૪૦૦ દિવસની તપશ્ચર્યામાં ૨૨૦ ઉપવાસ અને ૧૮૦ દિવસ બે ટાઇમ નિશ્ચિત સમયે એકાંતરે ભોજન. જૈનોના વર્ષીતપ તરીકે ઓળખાતા આ લૉન્ગેસ્ટ તપની આજે પૂર્ણાહુતિ કરી રહેલા કેટલાક એવા તપસ્વીઓને મળીએ જેમણે અઢળક પડકારો વચ્ચે પણ પોતાના તપને અધવચ્ચે રોક્યું નહીં. સંજોગો સામે ટકી રહીને નિષ્ઠાપૂર્વક ત્યાગ અને ધર્મ માટેનું સમર્પણ તેમણે અકબંધ રાખ્યું એની રોમાંચ અને પ્રેરણાભરી વાતો જાણવા વાંચો આગળ. જીવદયાની જેમ જ તપ અને ત્યાગની બાબતમાં પણ જૈન દર્શન મુઠ્ઠીઊંચેરું છે. ‘જૈનોના ઉપવાસ તો બાપા બહુ જ આકરા’ એવું ઘણા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે. જોકે સાવ એવું નથી. તપના મામલામાં વ્યક્તિને તેની ક્ષમતા મુજબ આગળ વધવાના અઢળક પર્યાયો આ ધર્મની પરંપરામાં મળી જશે. સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે ખાઈ શકાય એવું નવકારશીનું પણ તપ છે અને ભૂખ કરતાં ઓછું ખાઈને ઊણોદરી તપનો પર્યાય પણ છે. એક ટાઇમ જમવાનું એકાસણું, એક ટાઇમ રસ વિનાનું ભોજન લેવાનું આયંબિલ, બે ટાઇમ ભોજન લેવાનું એટલે કે બિયાસણું. બીજી બાજુ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે ઉકાળીને ઠારેલું પાણી પી શકાય એવા નકોરડા ઉપવાસ તો પાણી પણ નહીં એવો ચૌવિહારો ઉપવાસ, એમાં પાછા બે દિવસના નકોરડા ઉપવાસ એટલે કે છઠ્ઠ, ત્રણ ઉપવાસ એટલે કે અઠ્ઠમ, આઠ ઉપવાસ એટલે અઠ્ઠાઈ, ત્રીસ ઉપવાસ એટલે કે માસક્ષમણ એમ મલ્ટિપલ પર્યાયો જૈનોની ફાસ્ટિંગ પરંપરામાં મળશે. એક ટાઇમથી લઈને એક વર્ષ અને એથીયે લાંબા ચાલતા તપમાં સૌથી લાંબા તપમાં જેનું નામ પ્રમુખ લેવું પડે એવું તપ એટલે વર્ષીતપ. ૪૦૦ દિવસની આ તપશ્ચર્યામાં સામાન્ય રીતે એક દિવસ બિયાસણું એટલે કે બે ટાઇમ ખાવાનું અને એક દિવસ નકોરડો ઉપવાસ કરવાનો હોય. વચ્ચે ક્યારેક એકસાથે બે નકોરડા ઉપવાસ કરવાના પણ આવે અને એમાં કેટલાક ત્યાગને વરેલા તપસ્વીઓ પોતાની રીતે બે ટાઇમ ભરપેટ જમવાને બદલે એકાસણાં અને આયંબિલ કરીને એને વધુ કઠિન બનાવીને પણ કરે. આ તપની સૌથી મોટી ખાસિયત એટલે સળંગ ૪૦૦ દિવસ સુધી એક પણ બ્રેક કે ગૅપ વિના આ આહાર અને ઉપવાસના આ રૂટીનને અનુસરવાનું હોય. કાંદિવલી ઈસ્ટમાં દામોદરવાડીમાં આવેલા ઝાલાવાડી જૈન સંઘમાં અત્યારે ૫૨૫ લોકોએ આ વર્ષીતપ કર્યું છે. એકસાથે એક જ ઠેકાણે આટલા મોટા પ્રમાણમાં લોકો વર્ષીતપ કરી રહ્યા હોય એ વાત પોતાનામાં ઇતિહાસ સમાન છે. આખા મુંબઈમાં જુદે-જુદે ઠેકાણે રહેતા લોકો આ વર્ષીતપમાં જોડાયા છે અને આજે તેમના આ લૉન્ગેસ્ટ તપનું પારણું છે. તપ અને ત્યાગ જ્યારે તમારા જીવનનું કેન્દ્રબિંદુ બની જાય ત્યારે ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ તમારી ઇચ્છાશક્તિ સાથે નિયમોને વળગી રહો છો. આ વાતને આત્મસાત કરનારા વર્ષીતપ કરી રહેલા કેટલાક અનૂઠા તપસ્વીઓ સાથે અમે મુલાકાત કરી અને જાણી તેમની યુનિક વાતો.
01 May, 2025 06:45 IST | Mumbai | Ruchita Shah