Commonwealth Games 2026 concludes: ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ની સત્તાવાર પૂર્ણાહુતિ, જેમાં સ્કોટલેન્ડે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન સોંપ્યા હતા; અમદાવાદ ૨૦૩૦ ના ઐતિહાસિક શતાબ્દી સંસ્કરણ માટે યજમાની કરશે
તસવીર સૌજન્યઃ એક્સ
ગ્લાસગો (Glassgow)માં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ (Commonwealth Games 2026) નો એક યાદગાર અધ્યાય પૂર્ણ થવાની સાથે જ એક નવી ઐતિહાસિક સફરની શરૂઆત થઈ છે. સમાપન સમારોહમાં સ્કોટલેન્ડ (Scotland) એ અધિકૃત રીતે રમતોનો ફ્લેગ અને બેટન ભારત (India) ને સોંપીને વિશ્વને ૨૦૩૦ ની અમદાવાદ રમતો માટે ઉત્સાહપૂર્વકનું નિમંત્રણ આપ્યું હતું. આ સાથે જ વર્ષ ૨૦૩૦ માં અમદાવાદ ખાતે યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2030) ના ૧૦૦મા શતાબ્દી સંસ્કરણની યાત્રા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.
સમાપન મંચ પર ભારતના પ્રાચીન દર્શન, આધુનિક કળા અને સાંસ્કૃતિક ભવ્યતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભારત વતી બેટન અને ફ્લેગ સ્વીકારવા માટે બે વારના ઓલિમ્પિક મેડાલિસ્ટ નીરજ ચોપરા (Neeraj Chopra), ભારતીય ઓલિમ્પિક સંઘ (Indian Olympic Association) ના પ્રમુખ પી. ટી. ઉષા (PT Usha) અને ગુજરાત (Gujarat) ના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
પ્રિન્સ એડવર્ડે કરી સમાપનની જાહેરાત
કિંગ ચાર્લ્સ તૃતીયના પ્રતિનિધિ પ્રિન્સ એડવર્ડ (ડ્યુક ઓફ એડિનબર્ગ) એ રમતોના સમાપનની ઔપચારિક જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘હું તમામ દેશો અને પ્રદેશોના ખેલાડીઓને ભારતના અમદાવાદ આવવાનું નિમંત્રણ આપું છું, જ્યાં ચાર વર્ષ પછી ૨૪મી કોમનવેલ્થ ગેમ્સ યોજાશે, જે આ રમતોનું શતાબ્દી સંસ્કરણ પણ છે.’
જેસ્મિન લંબોરિયા બન્યા ભારતના ધ્વજવાહક
સમાપન સમારોહમાં મહિલા બોક્સિંગના ૫૭ કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનાર જેસ્મિન લંબોરિયા ભારતના ધ્વજવાહક રહ્યા હતા. ઔપચારિક રીતે ફ્લેગ સોંપવાનો કાર્યક્રમ કોમનવેલ્થ ગેમ્સના ફ્લેગની સમગ્ર સંકુલમાં સાંકેતિક યાત્રા સાથે શરૂ થયો હતો.
સ્કોટલેન્ડ અને ભારતના ધ્વજવાહકોની આગેવાની હેઠળના સરઘસે રમતોના ફ્લેગને નીચે ઉતાર્યો હતો. આ પછી ગ્લાસગોના લોર્ડ પ્રોવોસ્ટ જેકલિન મેકલેરેને આ ફ્લેગ કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના વાઇસ પ્રેસિડેન્ટ સુસાન જેક્સન, સ્કોટિશ નેટબોલ ખેલાડી એમિલી નિકોલ, કોમનવેલ્થ સ્પોર્ટના અધ્યક્ષ ડો. ડોનાલ્ડ રુકારે, બે વારના ઓલિમ્પિક મેડાલિસ્ટ નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) ના પ્રમુખ પી. ટી. ઉષા અને અંતમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો હતો.
સ્કોટલેન્ડે ભારતને સત્તાવાર રીતે સોંપી યજમાનીની જવાબદારી
આ સાથે જ સ્કોટલેન્ડ તરફથી ભારતને યજમાનીની જવાબદારી અધિકૃત રીતે સોંપવામાં આવી હતી. આ પછી સમગ્ર સમારોહ ભારતની વિરાસતના જશ્નમાં લીન થઈ ગયો હતો. ભારતની સાંસ્કૃતિક પ્રસ્તુતિ ત્રણ ભાગમાં વિભાજિત હતી, જે દર્શકોને સામાજિક મૂલ્યો, સંસ્કૃતિ અને પરસ્પર જોડાણની એક અનોખી સફર પર લઈ ગઈ હતી.
આ કાર્યક્રમની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ’ હતી, જે કોમનવેલ્થની એકતા અને મિત્રતાના આદર્શોને અનુરૂપ છે.
વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી:
પ્રથમ પ્રસ્તુતિમાં ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ના ૧૫૦ વર્ષ પૂરા થવાનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં નૃત્યનું નેતૃત્વ અભિનેત્રી માનુષી છિલ્લરે કર્યું હતું. ડિજિટલ દ્રશ્યો વચ્ચે સેંકડો કલાકારોએ ભારતની વિવિધતા રજૂ કરી હતી. પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન (Shankar Mahadevan)એ ભારતીય સંગીત પરંપરાને ઓર્કેસ્ટ્રા સાથે જોડીને શાનદાર સંગીત આપ્યું હતું. એક ખાસ નિર્મિત ફિલ્મ દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને અમદાવાદ શહેરનો પરિચય કરાવવામાં આવ્યો હતો.
ઈન્ડો-સ્કોટિશ સંગીત જુગલબંધી:
બીજી પ્રસ્તુતિ સંગીત પર આધારિત હતી. ભારતના સિતારવાદક ઋષભ શર્મા અને સ્કોટલેન્ડના સંગીતકાર રોસ એન્સલીએ સિતાર અને સ્કોટિશ પાઇપની અદ્ભુત જુગલબંધી રજૂ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
બોલિવૂડ ગીતો અને ગરબાની રમઝટ:
અંતિમ ચરણમાં શંકર મહાદેવન તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ સાથે ફરી મંચ પર આવ્યા હતા અને ‘સુનો ગૌર સે દુનિયા વાલો’, ‘ભાગ મિલ્ખા’, ‘એ વતન મેરે વતન’ અને ‘લહરા દો’ જેવા લોકપ્રિય ગીતો રજૂ કર્યા હતા.
જ્યારે ગુજરાતી પાર્શ્વગાયિકા ભૂમિ ત્રિવેદી (Bhoomi Traivedi)એ યજમાન રાજ્ય ગુજરાત તરફથી ખાસ રજૂઆત કરી હતી.
ગ્લાસગોએ પણ આ સમારોહમાં સ્કોટિશ સંગીત, કવિતા અને નૃત્યના કાર્યક્રમો રજૂ કર્યા હતા.
