ચંદ્રપ્રકાશ વ્યાસ ખરીદી કરવા ભિવંડી ગયા ત્યારે બોરીવલીના ફ્લૅટની તિજોરીમાં રાખેલા રૂપિયા લઈને ગાયબ થઈ ગયો તેમનો પોતાનો માણસ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સુરતમાં રહેતા ૫૯ વર્ષના ચંદ્રપ્રકાશ વ્યાસ ૨૭ લાખ રૂપિયાની રોકડ લઈને નવી હોટેલ માટે સામાન ખરીદવા ૨૩ વર્ષના હેલ્પર અરુણ રાઉત સાથે બોરીવલીમાં યોગીનગરના ફ્લૅટ પર આવ્યા હતા. ૨૬ એપ્રિલ સવારે તેઓ ખરીદી માટે ભિવંડી ગયા હતા ત્યારે ઘરમાં રાખેલી ૨૭ લાખ રૂપિયાની રોકડ લઈને અરુણ પલાયન થઈ ગયો હતો. આ ઘટનાની ફરિયાદ MHB પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
અરુણને છેલ્લાં બે વર્ષથી દીકરાની જેમ રાખ્યો હતો અને અમે જ્યાં ફરવા જઈએ ત્યાં તેને પણ સાથે લઈ જતા હતા જેથી તે પણ મજા કરી શકે એમ જણાવતાં ચંદ્રપ્રકાશ વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરતમાં નવી હોટેલ ચાલુ કરવા માટે લાગતો સામાન ભિવંડીથી ખરીદવો હતો. એ માટે હું પૈસા લઈને ૨૫ એપ્રિલે અરુણ સાથે મારા બોરીવલીમાં યોગીનગરના યોગી પૅરૅડાઇઝના ફ્લૅટ પર આવ્યો હતો. ૨૬ એપ્રિલે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ હું સામાન ખરીદવા માટે ભિવંડી ગયો હતો. એ સમયે અરુણ ઘરે એકલો હતો અને ૨૭ લાખ રૂપિયાની રોકડ ઘરના બેડરૂમના લૉકરમાં રાખી હતી. ભિવંડીમાં મારું કામ પત્યા બાદ મેં અરુણને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ આવી રહ્યો હતો એટલે તાત્કાલિક ભિવંડીથી નીકળીને હું ઘરે પાછો આવ્યો હતો. ત્યારે ઘરને તાળું મારેલું જોયું હતું. ઘર ખોલી અંદર જઈને બેડરૂમના લૉકરમાં મૂકેલા પૈસા સલામત છે કે નહીં એ જોવા ગયો ત્યારે લૉકરનો દરવાજો ખુલ્લો હતો અને એમાં રાખેલા ૨૭ લાખ રૂપિયા નહોતા. ત્યારે મને ખાતરી થઈ કે મારા ઘરે કામ કરતા અરુણે આ રકમની ચોરી કરી હતી. અંતે મેં તેની વિરુદ્ધમાં MHB પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
આરોપી અરુણ વિશે અમને માહિતી મળી છે. તેણે પ્લાનિંગ કરીને ચોરીને અંજામ આપ્યો છે એવું અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે. અમારી ટીમ આરોપી સુધી જલદી પહોંચીને તેની પાસેથી રિકવરી કરવાની કોશિશ કરી રહી છે. - MHB પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારી