સ્થાનિક લોકોની ચેતવણીને અવગણીને ટ્રેકિંગ કરવા આગળ વધ્યા અને ફોન સ્વિચ્ડ-ઑફ કરી દીધા, રસ્તો ભૂલતાં અટવાયા
બન્ને વિદ્યાર્થીઓ
થાણેની કૉલેજમાં અભ્યાસ કરતા ૧૭ વર્ષના બે ટીનેજ વિદ્યાર્થીઓ શનિવારે પ્રબળગડ કિલ્લા પર ટ્રેકિંગ દરમ્યાન રસ્તો ભૂલી ગયા હતા. પનવેલ તાલુકા પોલીસ, માચી પ્રબળ ગામના સ્થાનિક લોકો અને સ્વયંસેવકોએ હાથ ધરેલા બે કલાકના રેસ્ક્યુ ઑપરેશન બાદ બન્ને વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ચોમાસાની ઋતુમાં યોગ્ય ટ્રેકિંગ ગિઅર કે હવામાનની આગાહી તપાસ્યા વિના બન્ને વિદ્યાર્થીઓ ગાઇડ વિના જ કિલ્લા તરફ નીકળી પડ્યા હતા. ટ્રેકિંગ શરૂ કરતાં પહેલાં સ્થાનિક ગ્રામજનોએ પણ તેમને આગળ ન વધવાની ચેતવણી આપી હતી, પરંતુ તેમણે આ સૂચનાને અવગણીને પોતાના મોબાઇલ ફોન સ્વિચ્ડ-ઑફ કરી દીધા હતા. વરસાદ અને ગીચ ઝાડી-ઝાંખરાં વચ્ચે અજાણ્યા માર્ગ પર આગળ વધતાં તેઓ રસ્તો ભૂલ્યા હતા. પરિસ્થિતિ વણસતાં તેમણે ઇમર્જન્સી હેલ્પલાઇન-નંબર ૧૧૨ પર કૉલ કરીને પોલીસની મદદ માગી હતી.
કિલ્લાના વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની કનેક્ટિવિટી નબળી હોવા છતાં પોલીસે વિદ્યાર્થીઓનું લોકેશન શૅર કરતાં જ સ્વયંસેવકો અને સ્થાનિક ગ્રામજનોની મદદથી બચાવકામગીરી શરૂ કરવામાં આવી હતી. રેસ્ક્યુ ઑપરેશન બાદ બન્ને વિદ્યાર્થીઓને પનવેલ તાલુકા પોલીસ-સ્ટેશન લાવીને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
