Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તુકારામ મુંઢેના નિર્ણયથી તેલના વેપારીઓ નારાજ

તુકારામ મુંઢેના નિર્ણયથી તેલના વેપારીઓ નારાજ

Published : 23 August, 2026 06:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છૂટું તેલ વેચવા પર મુકાયેલી બંધીનો અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘ દ્વારા વિરોધ, જો આદેશ પાછો ન ખેંચાયો તો આંદોલનની ચીમકી

તુકારામ મુંઢે

તુકારામ મુંઢે


છૂટા તેલમાં થતી ભેળસેળને કારણે મહારાષ્ટ્રમાં છૂટું તેલ વેચવા પર કમિશનર તુકારામ મુંઢેની આગેવાની હેઠળ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)એ બંધી મૂકી દીધી છે. FDAના આ નિર્ણયનો વિરોધ કરીને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘે દાવો કરતાં કહ્યું છે કે આ નિર્ણયને કારણે તેલના પરંપરાગત વેપારીઓ, છૂટક વેપારીઓ અને ગ્રાહકો પર એની ગંભીર અસર પડશે. દારૂ અને સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા છતાં વેચાય છે ત્યારે બધા જ નિયમોનું પાલન કરીને છૂટું તેલ વેચવા પર બંધી કેમ? એવો સવાલ અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘે કર્યો છે. આ આદેશ તાત્કાલિક પાછો લેવો અને આવો કોઈ પણ કઠોર નિર્ણય લેતાં પહેલાં બધા જ વેપારીઓ અને વેપારી સંગઠનોને વિશ્વાસમાં લેવાં જોઈએ એવી મહાસંઘે માગણી કરી હતી. જો સરકાર આદેશ પાછો નહીં ખેંચે તો આંદોલન કરવાની ચીમકી પણ મહાસંઘે આપી છે.  
અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે આ બાબતે જણાવ્યું હતું કે ‘ગરીબ લોકો રોજેરોજ તેમની જરૂરિયાત મુજબ ૧૦ રૂપિયાથી ૩૦ રૂપિયાનું છૂટું તેલ ખરીદે છે તેમની હાલત આને કારણે કફોડી થઈ જશે. તેઓ રાંધશે કઈ રીતે? એની સાથે જ છૂટું તેલ વેચનારા વેપારીઓનો પણ ધંધો છીનવાઈ જશે. તેમને ત્યાં કામ કરતા હજારો કર્મચારીઓ અને મજૂરો બેરોજગાર થઈ જશે. એટલું જ નહીં, લાકડાની ઘાણીમાં તેલ કાઢનાર ૪૦,૦૦૦ કામગારો જેમાં મોટા ભાગે મહિલાઓ છે તેમનો પણ રોજગાર છીનવાઈ જશે.’

અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘ આજે આંદોલનનો નિર્ણય લેશે
FDAના આ નિર્ણય સામે અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘે વેપારીઓની આજે નાશિકમાં એક બેઠક બોલાવી છે જેમાં મોટી સંખ્યામાં તેલના વેપારીઓ હાજર રહે એવી શક્યતા છે. શંકર ઠક્કરે વધુમાં કહ્યું હતું કે ભેદભાવવાળો અને અસમાનતાવાળો આ અન્યાયપૂર્ણ નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો અમારે નાછૂટકે તહેવારોના દિવસોમાં આંદોલન કરવું પડશે.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 06:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK