની દીવાલોને મસ્ત-મસ્ત મસ્તીથી ભરી દેતાં પોસ્ટરોની પણ ભરમાર છે. ‘ઍલેક્સા ખાના બનાઓ’ લખેલું પોસ્ટર, ‘ચાય બિના ચૈન કહાં રે’ લખેલું પોસ્ટર, ‘સિરી, કિચન સાફ કરો’ કે ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’ કે ‘અસલી મઝા તો તડકે મેં હૈ’ કે ‘કાઉન્ટ મેમરીઝ, નૉટ કેલરીઝ’ કે ‘ડાયટ હમસે ના હો પાએગા’ કે ‘કુકિંગ ઇઝ માય કાર્ડિઓ’ કે ‘કિસ ધ કુક’ લખેલાં પોસ્ટર મસ્તીભરી વાઇબ્સ આપે છે.
કિચનની દીવાલ પર વિવિધ કુકિંગ અને ઈટિંગને લગતા શબ્દોને આડા-ઊભા લખીને સુંદર શબ્દજાળ રચેલું પોસ્ટર, ‘બ્લેસ ધિસ કિચન’, ‘હૅપી કિચન હૅપી હોમ’, ‘કુક વિથ લવ’ એકદમ શોર્ટ ત્રણથી ચાર શબ્દોનાં સુંદર સ્લોગન લખેલાં પોસ્ટર્સ, ‘EAT’ કે ‘FOOD’ જેવા અંગ્રેજી શબ્દોના દરેક મોટા લેટરમાં સ્લોગન કે ડિઝાઇન બનાવેલાં પોસ્ટર્સ પણ કિચનની દીવાલને બોલતી કરે છે.
ફ્રૂટ કે વેજિટેબલ્સનાં પોસ્ટર્સ
ડેકોર હંમેશાં થીમ અને જે-તે જગ્યાને અનુરૂપ હોય એ નિયમ આધારિત રસોડામાં રસોઈ કરવામાં અને ખાવામાં વપરાતી વિવિધ વસ્તુઓ ફળ, શાકભાજી, વાનગીઓ અને વિવિધ મસાલાઓનાં એકદમ સુંદર અને આકર્ષક પોસ્ટર્સ કિચન વૉલ માટે એકદમ પર્ફેક્ટ કૉમ્બિનેશન છે.
કળાસભર કહાની કહેતાં પોસ્ટર્સ
કૅન્વસ પેઇન્ટિંગની ઇફેક્ટ ધરાવતાં આ પોસ્ટર્સમાં કલાત્મક સુંદરતા સાથે ફૂલ કે અન્ય કોઈ ડિઝાઇન હોય છે અને સાથે કોઈક નાનું વાક્ય કે ક્વોટ લખેલા હોય છે. ક્યારેક કૅન્વસ પેઇન્ટિંગ જ લગાવવામાં આવે છે એ વધુ કલાત્મક લાગે છે.
નાના-નાના લાકડાના ટુકડાના પીસ દોરીથી જોડીને એની પર જુદા-જુદા શબ્દો કે સ્લોગન કે ક્વોટ લખવામાં આવે છે. રસોડામાં વપરાતાં જાર કે ચૉપિંગ બોર્ડ કે પીત્ઝા ડિશના શેપમાં કટઆઉટ કરી એના પર સ્લોગન અને મેસેજ લખવામાં આવે છે. ચમચી, છરી, કાંટાનાં પેઇન્ટિંગ, કૉફીનો મગ કે ગરમ કટિંગ ચાના ગ્લાસનું પેઇન્ટિંગ વગેરે પોસ્ટર્સ પર સરસ લાગે છે.
પોસ્ટર્સ સજાવતાં પહેલાં આટલી ટિપ્સ કામ લાગશે
સૌથી પહેલાં જયાં પોસ્ટર્સ લગાવવાં છે એ દીવાલ ક્લીન કરવી.
બેઝ કલર કે ટાઇલ્સ બરાબર હોય એ ચેક કરી લેવું. જરૂર હોય તો નવો બેઝ કલર પણ કરી શકાય.
રસોડામાં રસોઈ કરતી વખતે પાણીના છાંટા કે અન્ય કોઈ ડાઘા પડવાની શક્યતા ન હોય એવી દીવાલ પસંદ કરવી.
પોસ્ટર્સ કોઈ એક થીમ પ્રમાણે પસંદ કરવાં.
પોસ્ટર્સ બ્લૅક ઍન્ડ વાઇટ પસંદ કરો તો પાછળની દીવાલ બ્રાઇટ રંગની રાખવી અને કલરફુલ પોસ્ટર્સ હોય તો બેઝિક કલરની દીવાલ સરસ લાગશે.
એકસાથે બહુ બધાં પોસ્ટર્સ લગાવવાનો ટ્રેન્ડ છે, પણ વધારે ક્લિયર સર્ફેસ હોય એવી મોટી દીવાલ પર એક જ સાઇઝનાં અને એક જ થીમ, એક જ કલર કૉમ્બિનેશનવાળાં પોસ્ટર્સ લગાવવાં.
એકસાથે જુદા-જદા પોસ્ટર્સ બહુ સારાં નહીં લાગે.

