હાલ ટ્રાન્સપોર્ટનાં વાહનો ચલાવતા ડ્રાઇવરો પણ મોટી સંખ્યામાં ગામમાં ગયા હોવાથી ટેમ્પો અને ટ્રક-ડ્રાઇવરોની પણ અછત વર્તાઈ રહી છે.
પ્રતીકાત્મક તસવીર
લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે મુંબઈમાં એની અસર અલગ રીતે જ જોવા મળી રહી છે. રિક્ષા-ટૅક્સીના અંદાજે ૨૦થી ૩૦ ટકા જેટલા ડ્રાઇવરો મતદાન કરવા દેશમાં ગયા હોવાથી મુંબઈગરાઓને રિક્ષા-ટૅક્સી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. એમાં પાછી અત્યારે સખત ગરમી પડી રહી છે ત્યારે ટૅક્સી-રિક્ષાના ઘણા ડ્રાઇવરો તેમનાં વાહનો રસ્તાની એક બાજુ પાર્ક કરે છે જેને કારણે ૫૦ ટકા જેટલી રિક્ષાઓ એ સમયે રસ્તા પરથી ગાયબ રહે છે. મુંબઈમાં દોડતી રિક્ષા અને ટૅક્સી મોટા ભાગે ઉત્તર ભારતીયો અને મરાઠી ડ્રાઇવરો ચલાવતા હોય છે. એક તો હાલ વેકેશન ચાલી રહ્યું છે અને લગ્નસરા પણ હોવાથી ઘણા ડ્રાઇવરો વતન જતા હોય છે. એમાં આ વખતે લોકસભાની ચૂંટણી હોવાથી અનેક ડ્રાઇવરો વોટિંગ કરવા અને સાથે-સાથે પરિવારને મળી લેવાય એવી ગણતરી સાથે વતન ગયા છે. એથી મુંબઈગરાઓને રિક્ષા-ટૅક્સી મળવી હાલ મુશ્કેલ થઈ ગયું છે. હાલ ટ્રાન્સપોર્ટનાં વાહનો ચલાવતા ડ્રાઇવરો પણ મોટી સંખ્યામાં ગામમાં ગયા હોવાથી ટેમ્પો અને ટ્રક-ડ્રાઇવરોની પણ અછત વર્તાઈ રહી છે.

