Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગીધને બચાવવા માટે આ ગામે ગીતસંગીત અને ઘોંઘાટિયા મનોરંજન પર મૂક્યો પ્રતિબંધ

ગીધને બચાવવા માટે આ ગામે ગીતસંગીત અને ઘોંઘાટિયા મનોરંજન પર મૂક્યો પ્રતિબંધ

Published : 15 November, 2026 07:55 AM | IST | Mumbai
Laxmi Vanita

શું તમે કલ્પના કરી શકો કે પક્ષીઓને બચાવવા માટે કોઈ ગામ લગ્ન અને તહેવારોમાં પણ DJના ઘોંઘાટ પર પ્રતિબંધ મૂકે? મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના ચિરગાવ ગામે ગીધના સંરક્ષણ માટે આવો જ અનોખો પ્રયાસ કર્યો છે.

ગીધ

ગીધ


શું તમે કલ્પના કરી શકો કે પક્ષીઓને બચાવવા માટે કોઈ ગામ લગ્ન અને તહેવારોમાં પણ DJના ઘોંઘાટ પર પ્રતિબંધ મૂકે? મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના ચિરગાવ ગામે ગીધના સંરક્ષણ માટે આવો જ અનોખો પ્રયાસ કર્યો છે. ૨૦૦૦ની સાલમાં માત્ર બાવીસ ગીધ નોંધાયેલાં જે પચીસ વર્ષ બાદ આ પ્રયાસના પરિણામે ૩૪૭ થયાં છે. આ સફર એ વાતનો પુરાવો છે કે એક ગામની સામૂહિક પ્રતિબદ્ધતા સંરક્ષણની દિશામાં કેટલું સુંદર પરિવર્તન લાવી શકે છે. વિસ્તારથી જાણીએ કે બે દાયકા પહેલાં ચિરગાવની આ કહાણીની કેવી રીતે શરૂઆત થઈ હતી

લક્ષ્મી વનિતા



feedbackgmd@mid-day.com


ભારતમાં એક સમયે આકાશમાં ઊડતાં ગીધનાં ઝુંડ અને વૃક્ષોની ડાળીઓ પર બેસેલાં ગીધ સામાન્ય દૃશ્યો હતાં, પરંતુ આજે આ કુદરતી સફાઈકારોની ઘટતી સંખ્યા પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. ભારતમાં ગીધની કુલ ૯ પ્રજાતિઓ છે. એમાં સફેદ પીઠવાળું ગીધ, ભારતીય ગીધ, પાતળી ચાંચવાળું ગીધ, લાલ માથાવાળું ગીધ, ઇજિપ્શિયન ગીધ, હિમાલયન ગીધ, દાઢીવાળું ગીધ, યુરેશિયન ગ્રિફન અને સિનેરિયસ ગીધનો સમાવેશ થાય છે. હિમાલયના પર્વતીય વિસ્તારો, પશ્ચિમ ઘાટનાં જંગલો, મહારાષ્ટ્રના સહ્યાદ્રિ અને કોકણના વિસ્તારો સહિત દેશના વિવિધ પ્રદેશોમાં આ ગીધ જોવા મળે છે. પશુઓના મૃતદેહોનો નિકાલ કરીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં અને રોગચાળો ફેલાવાનું જોખમ ઘટાડવામાં ગીધ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે પશુઓની સારવારમાં વપરાતી ડાઇક્લોફેનાક જેવી દવાઓની ઝેરી અસર, રહેઠાણનો નાશ અને ખોરાકની અછતને કારણે ગીધની અનેક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે પહોંચી છે. આવી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના ચિરગાવ ગામે આશાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગીધના સંરક્ષણમાં આ ગામના લોકોની સહભાગિતા કેવી રીતે સહજીવનનું એક ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે એ જાણીએ.

કેવી રીતે થઈ ગીધ સંરક્ષણની શરૂઆત?


ચિરગાવની ગીધસંરક્ષણની આ કહાણીનો પાયો વર્ષ ૨૦૦૦ની આસપાસ નખાયો હતો. મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના મહાડના પ્રકૃતિપ્રેમી અને પક્ષીસંરક્ષક પ્રેમસાગર મેસ્ત્રીનું આ વિસ્તારમાં પક્ષીઓના અભ્યાસ અને નિરીક્ષણ દરમ્યાન ગીધની ઘટતી સંખ્યા તરફ ધ્યાન ગયું. વર્ષ ૨૦૦૦માં મૃત પશુના શબ પાસે ગીધનું એક જૂથ જોવા મળતાં તેઓ એનો પીછો કરતા ચિરગાવ સુધી પહોંચ્યા અને ત્યાં ગીધના માળાઓની શોધખોળ શરૂ કરી. સ્થાનિક સરપંચ કિશોર ગુલગુલે સહિત ગ્રામજનો સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું કે એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતાં ગીધ હવે ગણ્યાંગાંઠ્યાં રહી ગયાં હતાં. સર્વેક્ષણમાં માત્ર બાવીસ ગીધ નોંધાયાં હતાં, જેમાં સફેદ પીઠવાળાં અને લાંબી ચાંચવાળાં ગીધનો સમાવેશ થતો હતો. આ સ્થિતિ બદલવા માટે પ્રેમસાગર મેસ્ત્રીએ સોસાયટી ઑફ ઇકો-એન્ડેન્જર્ડ સ્પીસીઝ કન્ઝર્વેશન ઍન્ડ પ્રોટેક્શન (SEESCAP) સંસ્થાના માધ્યમથી સંરક્ષણકાર્ય શરૂ કર્યું. તેમણે અને તેમની ટીમે ગીધના માળા ધરાવતાં વૃક્ષો તથા એમનાં કુદરતી રહેઠાણોને બચાવવા, આસપાસનાં ગામોમાંથી મૃત પશુઓની માહિતી એકત્રિત કરવા અને ગીધને પૂરતો ખોરાક મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂક્યો. બચ્ચાંને જ્યાં પૂરતો ખોરાક મળતો નહોતો ત્યાં જરૂરિયાત મુજબ માંસની વ્યવસ્થા કરવામાં આવતી, જ્યારે માળામાંથી નીચે પડી ગયેલાં બચ્ચાંને બચાવીને એમની સંભાળ રાખવામાં આવતી. આગામી વર્ષોમાં સ્થાનિક લોકોના સહયોગથી વૃક્ષારોપણ, માળાઓનું નિરીક્ષણ અને ગીધના સંવર્ધન વિશે જનજાગૃતિ જેવા પ્રયાસોને પણ વેગ મળ્યો. આ રીતે ચિરગાવમાં ગીધને બચાવવાના પ્રયાસની એક સામૂહિક ચળવળ બની.

ગામવાસીઓનું પણ ટ્રાન્સફૉર્મેશન થયું

ચિરગાવમાં ગીધસંરક્ષણની પહેલને સફળ બનાવવામાં ગ્રામજનોની ભાગીદારી સૌથી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ. શરૂઆતમાં ગીધને અણગમતા પક્ષી તરીકે જોનારા અને એમને ભગાડવા માટે પથ્થર મારનારા કેટલાક ગ્રામજનો સમય જતાં એમના રક્ષક બની ગયા. ગીધને માળા બાંધવા માટે ઊંચાં વૃક્ષો અને શાંત વાતાવરણની જરૂર હોય છે એ સમજ્યા પછી ગામલોકોએ વૃક્ષોનું રક્ષણ કર્યું, નવાં વૃક્ષો વાવ્યાં અને ગીધના માળાઓની આસપાસ માનવીય અવરજવર ઘટાડવાની કાળજી લીધી. આગામી પાંચ વર્ષમાં સંરક્ષણકાર્યના ભાગરૂપે આશરે ૫૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ગીધને ખોરાકની અછત ન પડે એ માટે આસપાસનાં ગામોમાં મૃત પશુઓની માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી. જોકે ચિરગાવના પ્રયાસોમાં સૌથી અનોખું પગલું ૨૦૦૨માં ભરવામાં આવ્યું, જ્યારે ગ્રામજનોએ ગીધના માળાઓ અને પ્રજનનને ઘોંઘાટથી થતી ખલેલથી બચાવવા ગામમાં DJ અને મોટા અવાજવાળાં લાઉડસ્પીકરો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો. તહેવારો અને લગ્નપ્રસંગોમાં ફટાકડાના ઉપયોગ પર પણ નિયંત્રણો મૂકવામાં આવ્યાં. આ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ હતો કે માનવોના ઉત્સવને કારણે પક્ષીઓના જીવન અને પ્રજનન પર વિપરીત અસર ન થવી જોઈએ. અવાજ બંધ થઈ જવાથી પક્ષીના જીવનમાં કેટલો ફરક પડે છે એ પણ જાણો.

પક્ષીની સંખ્યા અને ઘોંઘાટને શું સંબંધ છે?

કલ્પના કરો કે તમે નવજાત બાળકની સંભાળ રાખી રહ્યા છો અને આસપાસ સતત અજાણ્યા, મોટા અવાજો થતા રહે છે એટલે સતત તેની કાળજીમાં અડચણો આવી રહી છે. વન્યજીવો માટે પણ વારંવાર થતો ઘોંઘાટ આવી જ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ૨૦૨૩માં ફ્રન્ટિયર ઇન ઇકોલૉજી ઍન્ડ ઇવૉલ્યુશન નામના વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયેલી સમીક્ષામાં ૧૯૯૫થી ૨૦૨૧ દરમ્યાન પ્રકાશિત થયેલાં ૪૮ સંશોધનોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમાંથી ૩૮ સંશોધનોમાં એટલે કે આશરે ૭૯ ટકા અભ્યાસોમાં, માનવસર્જિત ઘોંઘાટની વન્યજીવો પર ઓછામાં ઓછી એક નકારાત્મક અસર નોંધાઈ હતી. એમાં પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો, પ્રજાતિઓની વિવિધતા પર અસર, માળામાં બચ્ચાંના ઉછેરમાં વિક્ષેપ અને ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવવાની સફળતામાં ઘટાડા જેવી અસરોનો સમાવેશ થતો હતો. સંશોધકોના મતે પક્ષીઓ એકબીજાને સંકેત આપવા માટે વાપરતા અવાજોને સતત ઘોંઘાટ અસર કરી શકે છે, આસપાસની પરિસ્થિતિને સમજવામાં વિક્ષેપ પાડી શકે છે અને જોખમ હોવાની પ્રતિક્રિયા પેદા કરી શકે છે. વારંવારના ઘોંઘાટથી શારીરિક તનાવ પણ વધી શકે છે. માળામાં ઈંડાં સેવતાં અથવા બચ્ચાંને ખવડાવતાં પક્ષીઓ માટે આ ખાસ ચિંતાનો વિષય છે, કારણ કે વારંવાર થતી ખલેલને કારણે એમણે માળો છોડવો પડે તો ઈંડાં અને બચ્ચાંની સંભાળમાં વિક્ષેપ પડી શકે છે. આવાં જ કારણોસર ચિરગાવમાં ગીધના સંરક્ષણ માટે અન્ય પગલાંઓ સાથે ઘોંઘાટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હશે. ૧૯૯૯-૨૦૦૦ દરમ્યાન આ વિસ્તારમાં નોંધાયેલાં માત્ર બાવીસ ગીધની સંખ્યા ૨૦૨૨ની ગણતરીમાં વધીને ૩૪૭ થઈ હતી. એટલે કે એમાં આશરે પંદરગણો વધારો થયો હતો. જોકે આ સફળતાનું શ્રેય માત્ર ઘોંઘાટ પરના પ્રતિબંધને આપી શકાય નહીં. રહેઠાણનું રક્ષણ, ખોરાકની ઉપલબ્ધતા અને ગ્રામજનોના સતત સહકાર સહિતનાં અનેક પગલાંએ એમાં મહત્ત્વનો ફાળો આપ્યો.

 
મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના મહાડના પ્રકૃતિપ્રેમી અને પક્ષીસંરક્ષક પ્રેમસાગર મેસ્ત્રીનું આ વિસ્તારમાં પક્ષીઓના અભ્યાસ અને નિરીક્ષણ દરમ્યાન ગીધની ઘટતી સંખ્યા તરફ ધ્યાન ગયું. આ સ્થિતિ બદલવા માટે તેમણે સોસાયટી ઑફ ઇકો-એન્ડેન્જર્ડ સ્પીસીઝ કન્ઝર્વેશન ઍન્ડ પ્રોટેક્શન સંસ્થાના માધ્યમથી સંરક્ષણકાર્ય શરૂ કર્યું. 

ગીધને બચાવવાં જ શું કામ છે?

પર્યાવરણમાં ગીધની ભૂમિકા સમજીએ ત્યારે ચિરગાવના ગ્રામજનોનો નિર્ણય વધુ મહત્ત્વનો લાગે છે. ખાસ કરીને સફેદ પીઠવાળું ગીધ, જે ચિરગાવમાં સંરક્ષણ હેઠળની મહત્ત્વપૂર્ણ પ્રજાતિઓમાંનું એક છે. કેવી રીતે એ મૃત પશુઓનાં શબનો નિકાલ કરીને કુદરતી સફાઈકાર તરીકે કામ કરે છે એ પણ જાણી લો. ગીધની પાચનપ્રણાલી એને મૃતદેહોમાં રહેલા અનેક હાનિકારક સૂક્ષ્મ જીવોનો સામનો કરવામાં મદદ કરે છે. એમની સંખ્યા ઘટવાથી મૃત પશુઓનાં શબ લાંબા સમય સુધી ખુલ્લામાં પડ્યા રહેવાની અને અન્ય પ્રાણીઓ દ્વારા રોગ ફેલાવાની શક્યતા વધી જાય છે. ભારતમાં પશુઓની સારવારમાં વપરાતી ડાયક્લોફેનાક દવાને કારણે ગીધની ૩ પ્રજાતિઓ સફેદ પીઠવાળું ગીધ, ભારતીય ગીધ, પાતળી ચાંચવાળું ગીધની વસ્તીમાં ૧૯૯૦ના દાયકાથી ૯૦ ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. ભારતમાં ગીધની ઘટતી વસ્તીને બચાવવા માટે કેન્દ્ર સરકારે ૨૦૦૬માં પશુચિકિત્સામાં ડાયક્લોફેનાકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ૨૦૨૦માં ગીધસંરક્ષણ માટેની રાષ્ટ્રીય કાર્યયોજના અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ ગીધનાં સંવર્ધનકેન્દ્રોનો વિસ્તાર, ઝેરી દવાઓની ઉપલબ્ધતા પર દેખરેખ, ગીધ માટે સુરક્ષિત વિસ્તારોની રચના અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે બચાવકેન્દ્રો સ્થાપિત કરવા જેવાં પગલાંનો સમાવેશ થાય છે. આ પ્રયાસોથી અપેક્ષા છે કે ગીધને ઝેરી દવાઓથી થતા મૃત્યુથી બચાવી શકાય, સંવર્ધનકેન્દ્રોમાં જન્મેલાં પક્ષીઓને સુરક્ષિત રીતે કુદરતી રહેઠાણમાં પાછાં વસાવી શકાય અને જંગલમાં એમની વસ્તી ધીમે-ધીમે પુનઃ સ્થાપિત થાય. વન્યજીવોના સંરક્ષણ માટે માત્ર સરકારી યોજનાઓ જ નહીં; ચિરગાવની જેમ સ્થાનિક સમુદાયની જાગૃતિ, સંવેદનશીલતા અને સહભાગિતા પણ નિર્ણાયક બની શકે છે.

ગીધના પ્રજનનતંત્રને સમજો
એવો સવાલ થાય કે ચિરગાવનાં છેલ્લાં ૨૦ વર્ષના પ્રયાસમાં ગીધની સંખ્યામાં માત્ર પંદર ટકાનો જ વધારો? તો ગીધના પ્રજનનચક્ર વિશે જાણી લો. ગીધસંરક્ષણમાં સૌથી મોટો પડકાર એ છે કે આ પક્ષીઓની પ્રજનનપ્રક્રિયા અત્યંત ધીમી હોય છે. ગીધની મોટા ભાગની પ્રજાતિઓમાં માદા એક પ્રજનન-ઋતુ દરમ્યાન સામાન્ય રીતે માત્ર એક જ ઈંડું મૂકે છે. ઈંડામાંથી બચ્ચું બહાર આવે ત્યારથી લઈને એ સ્વતંત્ર રીતે ઊડવા અને જીવન ટકાવી રાખવા સક્ષમ બને ત્યાં સુધી માતા-પિતાએ એની સંભાળ રાખવી પડે છે. વળી ગીધ સામાન્ય રીતે ચારથી ૬ વર્ષની ઉંમરે પ્રજનનક્ષમ બને છે. એટલે કે એક જોડી દર વર્ષે અનેક બચ્ચાં પેદા કરીને પોતાની સંખ્યા ઝડપથી વધારી શકતી નથી.

Whatsapp-channel Whatsapp-channel

15 November, 2026 07:55 AM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK