મુસ્લિમ બૉયફ્રેન્ડ સાથેના તનાવના પગલે મિત્રો જેને આવું કહેતા હતા તે યુવતીએ આત્મહત્યા કરી લીધી, ૨૪ વર્ષની સ્તુતિ સોનાવણે માસ્ટર ઑફ ડેન્ટલ સર્જરીની વિદ્યાર્થિની હતી
પ્રતીકાત્મક તસવીર
ઍન્ટૉપ હિલમાં રહેતી ૨૪ વર્ષની માસ્ટર ઑફ ડેન્ટલ સર્જરીની વિદ્યાર્થિની સ્તુતિ સોનાવણે દ્વારા આત્મહત્યા કરવાના બનાવે ચકચાર મચાવી છે. આ મામલે ઍન્ટૉપ હિલ પોલીસે આત્મહત્યા માટે સ્તુતિને પ્રેરિત કરવાના આરોપમાં તેના બૉયફ્રેન્ડ ફૈઝલ ખાનની ધરપકડ કરી છે. સ્તુતિએ મંગળવારે વહેલી સવારે પોતાના બેડરૂમમાં ગળાફાંસો ખાઈને જીવનનો અંત કર્યો હતો. ઘટનાસ્થળેથી મળેલી ૭ પાનાંની સુસાઇડ-નોટમાં તેણે પોતાના બૉયફ્રેન્ડ દ્વારા કરવામાં આવતી માનસિક હેરાનગતિ વિશે ગંભીર આક્ષેપો કર્યા હતા.
ઍન્ટૉપ હિલ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુસાઇડ નોટમાં સ્તુતિએ આરોપ કર્યા છે કે ફૈઝુલ વારંવાર તેના પર શંકા કરતો અને તેના પર આક્ષેપ કરી અપમાનજનક ટિપ્પણીઓ કરતો હતો. સ્તુતિએ લખ્યું હતું કે તેના મિત્રો તેના બૉયફ્રેન્ડ સાથેના તનાવ વિશે જાણતા હતા અને મજાકમાં કહેતા કે એક દિવસ તું ફ્રિજમાં મળી આવશે’ આ ઉલ્લેખથી જણાય છે કે સ્તુતિ પોતાના સંબંધને લઈને ગંભીર ભય અને માનસિક દબાણ અનુભવતી હતી. આ તમામ માહિતીઓ સામે આવ્યા બાદ અમે ફૈઝુલ ખાનની ધરપકડ કરી છે. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’
