Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પિરિયડ્સ હોય ત્યારે સ્પોર્ટ્‍સ રમી શકાય કે નહીં?

પિરિયડ્સ હોય ત્યારે સ્પોર્ટ્‍સ રમી શકાય કે નહીં?

Published : 10 March, 2026 12:24 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

નિષ્ણાતો કહે છે કે ચોક્કસ કરી શકે. પણ અહીં કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ સમજી લેવું જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક સમય હતો જ્યારે છોકરીઓને પિરિયડ્સ દરમિયાન એક ખૂણામાં બેસી રહેવાનું હતું. એટલું જ નહીં, લોકો કહેતા કે ત્રણ દિવસ ફક્ત આરામ કરો, વધુ કામ કરવાની જરૂર નથી. કેટલીક છોકરીઓ તો એવી હોય છે જે ૩ દિવસ પથારીમાંથી ઊભી નથી થઈ શકતી. હકીકતમાં પિરિયડ્સ એક નૉર્મલ પ્રોસેસ છે જેમાં સ્ત્રી પોતાનું નૉર્મલ રૂટીન કામ તો કરી જ શકે છે. પણ સ્ત્રી સ્પોર્ટ્‌સ કે ડાન્સ જેવી હેવી ફિઝિકલ ઍક્ટિવિટી કરી શકે ખરી? નિષ્ણાતો કહે છે કે ચોક્કસ કરી શકે. પણ અહીં કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ સમજી લેવું જરૂરી છે.

તાજેતરમાં હેલ્થ અને વેલનેસ કમ્યુનિકેશન પર કામ કરતી એક ડિજિટલ એજન્સીએ ‘સ્ટૉપ ધ પિરિયડ પેઇન મૂવમેન્ટ’ નામનું એક કૅમ્પેન રન કર્યું જેમાં તેમણે AI જનરેટેડ એક પાત્ર ઊભું કર્યું જેનું નામ છે અંજલિ શિવગન. વિડિયોમાં એ એક બૅડ્‍મિન્ટન પ્લેયર છે.



પિરિયડ-પેઇનને તે ઇગ્નૉર કરે છે અને એક દિવસ એવો આવે છે કે તેણે બૅડ્‍મિન્ટનને છોડવાનો વારો આવે છે. જોકે ઉપાય માટે તે એક ડૉક્ટર સાથે વાત કરે છે અને આ તકલીફનો ઇલાજ કરાવીને છેલ્લે પોતાનો મેડલ જીતી બતાવે છે. આ વિડિયોના અંતે એ મેસેજ આપવામાં આવી રહ્યો છે કે પિરિયડ દરમિયાન થતા વધુપડતા પેઇનને અવગણો નહીં; એ નૉર્મલ નથી. બને કે એની પાછળ કોઈ મેડિકલ ઇશ્યુ સંકળાયેલો હોય, એટલે એની તપાસ જરૂરી છે અને એનો ઇલાજ પણ.


પિરિયડ-પેઇન નૉર્મલ નથી

પિરિયડ-પેઇનની સમસ્યા વિશે વાત કરતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. પ્રભુ કસ્તુરે કહે છે, ‘પિરિયડ-પેઇનની તકલીફ ૮૦ ટકા ભારતીય છોકરીઓ કે સ્ત્રીઓમાં જોવા મળે છે. માન્યું કે પિરિયડ-પેઇન સામાન્ય છે પણ એને જે રીતે અપનાવી લેવામાં આવ્યું છે એ ગંભીર છે. સ્ત્રી છો તો પેઇન ભોગવવું પડે એ માનસિકતામાંથી બહાર આવવું જરૂરી છે. આ એક મેડિકલ કન્ડિશન છે. આ એ સમય નથી જ્યારે દીકરીઓ પિરિયડને લીધે સ્કૂલ મિસ કરે, સ્ત્રીઓ પોતાનું રોજિંદું કામ ન કરે. કેટલીક છોકરીઓ આજની તારીખે સ્પોર્ટ્‍સ, ડાન્સ અને એવી ઘણી ફિઝિકલ ઍક્ટિવિટીમાં આગળ પડતો ભાગ લે છે. પિરિયડ-પેઇનને કારણે તેમણે પ્રૅક્ટિસ-સેશન્સ છોડવાં પડે, મહત્ત્વની મૅચ છોડવી પડે અને એને કારણે છેલ્લે પોતાના સ્પોર્ટ્‍સ-ડ્રીમને છોડવું પડે એ બિલકુલ યોગ્ય નથી. પિરિયડમાં તો પેઇન થાય જ એ માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. થોડી ડિસકમ્ફર્ટ અને અસહ્ય દુખાવા વચ્ચેનો ફરક છોકરીઓને પહેલેથી સમજાવવો જરૂરી છે. પિરિયડ સમયે તમને એટલો દુખાવો છે કે તકલીફ છે કે તમે રોજિંદાં કામ ન કરી શકો તો ચોક્કસ તમારે ડૉક્ટરને મળવું જરૂરી છે.’


ઇલાજ જરૂરી

પિરિયડ-પેઇનનાં કારણો વિશે વાત કરતાં ડૉ. પ્રભુ ક્સ્તુરે કહે છે, ‘મેડિકલ ભાષામાં આ પેઇનને ડિસમેનોરિયા કહે છે. વારસાગત રીતે જો મા, બહેન, ફઈ, દાદી, નાની કોઈ પણને આ તકલીફ હોય તો છોકરીઓમાં એ જોવા મળે છે જેને ફેમિલિયલ ડિસમેનોરિયા કહેવાય છે જે નાનપણમાં પિરિયડની શરૂઆત થાય ત્યારે વધુ રહે છે. જ્યારે એ છોકરી મોટી થાય અને તેની નૉર્મલ ડિલિવરી થાય તો ઘણું પેઇન ઓછું થાય. બાકી બેઝિક ઍન્ગ્ઝાયટી, થાઇરૉઇડ ઇમ્બૅલૅન્સ, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, ફાઇબ્રૉઇડ્સ, એડીનોમાયોસિસ, એન્ડોમેટ્રિઓસિસને લીધે પિરિયડ્સ અતિ પેઇનફુલ અને અસહ્ય બની શકે છે. મહત્ત્વનું એ છે કે જો છોકરીને આ તકલીફો હોય તો ગાયનેકને મળીને એની તકલીફ પાછળનાં મુખ્ય કારણો જાણવાં. જે પણ કારણ હશે એ મુજબ ઇલાજ થશે. ઘણા લોકો પેઇનકિલર લેવામાં આનાકાની કરતા હોય છે. ઘણી મમ્મીઓને લાગે છે કે એ લેવાથી તેમની દીકરીને ભવિષ્યમાં પ્રૉબ્લેમ થશે. એવું બિલકુલ નથી, એ સેફ છે. એનાથી ભવિષ્યમાં પ્રેગ્ન‍ન્સી બાબતે કોઈ તકલીફ નથી થવાની.’

પિરિયડ્સમાં રમાય?

આ વિડિયોમાં AI દ્વારા જનરેટેડ પાત્ર અંજલિ શિવગન પિરિયડ્સ દરમિયાન પણ બૅડ્મિન્ટન રમતી હોય છે. એ જોઈને એ પ્રશ્નો ઊભા થાય છે કે છોકરીઓ, જેમને પિરિયડ્સ દરમિયાન આરામ કરવાની સતત સલાહ આપવામાં આવે છે, તે પિરિયડ્સ દરમિયાન સ્પોર્ટ્‍સ રમી શકે? જ્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતીને આવી ત્યારે એના પ્લેયર્સના ઇન્ટરવ્યુઝ વખતે પણ લોકોએ તેમને પૂછેલું કે પિરિયડ્સ દરમિયાન તમે કઈ રીતે મૅનેજ કર્યું? શું છોકરીઓ પિરિયડ્સ દરમિયાન રમી શકે ખરી? આજની તારીખે ૯-૧૦ વર્ષની છોકરીઓને પિરિયડ્સ આવવાનું શરૂ થઈ જાય છે. તે બિચારીએ હજી તેનું બાળપણ જીવવાનું શરૂ પણ ન કર્યું હોય ત્યાં પિરિયડ્સ આવી જાય એટલે ઘરના બધા તેના પર ઘણી રોકટોક વધારી દે. હકીકતે તેને રોકવાની જરૂર નથી એ વાત સમજાવતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘જે છોકરીઓના પિરિયડ્સ નૉર્મલ છે, ફ્લો નૉર્મલ છે, સમય પર આવે છે, હૉર્મોન્સ સંબંધિત કોઈ તકલીફ નથી તેને રમવા દેવામાં કોઈ વાંધો નથી. શારીરિક રીતે જે ઍથ્લીટ છોકરીઓ છે તે ટ્રેઇનિંગ કરી શકે છે. ઊલટું નાનપણથી જો તમે તેને રમવા દેશો તો તેનું શરીર ઘડાશે. પિરિયડ્સમાં ખૂબ દુખે અને ત્યારે તો આરામ જ કરવો જોઈએ એ એક કન્ડિશનિંગ છે. મગજને આ રીતે ટ્રેઇન કર્યું છે એટલે છોકરીઓ કરી નથી શકતી. પિરિયડ્સમાં ભાગવા, દોડવા, કૂદવાથી કોઈ નુકસાન નથી, એ તમારી સ્ટ્રેન્ગ્થ વધારે છે.’

કોણ રમી શકે?

દરેક છોકરી સરખી નથી. પિરિયડ્સ કોઈના નૉર્મલ હોય તો કોઈના ખૂબ પેઇનફુલ. કોઈની શારીરિક ક્ષમતા એકદમ સારી હોય છે તો કોઈની એકદમ નબળી હોય તો અહીં આ નિર્ણય વ્યક્તિગત થઈ જાય છે એ સમજાવતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘જરૂરી છે કે તમે એ સમયે તમારી હાલત કેવી છે એ સમજી શકો. ઘણી વખત માનસિક રીતે ડિસ્ટર્બ વધારે હો તો છોકરી રમવાની ના પાડે કે ખૂબ જ હેવી બ્લીડિંગ હોય તો ના પાડે. પણ અહીં દરેક જો અને તોને સમજવાની વાત છે. જ્યારે આપણે કહીએ છીએ કે તમે પિરિયડ્સમાં રમી શકો છો ત્યારે એ જોવું જરૂરી છે કે તમારી હાલત કેવી છે. જો છોકરીને એનીમિયા હોય, તેનું હીમોગ્લોબિન ઓછું હોય, જો તેના સ્નાયુ કે હાડકાં નબળાં હોય અને તે રમવા જાય તો પિરિયડ્સ દરમિયાન તેની હાલત વધુ બગડી શકે છે. પણ એમાં જે હાલત બગડે એની પાછળ તેની સંપૂર્ણ હેલ્થ જોવી જરૂરી છે. એક સ્વસ્થ છોકરી પિરિયડ્સ દરમિયાન રમી શકે છે, જે સ્વસ્થ નથી તે નહીં.’

સાઇકોલૉજી અને પિરિયડ્સ

દીકરીઓ મોટી થઈ રહી હોય ત્યારે પિરિયડ્સમાં આમ કરાય કે આમ ન કરાયનું લાંબું લિસ્ટ ઘરના લોકો તેને આપી જ દેતા હોય છે, પરંતુ એ તેની સાઇકોલૉજી પર ખૂબ અસર કરે છે. જો દીકરીની ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન દેવામાં આવે  તો તે શરીરથી એકદમ સ્વસ્થ હોય તો તેને પિરિયડ્સના નામે ઘરે બેસાડી દેવી તેની સાથે અન્યાય કરવા જેવું છે. બીજું એ કે જો નાનપણથી તેનામાં એ રેડવામાં આવે કે પિરિયડ્સ નૉર્મલ પ્રોસેસ છે અને એમાં તું બધું જ કરી શકે, એને સંબંધિત કોઈ તકલીફ થવાની નથી તો માનસિકતા જ એવી બને છે કે બધું થશે. તેને હાઇજીન શીખવો. તેને પોષણયુક્ત આહાર આપો. જો તેને પિરિયડ્સમાં તકલીફ હોય તો એનું નિદાન કરાવી ઇલાજ કરાવો પણ પિરિયડ્સના નામે તેને રોકો નહીં. જેટલી તમે તેને સ્ટ્રૉન્ગ બનાવશો એટલી તે બનશે. જેટલું તમે પિરિયડ્સને નૉર્મલ રીતે લેશો એટલું તે લેશે એ યાદ રાખો.

ધ્યાન શું રાખવાનું?

જો તમારી દીકરી સ્પોર્ટ્‍સ રમે છે કે ડાન્સ કરે છે તો પિરિયડ્સ દરમિયાન તે પોતાની ઍક્ટિવિટી કરી શકે એ માટે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. એ વિશે વાત કરતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘પિરિયડ્સ દરમિયાન મેન્સ્ટ્રુઅલ હાઇજીન જાળવવું અત્યંત જરૂરી છે. એના માટે પૅડ્સ કામ ન કરે તો ટૅમ્પુન વાપરી શકાય. સ્ત્રીઓ મેન્સ્ટ્રુઅલ કપ પણ વાપરી શકે. એના થકી સ્વિમિંગ જેવી ઍક્ટિવિટી કરવી પણ સરળ રહેશે. આ સિવાય એ ધ્યાન રાખવું જરૂરી છે કે દીકરીનું હીમોગ્લોબિન સારું હોવું જોઈએ. એનીમિયા ભારતમાં ખૂબ મોટી સમસ્યા છે અને છોકરીઓને એ વધુ નડે છે. જો તમારી દીકરી સ્પોર્ટ્સ રમતી હોય તો એક વખત તેનું હીમોગ્લોબિન લેવલ ચેક કરી લેવું. તે એનીમિક તો નથી એ જોઈ લેવું. આ ઉપરાંત વિટામિન B12, વિટામિન Dનું ધ્યાન રાખવું. જો ઓછું હોય તો એની પૂર્તિ કરવી જરૂરી છે. આ સિવાય છોકરીઓને પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં આપવી. આ દીકરીઓની સંપૂર્ણ હેલ્થ માટે જરૂરી છે. જો એ જળવાયેલી હશે તો પિરિયડ્સ સમયે પણ તે નૉર્મલ જીવન જીવી શકશે.’

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 12:24 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK