રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને NCPના વડાનું બારામતીમાં પ્લેન ક્રૅશ થવાથી અવસાન
ગઈ કાલે બારામતીમાં ક્રૅશ થયા પછી ભડકે બળતું પ્લેન. ઘટનાસ્થળે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.
જિલ્લાપરિષદની ચૂંટણીઓને લઈને ગઈ કાલે બારામતીમાં ૪ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હાજરી આપવા રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને NCPના વડા અજિત પવાર પ્રાઇવેટ પ્લેનમાં મુંબઈથી બારામતી જવા નીકળ્યા હતા. તેમની સાથે તેમના પ્રાઇવેટ સિક્યૉરિટી ઑફિસર (PSO) વિદીપ જાધવ હતા. તેમના પ્લેને મુંબઈના ઍરપોર્ટ પરથી સવારે ૮.૧૦ વાગ્યે ટેક-ઑફ કર્યું હતું અને ૮.૪૪ વાગ્યે બારામતી ઍરપોર્ટ પર લૅન્ડિંગ કરતી વખતે તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત તેમના PSO વિદીપ જાઘવ, પ્લેનનાં બે પાઇલટ કૅપ્ટન સુમિત કપૂર અને કૅપ્ટન શાંભવી પાઠક તથા ફ્લાઇટ-અટેન્ડન્ટ પિન્કી માળીનાં મોત થયાં હતાં.
મેસર્સ VSR વેન્ચર્સનું એ લિયરજેટ-45 ઍરોપ્લેન હતું જેનું છેલ્લું રેગ્યુલર ઑડિટ ફેબ્રુઆરી ૨૦૨૫માં થયું હતું. ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આ દુર્ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. એ સ્પૉટ પર સવારના સમયે ધુમ્મસ હોવાને કારણે ઓછી વિઝિબિલિટી હોવાથી અકસ્માત થયો હોઈ શકે એવું પ્રાથમિક સ્તરે કહેવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
વિમાનનું બ્લૅક-બૉક્સ મળી આવ્યું
રાજ્યમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારના અવસાનથી શોક છવાયો છે. તેમની ફ્લાઇટ મુંબઈથી બારામતી આવી રહી હતી ત્યારે વિમાન-દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ વિમાન-દુર્ઘટના ટેક્નિકલ ખામીને કારણે થઈ હતી. આ વિમાનનું બ્લૅક-બૉક્સ મળી ગયું છે અને ફૉરેન્સિક ટીમ એની તપાસ કરી રહી છે. આ અકસ્માત કેવી રીતે અને શા માટે થયો એની માહિતી ફૉરેન્સિક ટીમ મેળવશે. આ વિમાન-દુર્ઘટનામાં પાંચેય લોકોનાં મોત થયાં હોવાથી બ્લૅક-બૉક્સ દ્વારા જ આ અકસ્માતની તપાસ શક્ય છે. દરેક વિમાનના બ્લૅક-બૉક્સમાં બે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઉપકરણો હોય છે જેમાં ફ્લાઇટ ડેટા રેકૉર્ડર અને કૉકપિટ વૉઇસ રેકૉર્ડરનો સમાવેશ થાય છે.
૨૦૨૩માં પણ આ જ કંપનીનું આવું જ પ્લેન ક્રૅશ થયું હતું
આ કંપનીનું સેમ મૉડલ લિયરજેટ-45નું વિમાન ૨૦૨૩ની ૧૪ સપ્ટેમ્બરે મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડ કરતી વખતે તૂટી પડ્યું હતું. હાલ એ કેસની તપાસ DGCAનો ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કરી રહ્યું છે.


