Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૧૦૦ વર્ષનાં આ બા છે પીત્ઝાપ્રેમી

૧૦૦ વર્ષનાં આ બા છે પીત્ઝાપ્રેમી

Published : 17 March, 2026 01:29 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

તાજેતરમાં પરિવારજનોની હાજરીમાં ૧૦૦મો જન્મદિવસ ઊજવનાર કુસુમબા આજે પણ ચશ્માં વગર વાંચી શકે છે. તેમને ભાખરી-ગોળ તો ભાવે જ છે અને સાથે પીત્ઝા અને ગાર્લિક બ્રેડનાં પણ એટલાં જ શોખીન છે

૧૦૦મા જન્મદિવસનું કર્યું સેલિબ્રેશન.

100 નૉટઆઉટ

૧૦૦મા જન્મદિવસનું કર્યું સેલિબ્રેશન.


જ્યારે કોઈ વ્યક્તિ ૧૦૦મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે ત્યારે તેને સામાન્ય રીતે અશક્તિ અને વિસ્મૃતિની સમસ્યા હોય છે, પરંતુ ગોરેગામમાં રહેતાં કુસુમ શાહ આ ધારણાઓને ખોટી પાડે છે. તાજેતરમાં પરિવારજનોની હાજરીમાં ૧૦૦મો જન્મદિવસ ઊજવનાર કુસુમબા આજે પણ ચશ્માં વગર વાંચી શકે છે. તેમને ભાખરી-ગોળ તો ભાવે જ છે અને સાથે પીત્ઝા અને ગાર્લિક બ્રેડનાં પણ એટલાં જ શોખીન છે

૧૦૦મા વર્ષમાં પ્રવેશ કરતી વ્યક્તિને કેવું ફીલ થતું હશે એનો જવાબ ગોરેગામમાં રહેતા  કુસુમ શાહના ચહેરા પરનું સ્મિત આપે છે. તેમણે ભારતમાં અંગ્રેજોનું શાસન પણ જોયું છે અને ટેક્નૉલૉજીની ક્રાન્તિ સાથે સમયની સાથે ચાલતાં પણ શીખ્યું છે. આજે તેઓ સ્માર્ટફોન લઈને વિદેશમાં બેઠેલાં પૌત્ર-પૌત્રી સાથે વિડિયો-કૉલ પર વાતો પણ કરે છે. ૧૯૨૭ની ૧૪ ફેબ્રુઆરીએ જન્મેલાં કુસુમબાએ જીવનના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે આખા પરિવારે એકત્ર થઈને આ દિવસને ઉત્સવની જેમ સેલિબ્રેટ કર્યો હતો. કુસુમબાનો જન્મ નડિયાદ તાલુકાના બિલોદરા ખાતે થયો હતો. એ સમયે સ્ત્રીશિક્ષણ અને સામાજિક મર્યાદાઓ અલગ હતાં. તેઓ જૉઇન્ટ ફૅમિલીમાં જન્મ્યાં અને લગ્ન પછી મહેસાણા જિલ્લાના કડી ખાતે ચીનુભાઈ શાહના ઘરે આવ્યાં. તેમનો પરિવાર પણ મોટો જ હતો. એ સમયે ગુજરાતના ગામડામાં રહીને પ્રગતિ થશે નહીં એટલે તેમણે તેમના પતિને મુંબઈ જવાનો આગ્રહ કર્યો. ગોરેગામ વિસ્તારમાં તેમનું સ્ટીલનું કારખાનું હતું. કુસુમબા ક્યારેય સીધી રીતે બિઝનેસમાં સામેલ નહોતાં થયાં, પણ ઘરનું આખું મૅનેજમેન્ટ તેમની આંગળીના વેઢે રહેતું.  તેમને પાંચ દીકરા યોગેશભાઈ, રોહિતભાઈ, રાહુલભાઈ, ધર્મેશભાઈ, કમલેશભાઈ અને એક દીકરી રમીલાબહેન છે. રમીલાબહેન પાંચેય ભાઈઓ કરતાં મોટાં. તેઓ પહેલાં અમેરિકા હતાં પણ થોડા સમયથી તેઓ બરોડામાં રહે છે. કુસુમબા હાલમાં તેમના બીજા નંબરના દીકરા રોહિતભાઈ અને પુત્રવધૂ સુરેખાબહેન સાથે ગોરેગામ ખાતે જ રહે છે. તેમના બાકીના ચાર દીકરાઓ ફૅમિલી સાથે અમેરિકામાં સેટલ્ડ છે. છ સંતાન ઉપરાંત કુસુમબાએ તેમના જેઠના દીકરા સુનીલભાઈને પણ દીકરાની તોલે રાખ્યો છે. નાની ઉંમરે જેઠનું અવસાન થતાં તેમના દીકરાને કુસુમબાએ જ સાચવ્યો હતો. પહેલેથી જ તેઓ કહે છે કે મારે પાંચ નહીં, છ દીકરા ને એક દીકરી છે.



સેલિબ્રેશનનો ગ્રૅન્ડ પ્લાન


કુસુમબાના ૧૦૦મા જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારે સેલિબ્રેશનનું પ્લાનિંગ કર્યું હતું. સેલિબ્રેશનનો પ્લાન બર્થ-ડેના એક મહિના પહેલાં જ બન્યો હતો એમ જણાવતાં બાના પૌત્ર અંકિતભાઈ કહે છે, ‘૧૪ ફેબ્રુઆરીના ​દિવસે અમે બાને મંદિરે લઈ ગયાં હતાં અને ગાયોને ઘાસ ખવડાવ્યું હતું. એ દિવસે આખો પરિવાર અમેરિકાથી આવી શકે એમ ન હોવાથી અમે ગ્રૅન્ડ સેલિબ્રેશન માટે ૨૦ ફેબ્રુઆરીનો દિવસ નક્કી કર્યો. બાના જન્મદિવસ માટે અમે વાડામાં લૉન બુક કરી હતી, પણ અમુક કારણોસર છેલ્લી ઘડીએ ટાઇમ પર એ કૅન્સલ થયું. અમેરિકાથી બાનાં પુત્ર અને પુત્રવધૂ ફક્ત બર્થ-ડે સેલિબ્રેશન માટે આવ્યાં હતાં. એમાં બાને ગમતી લાપસી, સુખડી બનાવવાનાં હતાં, તેમને પતંગોત્સવ બહુ ગમે એનું પણ પ્લાનિંગ હતું પણ દુર્ભાગ્યે પ્લાન અમારા હિસાબે એક્ઝિક્યુટ થયો નહીં. પછી અમે નિરાશ થયા, પણ બાએ કહ્યું કે અહીં દુનિયા થોડી ખતમ થઈ ગઈ છે? આ બુકિંગ કૅન્સલ થયું તો બીજે સેલિબ્રેશન કરી શકાય એમ છે. અમે અમારા બિલ્ડિંગમાં જ પાર્ટી રાખી હતી. એમાં અમારા પરિવારની સાથે બાનાં કઝિન્સ અને ફૅમિલી સાથે પહેલાં તેમના હાથ નીચે કામ કરતા લોકો અને તેમના જૂના ડ્રાઇવરોને પણ આમંત્રણ આપ્યું હતું. બાના બર્થ-ડે સેલિબ્રેશનમાં કુલ ૧૪૦ મહેમાનો આવ્યા હતા. બાને એક ખુરશીમાં વચ્ચે બેસાડ્યા અને બધાએ જ એક પછી એક આજુબાજુમાં બેસીને બા સાથે મન મૂકીને વાતો કરી. અમારી આખી ફૅમિલી ૩૫ વર્ષે પહેલી વાર તેમને કારણે ભેગી થઈ. તેમને લોકો સાથે મળવાનો અને વાતો કરવાનો બહુ શોખ હતો. એ બધુ ધ્યાનમાં રાખીને અમે સેલિબ્રેશન કર્યું હતું.’

કૅન્સર-વૉરિયર


વાતના દોરને આગળ વધારતાં અંકિતભાઈ કહે છે, ‘કુસુમબાનું જીવન કોઈ ફિલ્મી પટકથાથી ઓછું નથી. ૮૮ વર્ષની વયે જ્યારે મોટા ભાગના લોકો પથારીવશ થઈ જાય ત્યારે તેમને બ્રેસ્ટ-કૅન્સર જેવી ગંભીર બીમારીનું નિદાન થયું. તેમણે મક્કમ મનોબળથી કૅન્સરને હરાવ્યું. આટલું ઓછું હોય એમ ૯૭ વર્ષની વયે તેમનો થાઇ બોન તૂટી ગયો. આ ઉંમરે હાડકું જોડાવાની શક્યતા નહીંવત‍્ હોય છે, પણ કુસુમબાની રિકવરી જોઈ ડૉક્ટરો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આજે તેઓ ફુલ્લી રિકવર થયાં છે અને અત્યારે તેઓ વૉકરની મદદથી ચાલે છે. તેમની શારીરિક ક્ષમતાનું રહસ્ય કદાચ એ છે કે તેમની બધી જ ઇન્દ્રિયો આજે પણ સચેત છે.’

પીત્ઝાલવર દાદી

કુસુમબહેનનાં પુત્રવધૂ દર્શનાબહેનના ભાઈ હર્ષદ કાપડિયા કહે છે, ‘બા ફરવાનાં પહેલેથી જ શોખીન રહ્યાં છે. બહુ સંઘર્ષ કરીને પહેલા દીકરાને અમેરિકા મોકલ્યા બાદ તેમના બીજા ત્રણ દીકરા ત્યાં સેટલ થયા. હવે તેમના પૌત્ર પણ ત્યાં જ રહે છે ત્યારે તેઓ પોતાના જીવનમાં ૧૯ વખત અમેરિકા ગયાં છે. બાને મોટી ઉંમરે વિદેશી વાતાવરણ ક્યારેય નડ્યું નથી. ત્યાંની લાઇફસ્ટાઇલને તેમણે એટલી સહજતાથી અપનાવી લીધી છે કે આજે તેમને પીત્ઝા અને ગાર્લિક બ્રેડ જેવી વાનગીઓ પણ દેશી ભાખરી જેટલી જ વહાલી લાગે છે.’

કુસુમબા તેમના શોખ વિશે ‘મિડ-ડે’ને જણાવે છે, ‘મને જેટલાં લાપસી, સુખડી, લાડવા અને ગોળ-ભાખરી ભાવે એટલા જ પીત્ઝા પણ ભાવે. પહેલાં તો પીત્ઝા એટલે બાળકોને ખાવાની આઇટમ કહેવાતી. હવે તો ઘરમાં પીત્ઝા આવે એટલે તરત જ કહું એક પીસ અહીં આવવા દે. પીત્ઝા એક વાર ચાખ્યા પછી એને વારંવાર ખાવાનું મન થાય એટલા ભાવવા લાગ્યા. બાકી આમ તો હું બપોરે થોડું હેવી ખાઈ લઉં. જેમ કે દાળ-ભાત-શાક-ભાખરી અથવા રોટલી અને રાત્રે થોડું લાઇટ ખાઉં અથવા ઓછું ખાઉં. બર્થ-ડેના દિવસે તો મને મજા પડી ગઈ હતી. ઘણા સમય બાદ મેં મારા આખા પરિવારને સાથે જોયો.’ 

હેલ્થ-કૉન્શિયસ

વાતના દોરને આગળ વધારતાં હર્ષદભાઈ કહે છે, ‘અમેરિકાના ખૂણેખૂણામાં ફર્યાં હોવા છતાં તેમનું હૃદય હંમેશાં પોતાની માતૃભાષા અને સંસ્કારો સાથે જોડાયેલું રહ્યું છે. તેમની તંદુરસ્તીનું એક કારણ તેમની શિસ્તબદ્ધ લાઇફસ્ટાઇલ પણ છે. સવારે સાત-આઠ વાગ્યે ઊઠીને ગાર્લિક અને હેલ્ધી ફ્રૂટ્સ ખાય છે. સાથે ચાનાં શોખીન હોવાથી તેમને બે કપ ચા જોઈએ. જૈન હોવાથી તેમણે પોતાના જીવનમાં ક્યારેય કાંદા-લસણ ચાખ્યાં નહોતાં, પણ ૯૨ વર્ષની ઉંમરે તેમણે હેલ્થને લીધે લસણ ખાવાની શરૂઆત કરી. તેઓ સમય અને ટેક્નૉલૉજી સાથે એટલાં ફ્લેક્સિબલ છે કે ૭ વર્ષના છોકરા સાથે પણ ભળી જાય અને ૭૦ વર્ષની વ્યક્તિ સાથે પણ તાલમેલ બેસાડી લે છે. કોઠાસૂઝ એટલી જબરદસ્ત છે કે ઘરના નાના-મોટા નિર્ણયોમાં આજે પણ તેમની સલાહ લેવાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 01:29 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK