દીકરીનાં લગ્ન માટે અંધેરીમાં ચોરી કરીને ગુજરાત ભાગી ગયેલો આરોપી નાલાસોપારાથી ઝડપાયો
પ્રતીકાત્મક તસવીર
અંધેરીમાં માત્ર એક મહિનામાં બે મકાનોમાંથી ૯ લાખ રૂપિયાથી વધુની મતા ચોરીને ફરાર થઈ ગયેલા ૩૮ વર્ષના રીઢા ચોર રફીક ચાંદ શેખની ડી. એન. નગર પોલીસે ધરપકડ કરી છે. આરોપી આશરે ૮ મહિના પહેલાં પોતાની પુત્રીના ઘરે ગુજરાત ભાગી ગયો હતો. પોલીસની પકડથી બચવા માટે તેણે તમામ ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. જોકે સ્લમ રીહૅબિલિટેશન ઑથોરટી (SRA) પ્રોજેક્ટ માટે પોતાના આધાર કાર્ડની વિગતો અપડેટ કરાવવા તે ગયા અઠવાડિયે નાલાસોપારાના પોતાના ઘરે પાછો ફરતાં જ પકડાઈ ગયો હતો.
ડી. એન. નગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘આરોપી રફીક શેખે ૨૦ ડિસેમ્બરે અંધેરીની એક ગૃહિણીના ઘરમાંથી ૪.૮ લાખ રૂપિયાના સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. ત્યાર બાદ જાન્યુઆરી મહિનામાં તેણે અંધેરી-વેસ્ટના અન્ય એક ઘરમાંથી ૪.૩ લાખ રૂપિયાના દાગીના અને રોકડ સરકાવી લીધાં હતાં. અમે તેની પૂછપરછ કરી ત્યારે તેણે દાવો કર્યો હતો કે ચોરેલી રકમ અને માલમતાનો ઉપયોગ તેણે પોતાની પુત્રીનાં લગ્નનો ખર્ચ ઉઠાવવા માટે કર્યો હતો. આ કેસમાં રિકવરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.’
