Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘરફોડીની અડધી સદી નોંધાવનારો પકડાયો

ઘરફોડીની અડધી સદી નોંધાવનારો પકડાયો

Published : 11 March, 2026 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબ્રાનાં ૪૮ બંધ મકાનોમાં ખાતર પાડનાર શિવાજી સંતે સામે થાણેના અન્ય વિસ્તારોમાં પણ ચોરીના ૪ કેસઃ ૧ કરોડ ૩૭ લાખના સોનાના દાગીના જપ્ત

ક્રાઇમ બ્રાન્ચે આરોપી શિવાજી સંતેની ધરપકડ કરીને તેની પાસેથી દાગીના જપ્ત કર્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચે આરોપી શિવાજી સંતેની ધરપકડ કરીને તેની પાસેથી દાગીના જપ્ત કર્યા હતા.


થાણેના વિવિધ વિસ્તારોમાં ચોરીના ગુનાઓની હાફ-સેન્ચુરી પૂરી કરનાર ૩૧ વર્ષના શિવાજી સંતેની થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1 દ્વારા સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. ટિટવાલામાં રહેતા શિવાજીએ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમ્યાન માત્ર મુંબ્રાનાં જ ૪૮ બંધ મકાનોને નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી અંદાજે ૧ કરોડ ૩૭ લાખ રૂપિયાના સોનાના દાગીના જપ્ત કર્યા છે. પોલીસ-તપાસ મુજબ આરોપી છેલ્લાં બે વર્ષથી વિવિધ વિસ્તારોમાં ચોરી કરતી વખતે CCTV કૅમેરાનાં ફુટેજથી દૂર રહેવાની ખાસ કાળજી લેતો હતો. જોકે લગભગ બે મહિના પહેલાં થયેલી એક ચોરીના સ્થળ નજીકના CCTV કૅમેરાના ફુટેજમાં તેનો ચહેરો કેદ થતાં પોલીસને મહત્ત્વની કડી મળી હતી. ત્યાર બાદ પોલીસે લાંબી તપાસ અને ટેક્નિકલ માહિતીના આધારે આરોપીને ઝડપી લીધો હતો. તપાસમાં જણાયું હતું કે મુંબ્રાના ચોરીના ૪૮ કેસ ઉપરાંત થાણેના અન્ય વિસ્તારોમાં પણ તેની સામે ચોરીના ૪ કેસ નોંધાયેલા છે જેથી તેની સામે કુલ બાવન ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષથી મુંબ્રામાં બંધ ઘરોમાં બાથરૂમની બારીઓ અથવા મુખ્ય દરવાજાની કડી તોડીને ચોરીના બનાવો વધી રહ્યા હતા. આવા જ એક બનાવમાં ૮ જાન્યુઆરીએ સાઈ સ્વપ્ન અપાર્ટમેન્ટમાં ઘરફોડીની ઘટના બની હતી. આ સંદર્ભે મુંબ્રા પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અમારી ટીમે તમામ પ્રકારની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સમાંતર તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ પરનાં CCTV કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ માહિતીનું વિશ્લેષણ કરતાં એક શંકાસ્પદ વ્યક્તિ વારંવાર ઘટનાસ્થળની આસપાસ દેખાતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી ગુનો કર્યા પછી પોતાનું અસ્તિત્વ છુપાવવા માટે અલગ-અલગ પરિવહનનો ઉપયોગ કરતો હતો અને CCTV કૅમેરામાં ન આવે એ માટે ઇરાદાપૂર્વક ઊલટી દિશામાં માર્ગ પસંદ કરતો હતો. ગુપ્ત માહિતીદારોની મદદથી લગભગ ૧૫ દિવસ સતત તપાસ અને શોધખોળ કર્યા બાદ આરોપીનો પત્તો મળ્યો હતો. અમારી ટીમે આરોપીના ટિટવાલાના ઘરે છાપો મારીને તેને કસ્ટડીમાં લીધો હતો અને તેના ઘરેથી તમામ ચોરેલા દાગીના જપ્ત કર્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK