આરોપી પ્રોફેસર અને ટ્રાન્સપોર્ટર રાયપુરથી ઝડપાયા
પ્રતીકાત્મક તસવીર
ગોરેગામ-ઈસ્ટના એક વેપારી સાથે ૯૪ લાખ રૂપિયાના ચીટિંગ રૅકેટમાં વનરાઈ પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ વૉન્ટેડ બે આરોપીઓને છત્તીસગઢના રાયપુરથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં એન્જિનિયરિંગ કૉલેજના પ્રોફેસર કમલેશ સાહૂ અને ટ્રાન્સપોર્ટર વીરેન્દ્ર તનવરનો સમાવેશ છે. આ આરોપીઓ છેલ્લાં આશરે બે વર્ષથી ફરાર હતા. પકડાઈ જવાના ડરથી તેમણે મોબાઇલ ફોન વાપરવાનું બંધ કરી દીધું હતું અને વૉન્ટેડ હતા, પરંતુ ખબરીઓ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે વનરાઈ પોલીસે રાયપુરના સેક્ટર ૨૭ ખાતે સર્ચ-ઑપરેશન હાથ ધરીને લગભગ ૩૦૦ ઘરની તપાસ કરીને બન્નેને દબોચી લીધા છે.
વનરાઈ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ કેસ માર્ચ ૨૦૨૪ દરમ્યાનનો છે. બૉક્સ ઍન ફ્રેઇટ લૉજિસ્ટિક્સ સૉલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઝોનલ હેડ દેવ શર્માએ કમલેશ સાહૂ અને વીરેન્દ્ર તનવર સાથે મળીને કાવતરું રચ્યું હતું. તેમણે ખોટાં ઈ-વે બિલ અને નકલી સિક્કાઓનો ઉપયોગ કરીને કોઈ પણ સર્વિસ આપ્યા વિના ૯૪ લાખ રૂપિયાના કાગળ પરના વ્યવહારો દર્શાવ્યા હતા. કંપનીના હિસાબોમાં વિસંગતતા જણાતાં ડિરેક્ટર પ્રશાંત શેટ્ટીકરને દેવ શર્માની સંડોવણીની જાણ થઈ હતી જેના આધારે કેસ નોંધાવવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં દેવને ૪ લાખ રૂપિયાનું કમિશન મળ્યું હતું જેમાંથી બે લાખ રૂપિયા તેની પત્નીના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. દેવની આશરે દોઢ મહિના પહેલાં બૅન્ગલોરથી ધરપકડ કરવામાં આવી હતી અને તે હાલ જેલમાં છે. મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીએ જૂના કેસોમાં ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો છે જે અંતર્ગત અમે તપાસ તેજ કરી હતી. દેવની ધરપકડ બાદ પોલીસ કમલેશ અને વીરેન્દ્રની શોધમાં હતી જે અમારાથી બચવા રાયપુરમાં છુપાયા હતા. પહેલાં કમલેશની ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદ વીરેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે.’
