ભિવંડીના ગોડાઉનના એક્સપાયર્ડ સ્ટૉકનો FDA નાશ કરશે, ખર્ચ ઍમૅઝૉન ભોગવશે
બૉમ્બે હાઈ કોર્ટ
ઍમૅઝૉન રીટેલ ઇન્ડિયાના ગોડાઉન વિરુદ્ધ મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઑથોરિટી (FDA) દ્વારા કરવામાં આવેલી આકરી કાર્યવાહી બદલ તાજેતરમાં એજન્સીની ઝાટકણી કાઢ્યા બાદ બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે મહત્ત્વનો આદેશ આપ્યો છે. અદાલતે ઈ-કૉમર્સ કંપની ઍમૅઝૉનને એના ભિવંડીના ગોડાઉનમાં પડેલો તમામ એક્સપાયરી ડેટવાળો માલસામાન વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવા માટે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને સોંપી દેવાને નિર્દેશ આપ્યો છે.
કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ રવીન્દ્ર ઘુગે અને ન્યાયમૂર્તિ ગૌતમ અણખડની ખંડપીઠે લાઇસન્સ રદ કરવાની FDAની કાર્યવાહી સામે ઍમૅઝૉન દ્વારા કરાયેલી અરજી સંદર્ભે FDAને ૨૭ ઑગસ્ટ સુધીમાં પોતાનું ઍફિડેવિટ દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે.
ઍમૅઝૉનના ભિવંડીના ગોડાઉનમાંથી એક્સપાયર થયેલો ખાદ્ય પદાર્થ નાશ કરવાને બદલે રીટેલ માર્કેટમાં મોકલવામાં આવતો હોવાના આરોપસર FDAએ દંડાત્મક પગલાં લીધાં હતાં. આ કાર્યવાહી સામે ઍમૅઝૉને હાઈ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
વચગાળાની વ્યવસ્થા તરીકે હાઈ કોર્ટે સોમવારે નિર્દેશ આપ્યો હતો કે ‘ઍમૅઝૉને એના ગોડાઉનમાં રહેલા તમામ એક્સપાયર્ડ અને બગડી ગયેલા સામાનની યાદી (ઇન્વેન્ટરી) તૈયાર કરવી પડશે અને આ તમામ જથ્થો સંબંધિત FDA અધિકારીને સોંપવાનો રહેશે. અધિકારી કાયદાકીય જોગવાઈઓ મુજબ એ માલનો યોગ્ય રીતે નિકાલ કરશે. આ સમગ્ર પ્રક્રિયાનો તમામ ખર્ચ ઍમૅઝૉન કંપનીએ જાતે ભોગવવાનો રહેશે.’
