ગુજરાતી ભાષાના વિલન આજના પેરન્ટ્સ જ છે?- યસ, આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે આ મુદ્દા પર ચર્ચા મહત્ત્વની છે.
AI ઇમેજ
યસ, આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે આ મુદ્દા પર ચર્ચા મહત્ત્વની છે. ગુજરાતી ભાષાને બચાવવા માટે મથી રહેલા માતૃભાષાના સેવકોનો દાયકાઓના અનુભવનો નિચોડ કહે છે કે યંગ વિદ્યાર્થીઓ તો ભાષા શીખવા માટે ઉત્સુક હોય છે, પરંતુ તેમનાં માતા-પિતાને એમાં કોઈ રસ નથી હોતો. આ જ કારણ છે કે હજારો વિદ્યાર્થીઓને પ્રારંભિક ગુજરાતી ભાષા શીખવી લીધા પછી એ ભાષા તેમનામાં ટકતી નથી કારણ કે માતા-પિતાને એની પડી જ નથી
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે માતૃભાષાના સંદર્ભમાં કહ્યું હતું કે ‘માતૃભાષા માતાના દૂધ સમાન છે. બાળકને જેમ માતાનું દૂધ જ પોષણ આપે છે એમ માતૃભાષા જ બાળકના મગજનો સાચો વિકાસ કરે છે.’ એ સિવાય મહાત્મા ગાંધીથી લઈને દુનિયાભરના ઘણા દિગ્ગજો માતૃભાષાનાં ગુણગાન ગાતા રહ્યા છે. ભાષા બચાવવા માટે નહીં પણ બાળકના સર્વાંગી વિકાસમાં માતૃભાષાની મહત્તાને સમજાવતાં વૈશ્વિક કક્ષાનાં સંશોધનો છે; પરંતુ એ પછીયે આજે પણ ગુજરાતી ભાષા બોલનારા, લખનારા અને સમજનારાઓની ઘટી રહેલી સંખ્યા અચંબિત કરનારી છે. કેટલાક અગ્રણી સાહિત્યકારો કહી ચૂક્યા છે કે ભાષાની સાથે એ અસ્મિતા અને સંસ્કૃતિ પણ નષ્ટ થતી હોય છે. ચાલો એની ચિંતા ન પણ કરીએ. નવી સંસ્કૃતિ આવશે, જૂનું ક્યાં સુધી પકડી રાખવાનું એવી આધુનિકતા કોઈકના મનમાં ચાલતી હોય, પરંતુ એ પછીયે એ સત્ય અને એ તથ્ય કેવી રીતે ભૂલી શકાય કે જે ભાષા તમારા લોહી સાથે જોડાયેલી છે એ ભાષાથી વંચિત રહીને અને વંચિત રાખીને તમે ભાષાનું તો ઠીક પણ તમારું પોતાનું અને તમારી પેઢીઓનું પણ નુકસાન કરી રહ્યા છો. આ જ વાત છે જે આજના ભણેલા-ગણેલા પેરન્ટ્સ સમજી નથી રહ્યા. વાલીઓને એ નથી ખબર પડી રહી કે પોતાના બાળકને ગુજરાતીથી દૂર રાખીને તેઓ ગુજરાતીનું જ નહીં, બાળકનું પણ નુકસાન કરી રહ્યા છે. આ બેતરફી નુકસાનને અટકાવવા ગુજરાતી ભાષાના ઉપાસકો એકધારા પ્રયાસો કરી રહ્યા છે, દાયકાઓથી સમય અને સંપત્તિનું દાન કરી રહ્યા છે; પરંતુ ધારી સફળતા મળી નથી કારણ કે તેમના પ્રયાસને આગળ ધપાવવાની, માત્ર પોતાના જ બાળકને મળેલા પ્રારંભિક ભાષાના જ્ઞાનને એક ડગલું વધુ આગળ લઈ જવાની દિલેરી તે બાળકનાં માતા-પિતા નથી દાખવી શક્યાં. આજે એવા જ બે ગુજરાતી ભાષાના અગ્રણી ઉપાસકો અને પ્રચારકો સાથે વાત કરીએ જેમણે અઢી દાયકા કરતાં પણ વધુ સમયથી નવી પેઢીમાં ગુજરાતીના બીજને રોપવાનું અને પ્રારંભિક પોષણ આપવાનું કામ કર્યું પરંતુ એ વટવૃક્ષ ન બની શક્યું કારણ કે વાલીઓ એમાં નિષ્ફળ નીવડ્યા.
ADVERTISEMENT
સૌથી મોટો પડકાર
૧૫૦ સાધકો સાથે મળીને નિકુંજ શેઠ છેલ્લાં ૨૭ વર્ષથી ગુજરાતી ઇન્ટલેક્ચ્યુઅલ મૂવમેન્ટ દ્વારા ગુજરાતી ભાષાની શિબિરો થકી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. ચાલીસથી વધુ શિબિરો દ્વારા દર વર્ષે ૧૦૦૦ બાળકોને ગુજરાતી ભાષાનું જ્ઞાન આપતા નિકુંજભાઈ અને તેમની ટીમ પાસેથી અત્યાર સુધીમાં ૨૭,૦૦૦ જેટલાં બાળકોને પ્રાથમિક ભાષાનું જ્ઞાન મળ્યું છે. શું તમે એનાથી સંતુષ્ટ છો? એના જવાબમાં નિકુંજભાઈ કહે છે, ‘જે સ્કેલ પર કામ કર્યું છે એ સ્કેલ પર પરિણામ નથી મળ્યું એનો અફસોસ ચોક્કસ છે, કારણ કે ૨૦ દિવસની શિબિરમાં બાળકને રસ પડે એવું બધું જ કરાવ્યા પછી શિબિર પત્યા પછી બાળક ગુજરાતી ભાષા સાથે જોડાયેલું રહે એવા પ્રયાસમાં તો અમે લાંબા સમય સુધી હાજર નથી રહી શકતા. બેશક, શરૂઆતના થોડાક દિવસો તેઓ ભાષાને વાંચે અને જોડાયેલા રહે એ માટે ફરજિયાત ગુજરાતી ભાષામાં કેટલીક નાની-ટૂંકી વાર્તાઓની આકર્ષક પુસ્તિકાઓ લેવાનું તેમને કહીએ છીએ. જોકે વાલીઓ પોતે ક્યારેય ઍક્ટિવ ભૂમિકામાં રહીને બાળક ગુજરાતી સાથે જોડાયેલું રહે, એ ભાષામાં વાંચે, એ ભાષા સાંભળે એવા પ્રયાસ કરતા નથી. એટલે ૨૦ દિવસની ટ્રેઇનિંગ ૨૦ અઠવાડિયાં પણ બાળકમાં સ્થાયી રહી નથી શકતી. ત્યાં અમારા બધા જ પ્રયાસ જાણે કે વ્યર્થ નીવડે છે.’
અજમાવ્યો ઉપાય
પરિણામ ન મળે તો પણ માતાની સેવા કરવાની ઉત્કંઠા ધરાવતી વ્યક્તિ ક્યારેય એ છોડશે નહીં એ જ રીતે માતૃભાષાના પ્રસારના પ્રયાસો અટકવા ન જોઈએ એ વાતને સ્વીકારીને નિકુંજભાઈએ ધર્મ અને ભાષાને જોડી દીધાં છે. તેઓ કહે છે, ‘મારા નિરીક્ષણમાં ધ્યાનમાં આવ્યું કે ગુજરાતી ભાષાના વર્ગો પછી પણ પોતાનાં સંતાનોને ગુજરાતી શીખવવાનું ચાલુ રાખતા વાલીઓમાં જૈનો વધુ હતા. એની પાછળનું કારણ ધર્મનું જ્ઞાન હતું. જૈન ધર્મનાં મોટા ભાગનાં પુસ્તકોમાં શ્લોકનું શુદ્ધતા સાથે બાળક પઠન કરે એ માટે ગુજરાતી ભાષા આવડવી જરૂરી લાગતાં જૈન પરિવારનાં મા-બાપ બાળકને ગુજરાતી આગળ પણ શીખવતાં રહ્યાં. લગભગ પચાસ ટકા કેસમાં મેં આ જોયું એટલે આપણા રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, ભગવદ્ગીતા જેવા ધર્મગ્રંથોને ગુજરાતી અનુવાદ સાથે શીખવવાનું શરૂ કર્યું. એમાં ગુજરાતી ભાષાના વર્ગ કરતાં વધુ સારો રિસ્પૉન્સ મળ્યો છે. અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ બાળકો ગીતાના શ્લોક પાકા કરી ચૂક્યાં છે. બીજો કોઈ રસ્તો દેખાતો નથી.’
ગુજરાતના ગુજરાતીઓના વધુ એક વલણ વિશે વાત કરતાં નિકુંજભાઈ કહે છે, ‘ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ગુજરાતી ભાષા જ આવડતી હોય એ વાતથી ગુજરાતના ગુજરાતીઓમાં ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ એટલે કે લઘુતાગ્રંથિનો અનુભવ થતો જોયો છે. એમાં તેમણે જાતને સવાલ પૂછવાની જરૂર છે કે શું કામ તેઓ પોતાની જ ભાષાનું ગૌરવ કરવામાં પાછા પડ્યા છે. સમય બદલાયો છે ત્યારે તો ખાસ બાળકની એકાગ્રતા વધે અને બાળકમાં વૈચારિક ઊંડાણ વધે એ દૃષ્ટિએ પણ માતૃભાષા જરૂરી છે. અમારી ટીમે ભેગા થઈને માતૃભાષા શીખવાના ૩૪ લાભોનું એક લિસ્ટ બનાવ્યું છે અને એ પછીયે લાગે છે કે આના કરતાં પણ ઘણા લાભો હોઈ શકે છે.’
જાણે કે પડી જ નથી

આવો જ અનુભવ છેલ્લાં ૩૧ વર્ષથી ગુજરાતી ભાષાના મુંબઈ અને મુંબઈની બહાર વેકેશન બૅચ ચલાવતા સાંઈ સાર્વજનિક ટ્રસ્ટના લગભગ ચાલીસથી વધુ સક્રિય સેવકોનો છે. સાંગલી અને સોલાપુરમાં પણ હવે ગુજરાતી ભાષાના વર્ગો શરૂ થયા છે અને ઘાટકોપરમાં તો વેકેશન સિવાય આખું વર્ષ ભાષાનો વર્ગ શરૂ થયો છે. આ સંદર્ભે સંસ્થા સાથે જોડાયેલા અનંતરાય બી. મહેતા કહે છે, ‘અમારો ધર્મ છે પ્રયાસ કરવાનો. પરિણામ માટે પ્રયાસ કરીએ પણ વાલીઓના વલણ સામે અમે હાર્યા છીએ એ દુખદ હકીકત સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. બાળકોને ગેમ્સ રમવા મળે, એન્ટરટેઇનમેન્ટ મળે એટલે તેઓ દોડતાં-દોડતાં ક્લાસમાં આવે. કેટલાક વિદ્યાર્થીઓ તો રિપીટ પણ થયા છે, પરંતુ ગુજરાતીનો વેકેશન બૅચ પૂરો થયા પછી મા-બાપ બાળકોને અઠવાડિયામાં એક દિવસ પણ ભાષા શીખવવાના કે એ ભાષા સાથે તેનો સંયોગ થાય એવા પ્રયાસો કરતા નથી. હવે વિદ્યાર્થી કરતાં પેરન્ટ્સને ઢંઢોળવાની જરૂર છે. જેટલી જરૂર મુંબઈમાં છે એનાથી વધુ જરૂર મારા ખ્યાલથી હવે ગુજરાતમાં છે વાલીઓને ભાષા પ્રત્યે સભાન કરવાની. ગુજરાતની સ્કૂલોમાં ગુજરાતી વિષય નથી ભણાવાતો એનાથી વધારે દયનીય સ્થિતિ ભાષા માટે શું હોઈ શકે? તમે જુઓ, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા માટે જે જુસ્સો અહીંના લોકોમાં છે એવો ગુજરાતીઓમાં પોતાની માતૃભાષા માટે નથી. અરે, મમ્મી તૂટી-ફૂટી અંગ્રેજી સાથે બાળકને ઘરમાં પણ અંગ્રેજી બોલવાનો આગ્રહ કરે છે. ભાષા સાથે આપણાં ઘરોમાં બનતી પરંપરાઓ, મીઠાઈઓ અને ઉત્સવો પણ નષ્ટ થઈ રહ્યાં છે. આજે દાળઢોકળી નથી ભાવતી બાળકોને. તેમનામાં એ સ્વાદ જ જાણે વિકસવા નથી દેવાયો. તેમને નથી ખબર કે વર્ષના પહેલા દિવસે લાપસી અને મગ એ આપણી પરંપરા હતી અને એની પાછળ કારણ હતું. વાલીઓને લાગે છે કે અંગ્રેજીની બજારમાં ડિમાન્ડ છે તો બસ એ જ શીખવો, પણ માતૃભાષા ગુજરાતીની બાળકના સર્વાંગી વિકાસમાં કેટલી ડિમાન્ડ છે એ તરફ તેમનું ધ્યાન નથી.’
