પથ્થર પર લખ્યું, દોસ્તે મંગેતર સાથે સંબંધ રાખ્યા હોવાથી જાઉં છું
પંકજ કુશવાહા અને પથ્થર પર તેણે જે લખ્યું તે.
મધ્ય પ્રદેશના ઝાંસીમાં બાવીસ વર્ષના પંકજ કુશવાહા નામના યુવકની લાશ એક ઝાડ પર લટકતી જોવા મળી હતી. પંકજે એ જ વૃક્ષ પાસેના પથ્થર પર સુસાઇડ-નોટ લખી હતી. એમાં લખ્યું હતું કે ‘દોસ્તે મંગેતર સાથે દસ દિવસ પહેલાં સંબંધ રાખ્યા, બીજા દોસ્તે મને એ કહ્યું. એટલે હું જાઉં છું.’
આ લખાણને કારણે આત્મહત્યાનો મામલો સ્પષ્ટ થયો હોવા છતાં પેચીદો બની ગયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આ કયો દોસ્ત છે જેની સાથે તેની મંગેતરે સંબંધ રાખ્યા છે. તપાસમાં ખબર પડી કે પંકજનાં લગ્ન એક વર્ષ પહેલાં નક્કી થયાં હતાં. તે દોસ્તને લઈને મંગેતરને મળવા તેના ગામ જતો હતો. જોકે એને કારણે દોસ્ત અને મંગેતર વચ્ચે ઓળખ અને દોસ્તી થઈ ગઈ. લગ્ન પહેલાં મંગેતર અને તેનો દોસ્ત ફોન પર છુપાઈને વાતો કરતાં હતાં એટલે પંકજ પરેશાન હતો. ગયા રવિવારે જ પંકજે આખા ગામ અને કન્યાપક્ષના ગામમાં જઈને લગ્નની કંકોતરી વહેંચી હતી. તેમનાં લગ્ન ૨૧ ફેબ્રુઆરીએ થવાનાં હતાં. જોકે કંકોતરી આપીને એ જ રાતે તે ઘરમાંથી નીકળી ગયો હતો. વહેલી સવારે કેટલાક લોકોએ પંકજને ઝાડ પર ફાંસો ખાઈને લટકતી હાલતમાં જોયો હતો.
