Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વેપારીઓને રાહત મળશે?

વેપારીઓને રાહત મળશે?

13 May, 2024 06:34 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

નોટિસો મોકલીને અને ધમકીઓ આપીને વેપારીઓની હેરાનગતિ કરવામાં આવી રહી છે, તેમની ધરપકડ અન્યાય કરવા બરાબર છે અને એના પર અંકુશ મૂકવો જોઈએ એવી સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓને પગલે કંઈ ફરક પડશે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની બનેલી સ્પેશ્યલ બેન્ચે તાજેતરમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) ઍક્ટ, કસ્ટમ્સ ઍક્ટ અને ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA)ની વિવિધ જોગવાઈઓને પડકારતી ૨૮૧ અરજીઓની સુનાવણી કરતાં જણાવ્યું હતું કે GSTના મુદ્દે સરકારી અધિકારીઓ દ્વારા નોટિસ મોકલીને અને ધમકીઓ આપીને વેપારીઓની હેરાનગતિ કરવામાં આવી રહી છે, તેમની ધરપકડ તેમને અન્યાય કરવા બરાબર છે અને એના પર અંકુશ મૂકવો જોઈએ. કોર્ટના આ નિર્દેશનું મુંબઈના વેપારીઓએ સ્વાગત કરતાં કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો GST ઍક્ટ સામે લડવા માટે GST કાઉન્સિલે કોઈ કાયદાકીય છૂટ જ રાખી નથી. આ કાયદાની રૂએ ઑન ધ સ્પૉટ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે વેપારીઓને તેમનો પક્ષ રાખવાની છૂટ મળવી જોઈએ. ૧૦૦ ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ એ સિદ્ધાંતને અમલમાં મૂકવાની જરૂર છે.’ 

સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને GST હેઠળ કરવામાં આવેલી નોટિસો અને ધરપકડો વિશે માહિતી આપવા જણાવીને સંભવિત હેરાનગતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ન્યાયમૂર્તિઓ GST કાયદાની જોગવાઈઓને પડકારતી અરજીઓની સમીક્ષા કરી રહ્યા છે, જેમાં ધરપકડની સત્તાઓ વિશે સ્પષ્ટતા માગવામાં આવી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં એકથી પાંચ કરોડ રૂપિયાના ડિફૉલ્ટ માટે થયેલી ધરપકડ અને નોટિસનો ડેટા જરૂરી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘અદાલતનો ઉદ્દેશ નાગરિકોને અનુચિત મુશ્કેલીઓથી બચાવવાનો છે અને અસ્પષ્ટ જોગવાઈઓમાં સુધારો કરી શકાય છે, પણ અમે નાગરિકોને હેરાન થવાની મંજૂરી નહીં આપીએ. બીજું, તમામ કેસમાં લોકોને જેલના સળિયા પાછળ મોકલી શકાય નહીં.’ સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીઓ વિશે વેપારી આલમે કેવી પ્રતિક્રિયાઓ આપી છે એ જોઈએ...

નીરવ દોશી : લોખંડના અગ્રણી વેપારી

GSTના કાયદાને કારણે અનેક પ્રકારે પરેશાની ભોગવી ચૂકેલા મસ્જિદ બંદરના લોખંડના અગ્રણી વેપારી નીરવ દોશી ‘મિડ-ડે’ને કહે છે, ‘સૌથી પહેલાં GST કાઉન્સિલે GSTના કાયદામાં વેપારીઓને ફક્ત સજા કરવાની અને દંડ કરવાની જ જોગવાઈ કરી છે. ક્યાંય પણ તેમના કાયદામાં રહેલી ક્ષતિઓ સામે કે તેમની કાર્યવાહી સામે અપીલ કરવા માટે ટ્રિબ્યુનલની કે અન્ય કોઈ પ્રકારની વ્યવસ્થા જ કરી નથી. અમારા માટે લડત લડવાની જોગવાઈ જ કરવામાં આવી નથી જેને કારણે સંબંધિત અધિકારીઓ મનસ્વી રીતે કાયદાનું અને દંડાત્મક કાર્યવાહીનું અર્થઘટન કરીને વેપારીઓને પરેશાન કરતા હોય છે. સુપ્રીમ કોર્ટે આ બાબત પર લક્ષ આપવાની એટલી જ જરૂર છે.’

શંકર ઠક્કર : કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ - મહારાષ્ટ્રના મહામંત્રી

GST વિભાગ એક જટિલ સમસ્યા બની ગયો છે અને એનું સરળીકરણ અત્યંત જરૂરી છે એમ જણાવતાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ-મહારાષ્ટ્રના મહામંત્રી શંકર ઠક્કર ‘મિડ-ડે’ને કહે છે, ‘ઉદ્યોગપતિઓ પ્રામાણિકપણે GST ભરીને સરકારની આવકને સમૃદ્ધ કરી રહ્યા છે એ સમયે GSTના અધિકારીઓ નોટિસો આપીને અને ધરપકડની ચીમકી આપીને વેપારીઓને હેરાન કરી રહ્યા છે જે અન્યાયી છે. જો વેપારીઓને હેરાન કરવાની આ પરંપરાને ડામવામાં નહીં આવે તો તેમને GST વિભાગ સામે આંદોલન કરવાની ફરજ પડશે. અમે અત્યારે કોર્ટના નિર્દેશનું સ્વાગત કરીએ છીએ અને ન્યાયની આશા રાખીએ છીએ. નાણાપ્રધાને તાત્કાલિક કોર્ટના નિર્દેશ અનુસાર સંબંધિત અધિકારીઓ દ્વારા વેપારીઓને કરવામાં આવતી હેરાનગતિ બંધ કરાવવા પગલાં લેવાં જોઈએ.’

પ્રકાશ ભારવાની : ઇલેક્ટ્રૉનિક આઇટમોના મૅન્યુફૅક્ચરર ઇલેક્ટ્રૉનિક આઇટમોના ૩૦ વર્ષ જૂના મૅન્યુફૅક્ચરર પ્રકાશ ભારવાની આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહે છે,

‘સેલ્સ-ટૅક્સના સમયમાં વેપારીઓ સરળતાથી તેમનો બિઝનેસ કરી શકતા હતા, પરંતુ GST સરકારની એક નવી શરૂઆત હોવાથી આ કાયદામાં ઘણીબધી ક્ષતિઓે હોવાથી વેપારીઓ અને GST અધિકારીઓ બન્નેએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. GSTની નોટિસ વેપારીઓને ઑટોમેશન સિસ્ટમથી ઇશ્યુ થઈ જાય છે. સંબંધિત અધિકારીઓને પાવર આપ્યા ન હોવાથી તેઓ એને સૉલ્વ કરતાં મૂંઝાય છે કે અચકાય છે. ઇમ્પોર્ટ થયેલી વસ્તુઓ પર GST ભરાઈ જાય છે, પણ ભૂલથી પોર્ટલ પર એ દર્શાવવાનું વેપારી ભૂલી જાય તો તેને સીધી નોટિસ આવી જાય છે. ત્યાર પછી તે બધા જ ડૉક્યુમેન્ટ્સ સબમિટ કરીને અધિકારી પાસે સૉલ્યુશન માટે જાય છે તો તે વાસ્તવિકતા જાણવા છતાં નોટિસ પાછી લઈ શકતો નથી કારણ કે તેના બધા જ પાવર GST કાઉન્સિલે હાયર ઑથોરિટીને આપેલા હોય છે. કાઉન્સિલ તરફથી પાવરની સ્પષ્ટતા ન હોવાથી કોઈ પણ અધિકારી તેનું નામ ખરાબ થાય એમ ઇચ્છતો નથી એટલે તે સૉલ્યુશન લાવવા આગળ આવતો નથી એટલે ફાઇલ મહિનાઓના મહિનાઓ આગળ વધતી જ નથી. સેલ્સ-ટૅક્સના સમયમાં નાના અધિકારીથી લઈને કમિશનર સુધીને નાની રકમથી લઈને મોટી રકમ સુધીના પાવર આપેલા હતા એટલે તેઓ સેલ્સ-ટૅક્સની રકમના આધારે પોતાના જ પાવરમાં નિર્ણયો લઈને વેપારીઓને છૂટા કરી દેતા હતા. આમ બન્ને ટેન્શનમુક્ત રહેતા હતા. જોકે GSTમાં એવું નથી. આથી બન્ને પક્ષે વિવાદ ઊભો રહે છે. હવે જ્યારે મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો છે અને કોર્ટે પણ એમાં રસ લીધો છે ત્યારે કોર્ટે બન્ને પક્ષે કાયદાકીય વિવાદો ન સર્જાય એવા નવા કાયદા બનાવવાની જરૂર છે જેથી વેપારીઓ અને GSTના અધિકારીઓ કેસની ગૂંચવણો કાયદાકીય રીતે સરળતાથી ઉકેલી શકે. વેપારી સંગઠનો ઘણા સમયથી કાઉન્સિલ અને સરકાર પાસે આ માગણી કરી રહ્યાં છે, પણ બન્નેમાંથી કોઈ ટસનું મસ થતું નથી. હવે કદાચ કોર્ટના માધ્યમથી ઉકેલ આવશે એવું દેખાય છે.’

મિતેષ મોદી : ભૂતપૂર્વ સેન્ટ્રલ પ્રેસિડન્ટ, ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ મર્ચન્ટ્સ અસોસિએશનના અધ્યક્ષ

વેપારીઓને GSTના કાયદા હેઠળ હેરાન નહીં કરવામાં આવે એવી સરકારે દેશભરનાં વ્યાપારી સંગઠનોને હૈયાધારણ આપી છે અને આપતી રહે છે, આના માટે સરકારે GST ગ્રિવન્સિસ રિડ્રેસલ કમિટીની રચના કરીને વેપારીઓને એમાં પ્રતિનિધિત્વ પણ આપ્યું છે એમ જણાવતાં ભૂતપૂર્વ સેન્ટ્રલ પ્રેસિડન્ટ, ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ મર્ચન્ટ્સ અસોસિએશનના અધ્યક્ષ મિતેષ મોદી ‘મિડ-ડે’ને કહે છે, ‘GST કાઉન્સિલ દ્વારા વેપારીઓને પડતી GSTની મુશ્કેલીઓ અને કનડગતને નિવારવા ટ્રિબ્યુનલની વ્યવસ્થા ન હોવાથી એક ઝોન પ્રમાણે GST ગ્રિવન્સિસ ​રિડ્રેસલ કમિટીની રચના કરી છે, પણ નવાઈની વાત તો એ છે કે આ કમિટીની મીટિંગ જ કરવામાં આવતી નથી જેમાં અમે વેપારીઓની GSTની સમસ્યાઓ સમયે-સમયે રજૂ કરીને એમાં કોઈ પરિવર્તન લાવી શકીએ. અમારી માર્કેટના એક કચ્છી ઇમ્પોર્ટર વેપારીએ એક્સાઇઝના ફૉર્મમાં GST ભરી દીધો હતો અને એના ડૉક્યુમેન્ટ્સ પણ સબમિટ કરી દીધા હતા, પરંતુ એની રસીદ લીધી નહોતી. ત્યાર પછી GST અધિકારીએ તેમને ઈમેઇલથી અને પોર્ટલ પર નોટિસ મોકલી હતી. સામાન્ય રીતે વેપારીઓ કે તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પોર્ટલ એટલું ઊંડાણથી ચેક કરતા નથી. એથી તેમને છ મહિના પછી જ્યારે તેમનું બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ થયાની બૅન્કમાંથી ખબર પડી ત્યારે ખબર પડી હતી કે તેમના બૅન્ક-અકાઉન્ટને GST વિભાગે ફ્રીઝ કરી દીધું હતું. હવે તેમને અપીલ કરવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી બે વર્ષ સુધી દોડાદોડી કરી હતી. અધિકારીઓએ કહ્યું પણ ખરું કે તમારી કોઈ ભૂલ નથી, પણ હવે અમને તમારું અકાઉન્ટ ખોલી આપવાની કોઈ સત્તા નથી, એની સત્તા ફક્ત GST કાઉન્સિલને જ છે. આવાં તો ઘણાં ઉદાહરણો છે. કોર્ટની મધ્યસ્થીથી કદાચ વેપારીઓ માટે GSTની હેરાનગતિ સામે લડવાનો એક માર્ગ ખૂલશે.’ 

કમલેશ મહેતા : લોખંડના અગ્રણી વેપારી

GSTના અધિકારી અને તેમના મનસ્વી નિર્ણય બાબતનો અનુભવ જણાવતાં લોખંડબજારમાં છેલ્લાં ૩૫ વર્ષથી બિઝનેસ કરી રહેલા મસ્જિદ બંદરના લોખંડની પ્લેટના વેપારી કમલેશ મહેતા ‘મિડ-ડે’ને કહે છે ‘દરેક વેપારી ભણેલો નથી હોતો અને દરેક વેપારી ચોર નથી હોતો. જોકે જ્યારથી GST આવ્યો છે ત્યારથી બધા કાયદા એકતરફી છે. મારી સાથે નવેમ્બરમાં એક બનાવ બન્યો હતો જેમાં ટ્રાન્સપોર્ટરે છેલ્લી મોમેન્ટે તેની ટ્રક બદલી નાખતાં GST પોર્ટલ પર અને મારા ઈ-વે ​બિલ પર ટ્રક-નંબર અલગ બતાવતો હતો જેના માટે મેં ૨૦૦ ટકા પેનલ્ટી ચૂકવી છે. અધિકારીએ દંડ વસૂલ કર્યો ત્યારે મારી બધી જ વાતો અને ભૂલ કેવી રીતે થઈ એ વાતો તેણે સાંભળી હતી તેમ જ મારી વાતમાં તથ્ય હોવાનું કહીને પણ તેણે આકરી સજા અને ધરપકડની ધમકી આપીને મારી પાસેથી રાતોરાત દંડ વસૂલ કર્યો હતો. ત્યાર પછી મને રીફન્ડ માટે અપીલમાં જવા કહેવામાં આવ્યું હતું. આ બનાવ ગુજરાતની હદમાં બન્યો હોવાથી મારે દંડની રકમ રીફન્ડ લેવા માટે ગુજરાતના GST વિભાગમાં અપીલ માટે જવાનું હતું. એના માટે મેં GSTની બુકો લખનાર અને GST સામે લડી રહેલા સુરતના એક ઍડ્વોકેટને રોકીને તેમને રીફન્ડ માટે અપીલ કરવા કહ્યું છે. જોકે નવેમ્બરમાં મારા ઍડ્વોકેટે કરેલી અપીલ માટે ટ્રિબ્યુનલની વ્યવસ્થા ન હોવાથી મારી અપીલની સુનાવણી આજ સુધી કરવામાં આવી નથી. એને કારણે મારા અંદાજે ચાર લાખ રૂપિયા અત્યારે અટકી ગયા છે જેમાંથી બે લાખ રૂપિયા GST વિભાગે લેવાના છે. જોકે GST સામે અપીલ કરવા માટે GST કાઉન્સિલે કે કેન્દ્ર સરકારે કોઈ જ વ્યવસ્થા કરી ન હોવાથી મારા જેવા સેંકડો વેપારીઓ અત્યારે આર્થિક ભીંસ ભોગવી રહ્યા છે. ટ્રક-નંબરમાં ભૂલ એક માનવીય ક્ષતિ હતી જેની સામે GST કાઉન્સિલ કાયદો બનાવીને મામૂલી દંડની રકમ નક્કી કરીને ઇન્સ્પેક્ટર-રાજમાંથી વેપારીઓને મુક્તિ અપાવી શકે છે, પરંતુ સરકારે કે કાઉન્સિલે એમાં પહેલ કરવી જ નથી. એને કારણે જ GST અધિકારીઓ નોટિસ અને ધરપકડની ધમકીઓ આપીને મનસ્વી નિર્ણયો લઈને વેપારીઓની કનડગત કરી રહ્યા છે. જોકે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્દેશથી વેપારીઓને ન્યાય મળશે એવી એક આશા જન્મી છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2024 06:34 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK