સુરક્ષિત લૅન્ડિંગ થયું, બધા જ ૧૯૨ પ્રવાસીઓ સેફ
સદ્ભાગ્યે ફ્લાઇટ સવારે ૯.૦૪ વાગ્યે ફરી પુણે ઍરપોર્ટના રનવે પર સુરક્ષિત લૅન્ડ થઈ હતી અને એમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ પણ હેમખેમ હતા.
ટેક-ઑફ થયા બાદ ટેક્નિકલ ખામી ઊભી થતાં પુણે ઍરપોર્ટથી ગુવાહાટી જતી ઇન્ડિગોની ફ્લાઇટને થોડા જ સમયમાં પાછી પુણે ઍરપોર્ટ વાળવામાં આવી હતી. આ ફ્લાઇટમાં ૧૯૨ પ્રવાસીઓ સવાર હતા. આ ઘટના રવિવારે સવારે બની હતી. ત્યાર પછી ઇન્ડિયન ઍર ફોર્સ (IAF) તથા ઍરપોર્ટ દ્વારા ‘ફુલ ઇમર્જન્સી’ જાહેર કરીને ફાયર તથા મેડિકલ ટીમ્સને તૈયાર રાખવામાં આવી હતી.
મળેલી માહિતી મુજબ ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટ 6E 623 (VT-IZE)ના લૅન્ડિંગ ગિઅરમાં ખામી સર્જાઈ હોવાની જાણકારી પાઇલટે ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ને આપી હતી, ત્યાર બાદ ઇમર્જન્સી જાહેર કરી ફ્લાઇટને પાછી વાળવામાં આવી હતી. જોકે સદ્ભાગ્યે ફ્લાઇટ સવારે ૯.૦૪ વાગ્યે ફરી પુણે ઍરપોર્ટના રનવે પર સુરક્ષિત લૅન્ડ થઈ હતી અને એમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ પણ હેમખેમ હતા.
ફ્લાઇટ ટેક-ઑફ થઈ ત્યાર પછી ઍરક્રાફ્ટનું લૅન્ડિંગ ગિઅર રીટ્રૅક્ટ થવાને બદલે એમને એમ બહાર જ રહ્યું હતું જેને પગલે આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું ઍરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. જાણકારી મળતાં જ
IAF તથા ઍરપોર્ટ સત્તાવાળાઓએ ફાયર-ફાઇટિંગ ટીમ્સ, ઍમ્બ્યુલન્સ સહિતની તમામ ઇમર્જન્સી સર્વિસ તહેનાત કરી દીધી હતી. જોકે સદ્ભાગ્યે કોઈ દુર્ઘટના ઘટી નહોતી.
