T20 એશિયા કપ માટેની ભારતીય ટીમ જાહેર : સૂર્યકુમાર યાદવ કૅપ્ટન, શુભમન ગિલ વાઇસ કૅપ્ટન, વર્લ્ડ કપ પછી જસપ્રીત બુમરાહનું ફરી T20 ટીમમાં કમબૅક
ચીફ સિલેક્ટર અજિત આગરકરની ટીમ સાથે ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયા અને ટીમ ઇન્ડિયાના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પ્લેયર્સને સિલેક્ટ કરવા માટે કરી હતી મીટિંગ.
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ચીફ સિલેક્ટર અજિત આગરકર અને T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવના માધ્યમથી આગામી T20 એશિયા કપ 2025ની ૧૫ સભ્યોની સ્ક્વૉડ અને પાંચ સ્ટૅન્ડ-બાય પ્લેયર્સનું લિસ્ટ જાહેર કર્યું હતું જેમાં ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલને પ્રમોશન મળ્યું છે. તેને T20નો વાઇસ-કૅપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. આ પહેલાં આ સ્થાને ઑલરાઉન્ડર અક્ષર પટેલ હતો. તે છેલ્લે જુલાઈ ૨૦૨૪માં ભારત માટે T20 મૅચ રમ્યો હતો.
ઑક્ટોબરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ઘરઆંગણાની ટેસ્ટ-સિરીઝને કારણે આ ટુર્નામેન્ટમાં જસપ્રીત બુમરાહની ઉપલબ્ધતા વિશે થોડી શંકા હતી, પરતું તેને પણ ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદ પહેલી વાર આ ફૉર્મેટની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. પ્રેસ-કૉન્ફરન્સમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે બુમરાહના વર્કલોડ મૅનેજમેન્ટ માટે કોઈ લેખિત પ્લાન નથી બનાવવામાં આવ્યો કે તેને માટે કોઈ કડક નિયમ પણ નથી. ઇંગ્લૅન્ડ ટૂર બાદ તેને આરામ મળ્યો છે અને તે પોતાની સંભાળ રાખે છે.
ADVERTISEMENT
આ સ્ક્વૉડની જાહેરાત બાદ સૌથી વધુ ચર્ચામાં સ્ટાર શ્રેયસ ઐયરનું નામ રહ્યું છે. તે છેલ્લે ડિસેમ્બર ૨૦૨૩માં ભારત માટે T20 મૅચ રમ્યો હતો. પોતાની ટીમને કૅપ્ટન તરીકે છેલ્લી બે IPL ફાઇનલમાં પહોંચાડનાર ઐયરે છેલ્લાં બે વર્ષમાં ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે હાઇએસ્ટ ૨૪૩ રન ફટકારનાર શ્રેયસને સ્ટૅન્ડ-બાય પ્લેયર્સમાં પણ સ્થાન મળ્યું નથી. ૩૦ વર્ષનો શ્રેયસ ભારત માટે ૫૧ T20માં ૮ ફિફ્ટીની મદદથી ૧૧૦૪ રન ફટકારી ચૂક્યો છે.
આપણે ફક્ત ૧૫ પ્લેયર્સને જ પસંદ કરી શકીએ છીએ. એમાં ન તો શ્રેયસનો વાંક છે કે ન તો અમારો. હાલ પૂરતું તેણે પોતાની તક માટે રાહ જોવી પડશે. - ચીફ સિલેક્ટર અજિત આગરકર
પાકિસ્તાન વિશેના સવાલનો જવાબ ન આપવા દીધો
સ્ક્વૉડની જાહેરાત માટે પ્રેસ-કૉન્ફરન્સમાં એશિયા કપની ૧૪ સપ્ટેમ્બરની ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર પર સવાલ પૂછવામાં આવ્યો હતો. જોકે ત્યાં હાજર ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ ચીફ સિલેક્ટર અજિત આગરકરને જવાબ આપતાં રોક્યો અને કોઈ કમેન્ટ ન કરવાનો ઇશારો કર્યો હતો.
એશિયા કપ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, જીતેશ શર્મા, શિવમ દુબે, અર્શદીપ સિંહ, સંજુ સૅમસન, હર્ષિત રાણા, તિલક વર્મા, રિન્કુ સિંહ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.
સ્ટૅન્ડબાય : વૉશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જાયસવાલ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
શ્રેયસ ઐયર અને યશસ્વી જાયસવાલની પસંદગી ન કરવાના નિર્ણયને રવિચન્દ્રન અશ્વિને ખોટો ગણાવ્યો
ભારતના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિને એશિયા કપની સ્ક્વૉડ પર પોતાનો વિચાર રજૂ કર્યો હતો. તે કહે છે, ‘શ્રેયસ ઐયરનો રેકૉર્ડ જુઓ. તે ટીમની બહાર હતો પણ પછી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર બૅટિંગ કરી અને ટુર્નામેન્ટ જિતાડી. શ્રેયસનો વાંક શું છે? તે કલકત્તા નાઇટ રાઇડર્સ માટે ૨૦૨૪માં ટ્રોફી જીત્યો છતાં તેને ઑક્શનમાં મોકલી દેવામાં આવ્યો હતો. તે ૨૦૧૪ પછી પહેલી વાર પંજાબ કિંગ્સને (૨૦૨૫) ફાઇનલમાં લઈ ગયો. તેણે શૉર્ટ બૉલથી પોતાની સમસ્યામાંથી છુટકારો મેળવ્યો હતો. તેણે IPLમાં કૅગિસો રબાડા અને જસપ્રીત બુમરાહ જેવા બોલરો સામે સહેલાઈથી રન બનાવ્યા. હું તેના અને યશસ્વી જાયસવાલ માટે ખૂબ દુખી છું. જો શુભમન ગિલ શાનદાર ફૉર્મમાં છે તો શ્રેયસ અને યશસ્વી પણ ફૉર્મમાં જ છે. એ બન્ને પ્લેયર્સ સાથે બહુ ખોટું થયું છે.’


