Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Sports Updates: જપાન માસ્ટર્સ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બૅડ્‍‌મિન્ટન પ્લેયર બન્યો લક્ષ્ય સેન

Sports Updates: જપાન માસ્ટર્સ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બૅડ્‍‌મિન્ટન પ્લેયર બન્યો લક્ષ્ય સેન

Published : 16 November, 2026 03:15 PM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે લક્ષ્ય સેને કુમામોતો માસ્ટર્સ જપાન 2026 મેન્સ સિંગલ્સ ફાઇનલ જીતીને ઇતિહાસ રચ્યો હતો

ફાઇનલ જીત્યા બાદ મેડલ સાથે લક્ષ્ય સેન અને જપાનનાે કોકી વાતાનાબે.

ફાઇનલ જીત્યા બાદ મેડલ સાથે લક્ષ્ય સેન અને જપાનનાે કોકી વાતાનાબે.


ગઈ કાલે લક્ષ્ય સેને કુમામોતો માસ્ટર્સ જપાન 2026 મેન્સ સિંગલ્સ ફાઇનલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ૨૫ વર્ષના લક્ષ્ય સેને જપાનના હરીફ કોકી વાતાનાબે સામે ૧૩-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૪ની સ્કોરલાઇનથી જીત નોંધાવી હતી. ૩ વર્ષ જૂની આ ટુર્નામેન્ટમાં જીતનાર લક્ષ્ય સેન પહેલો ભારતીય બૅડ્‍‌મિન્ટન પ્લેયર બન્યો છે. લક્ષ્ય સેને બૅડ્‍‌મિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF)નું સતત બીજું ટૂર ટાઇટલ જીતવામાં સફળતા મેળવી છે. આ મહિનાની શરૂઆતમાં તેણે જર્મનીમાં હાયલો ઓપનનું ટાઇટલ પણ જીત્યું હતું.

અફઘાનિસ્તાન સામે ઝિમ્બાબ્વેએ ત્રીજા દિવસે ૨૯૧ રનની લીડ મેળવી



અફઘાનિસ્તાન સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની બીજી મૅચના ત્રીજા દિવસના અંતે ઝિમ્બાબ્વેએ ૨૯૧ રનની લીડ મેળવી હતી. પહેલી ઇનિંગ્સમાં ઝિમ્બાબ્વેના ૩૩૯-૧૦ના સ્કોરની સામે અફઘાનિસ્તાન ૬૯.૪ ઓવરમાં ૨૧૭ રન કરીને ઑલઆઉટ થયું હતું. બીજી ઇનિંગ્સમાં ઝિમ્બાબ્વેએ ૫૮ ઓવર રમીને ૧૬૯-૭ રન કર્યા છે.


SAFF ચૅમ્પિયનશિપ 2026ની ફાઇનલમાં ટકરાશે ભારત-પાકિસ્તાનની ફુટબૉલ ટીમો 

બંગલાદેશમાં આયોજિત સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (SAFF) ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચ આવતી કાલે ૧૭ નવેમ્બરે રમાશે. શનિવારે રોમાંચક સેમી-ફાઇનલ મૅચોમાં જીત મેળવીને ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચ્યાં હતાં. પહેલી સેમી-ફાઇનલમાં ભારતીય મેન્સ ફુટબૉલ ટીમે ભુતાન સામે ૨-૧થી જીત મેળવી હતી. પાકિસ્તાને બીજી સેમી-ફાઇનલમાં મોડેથી ગોલ કરીને બંગલાદેશ સામે ૧-૦થી જીત નોંધાવી હતી. ચૅમ્પિયનશિપની ૧૫ સીઝનમાં ૧૪મી વખત અને સતત ૧૦મી વખત ભારતે ફાઇનલમાં એન્ટ્રી કરી છે, જ્યારે પાકિસ્તાન પહેલી જ વખત ફાઇનલ રમશે.


ICCએ ૨૦૩૫ સુધીના મેન્સ વર્લ્ડ કપની તારીખો કન્ફર્મ કરી

ગઈ કાલે ICC દ્વારા ૨૦૩૫ સુધીના મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની તારીખો જાહેર કરવામાં આવી હતી. ભારત ૨૦૨૯ની ૯થી ૨૮ ઑક્ટોબર દરમ્યાન ચૅમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે. ૨૦૩૧ના વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને બંગલાદેશ સહ-યજમાન બનશે.  ૨૦૨૮માં મેન્સ T20 વર્લ્ડ કપ ૧૨ ઑક્ટોબરથી ૧૨ નવેમ્બર વચ્ચે ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડમાં રમાશે. ૨૦૨૯માં ૮થી ૧૨ જૂન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ ઇંગ્લૅન્ડમાં થશે. ૨૦૩૦ની ૪ જુલાઈથી ૪ ઑગસ્ટ વચ્ચે ઇંગ્લૅન્ડ, આયરલૅન્ડ, સ્કૉટલૅન્ડ મેન્સ T20 વર્લ્ડ કપની યજમાની કરશે. ૨૦૩૧ની ૧૨થી ૧૬ જૂન વચ્ચે ઇંગ્લૅન્ડ ફરી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલનું યજમાન બનશે. ૨૦૩૨થી ૨૦૩૫ દરમ્યાનના ૩  મેન્સ T20 વર્લ્ડ કપ, એક ચૅમ્પિયન્સ ટ્રોફી, એક વન-ડે વર્લ્ડ કપ અને એક વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલની માત્ર તારીખ કન્ફર્મ કરવામાં આવી છે. યજમાન દેશોની જાહેરાત પછીથી કરવામાં આવશે. 

ક્રિસ્ટીઆનો રોનાલ્ડોના સન્માનમાં પોર્ટુગલની મેન્સ ફુટબૉલ ટીમ ૭ નંબરની જર્સી પહેરીને રમવા ઊતરી

પોર્ટુગલના બ્રાગામાં ગઈ કાલે ડેન્માર્ક સામેની નેશન્સ લીગ મૅચમાં પોર્ટુગીઝ ફુટબૉલ ટીમે ભૂતપૂર્વ ઇન્ટરનૅશનલ પ્લેયર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોને અનોખું સન્માન આપ્યું હતું. પાંચ નવેમ્બરે ઇન્ટરનૅશનલ ફુટબૉલ છોડનાર રોનાલ્ડો માટે મૅચ પહેલાં ટીમના તમામ પ્લેયર્સ નંબર ૭ની જર્સી પહેરીને આવ્યા હતા. ફૅન્સના સ્ટૅન્ડમાં ‘OBRIGADO CAPI7AO’ એટલે કે ‘આભાર કૅપ્ટન’ લખેલું વિશાળ બૅનર પણ લહેરાતું દેખાયું હતું.

પોર્ટુગલની ઘરઆંગણે છેલ્લાં ૧૦૫ વર્ષમાં સૌથી ખરાબ હાર 

ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ નિવૃત્તિ લીધી પછી પહેલી વખત મેદાન પર રમનાર પોર્ટુગલની ટીમને ડેન્માર્ક સામે ૧-૪થી હારનો સામનો કરવો પડ્યો. ૧૯૨૧માં ફુટબૉલ રમવાની શરૂઆત કરનાર પોર્ટુગલને ૧૦૫ વર્ષમાં ઘરઆંગણે સૌથી કારમી હાર મળી હતી. ૨૦૧૦ પછી પહેલી વખત આ ટીમે ઘરઆંગણે ૪ ગોલ આપ્યા હતા.

સ્પૅનિશ ફુટબૉલરના મૃત્યુમાં પરિણમેલી ટક્કર માટે ગોલકીપર હેસૂસ ઓવોનો પર ૧૨ મૅચનો પ્રતિબંધ

ટેનેરિફના ફૉર્વર્ડ હેસૂસ ડી મીગેલના મૃત્યુમાં પરિણમેલી એક ટક્કર પછી અંડોરા ક્લબના ગોલકીપર હેસૂસ ઓવોનો પર ૧૨ મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી નવેમ્બરે રમાયેલી મૅચ દરમ્યાન બૉલને પકડવા માટે ઓવોનોએ લગાવેલી છલાંગ દરમ્યાન ઘૂંટણ મીગેલની છાતીએ વાગ્યો હતો. ટક્કર પછી કાર્ડિઍક અરેસ્ટથી મીગેલનું ૨૪ કલાકમાં મૃત્યુ થયું એના કારણે સ્પૅનિશ ફેડરેશનની શિસ્ત સમિતિએ ઓવોનો પર આ પ્રતિબંધ લગાવ્યો છે. એ ટક્કર પછી ઓવોનોને રેડ કાર્ડ મળ્યું હતું. આ ઘટના પછી ઓવોનો ભારે આઘાતમાં છે અને હજી ટીમના ટ્રેઇનિંગ-સેશનમાં વાપસી કરી શક્યો નથી.

Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 03:15 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK