IIT-બૉમ્બેના કૅમ્પસમાં યોજાયેલી પરીક્ષામાં પાંચ ઉમેદવારો સામે ગુનો દાખલ
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના પવઈ કૅમ્પસમાં રવિવારે યોજાયેલી ગ્રુપ D મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ (પ્યુન)ની ભરતીપરીક્ષા દરમ્યાન ઇલેક્ટ્રૉનિક ડિવાઇસનો ઉપયોગ કરીને ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના રવિવારે સવારે નવથી ૧૦.૩૦ વાગ્યા દરમ્યાન યોજાયેલી પરીક્ષામાં બની હતી. સમગ્ર કેન્દ્ર પર ચોરી રોકવા માટે મોબાઇલ જૅમર લગાવવામાં આવ્યાં હોવા છતાં ઉમેદવારો આધુનિક રીતે મૉડિફાય કરેલા મોબાઇલ ફોન પરીક્ષાખંડમાં લઈ જવામાં સફળ રહ્યા હતા. પવઈ પોલીસના જણાવ્યા અનુસાર કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ અને પરીક્ષા-સંયોજકની ફરિયાદના આધારે પાંચ ઉમેદવારો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ બનાવમાં ૪ લોકોને પકડવામાં આવ્યા હતા, જ્યારે એક ઉમેદવાર ફરાર થઈ ગયો હતો.
પવઈ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘આ પરીક્ષા માટે ૧૪ રૂમમાં કુલ ૩૨૪ ઉમેદવારો બેસવાના હતા. દરેક રૂમમાં ૨૪ પરીક્ષાર્થીઓ માટે બે સુપરવાઇઝર હતા. પરીક્ષા દરમ્યાન રૂમ-નંબર ૨૬માં ફરજ બજાવતા સુપરવાઇઝરને એક ઉમેદવારની શંકાસ્પદ હિલચાલ જણાતાં તેણે તરત પ્રિન્સિપાલને જાણ કરી હતી. ઉમેદવારનું ફુલ બૉડી સ્કૅન કરવામાં આવતાં તેના પૅન્ટના ખિસ્સામાંથી શંકાસ્પદ ઉપકરણ મળી આવ્યું હતું. આ દરમ્યાન સુરક્ષા-ગાર્ડ ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે તે ઉમેદવારે ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેને પકડી પાડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ અન્ય ક્લાસમાં પણ કડક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન રૂમ-નંબર ૨૦, ૬૨, ૬૮ અને ૮૧માંથી અન્ય ઉમેદવારો પાસેથી પણ આવી જ રીતે મૉડિફાઇ કરેલાં મોબાઇલ ઉપકરણો મળી આવ્યાં હતાં. અંતે પવઈ પોલીસને જાણ કરવામાં આવતાં અમારી ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાંચ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. આ કેસમાં પકડાયેલા ઉમેદવારો મૂળ હરિયાણાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ મૉડિફાઇડ ડિવાઇસ જૅમર વચ્ચે કેવી રીતે કામ કરી રહ્યાં હતાં એ વિશે અમે વધુ તપાસ ચલાવી રહ્યા છીએ.’
