અજિત પવારે તેમની ટ્રેડમાર્ક રમૂજી શૈલીમાં વર્ણવેલી વાતનો વિડિયો તેમના મૃત્યુ પછી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે
અજિત પવારની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ૨૦૨૪ના જુલાઈમાં ખરાબ હવામાન વચ્ચે રાજ્યના કેટલાક અગ્રણી રાજકારણીઓ સાથે હેલિકૉપ્ટરમાં ગડચિરોલી જતાં થયેલા અનુભવો એક જાહેર કાર્યક્રમમાં શૅર કર્યા હતા. અજિત પવારે તેમની ટ્રેડમાર્ક રમૂજી શૈલીમાં વર્ણવેલી વાતનો વિડિયો તેમના મૃત્યુ પછી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
કાર્યક્રમમાં સભાને સંબોધતાં અજિત પવારે કહ્યું હતું કે ‘જ્યારે અમે નાગપુરથી હેલિકૉપ્ટરમાં નીકળ્યા હતા ત્યારે શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ જ્યારે હેલિકૉપ્ટર વાદળોમાં પ્રવેશ્યું ત્યારે મેં આમ-તેમ જોયું તો બધે વાદળો હતાં અને આપણા દેવેન્દ્ર ફડણવીસ ત્યાં બેઠા હતા. મેં તેમને કહ્યું કે બહાર જુઓ, કંઈ દેખાતું નથી, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? પરંતુ તેમણે શાંતિથી જવાબ આપ્યો કે બિલકુલ ચિંતા કરશો નહીં, મેં અત્યાર સુધી આવી ૬ ઘટનાઓનો અનુભવ કર્યો છે, જ્યારે પણ હું હેલિકૉપ્ટર કે વિમાનમાં હોઉં છું અને અકસ્માત થાય છે ત્યારે મને કંઈ થતું નથી એટલે તમને પણ કંઈ થશે નહીં.’
ADVERTISEMENT
વાત આગળ ધપાવતાં તેમણે કહ્યું હતું કે, ‘મને તો ડર લાગતો હતો, અષાઢી એકાદશી હતી એટલે હું તો મનમાં પાંડુરંગ, પાંડુરંગ જપતો હતો અને અહીં આ મહારાજ (ફડણવીસ) મને સલાહો આપી રહ્યા હતા.’
જ્યારે ઉદય સામંતે કહ્યું કે, દાદા, દાદા, જમીન આખરે દેખાઈ રહી છે ત્યારે મેં ભગવાનનો આભાર માન્યો એમ કહીને તેમણે વાત પૂરી કરી હતી.


