Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar

શુદ્ધિ અને સમૃદ્ધિ

13 May, 2024 08:04 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

લિવર, બ્રેઇન અને હૃદય એ સર્વાધિક ઑક્સિજન કન્ઝ્‍યુમ કરે છે. લિવર ૨૦.૪ ટકા, બ્રેઇન ૧૮.૪ ટકા અને હાર્ટ ૧૧.૬ ટકા આપણા શરીરના ટોટલ ઑક્સિજનમાંથી વપરાશ કરે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાચી રીતે સમજીને જો શ્વાસ લો તો આ લક્ષ્યને તમે પામી શકો છો. જીવન જીવવા માટે જ નહીં, ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટે જરૂરી એવા શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરીરનું શુદ્ધીકરણ કરવાનું કામ કઈ રીતે કરે છે અને શરીરને પોષણ આપીને એને સમૃદ્ધ બનાવવાની જવાબદારી કઈ રીતે નિભાવે છે એ જાણીએ

કોઈ પણ કામ કરતાં પહેલાં એ કરવા પાછળનો આશય જો સ્પષ્ટ હોય તો એ કર્તૃત્વમાં આપોઆપ પ્રેમ ભળી જશે અને એ પ્રેમને કારણે જ એ કાર્યની સફળતા નિશ્ચિત બની જાય. શ્વાસ લઈએ ત્યારે પણ આ વાત લાગુ પડે છે. સામાન્ય સમજણ એવી છે કે જીવવું હોય તો શ્વાસ લેવા અનિવાર્ય છે અને તમે તમારી રીતે ગમે એટલા પ્રયાસ કરો અને પ્રયત્નપૂર્વક નક્કી કરો કે આજે હું શ્વાસ નહીં લઉં. શ્વાસ લેવામાં એક દિવસનો બ્રેક લો તો એ જીવનમાં બ્રેક લગાવી દેશે. આખા શરીરમાં શ્વાસોશ્વાસની એવી પ્રક્રિયા છે જેને તમે ઇચ્છો તો સુધારી શકો, પરંતુ તો પણ લાંબા સમય માટે રોકી ન શકો. એ તો પોતાનું કામ કરશે જ. શ્વાસોશ્વાસ ભલે તમારી ઇચ્છાની પરવા કર્યા વિના ચાલતા હોય પણ શ્વાસ પર તમારા મૂડનો, વિચારનો, માનસિક સ્થિતિનો પડઘો જરૂર પડે છે. આ વાત ભૂતકાળમાં પણ આપણે જુદી-જુદી રીતે વિગતવાર કરી છે. આજે આ વિષય છેડવાનું કારણ છે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ કરેલી એક અનોખી શોધ. વૈજ્ઞાનિકોએ આપણા બ્રેઇનમાં ઑક્સિજન કઈ રીતે ગતિ કરે છે એ માહિતી પૂરું પાડતું એક મશીન ડેવલપ કર્યું છે જેનું નામ છે બાયોલ્યુમિનિએસેન્સ ઇમેજિંગ ટેક્નિક. બ્રેઇન દ્વારા શરીરનો મૅક્સિમમ ઉપયોગ થાય છે એવું જ્યારે કહેવાતું હોય ત્યારે ઑક્સિજનરૂપી ઊર્જા મસ્તિષ્કમાં કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે એ વિષય પર આજે ચર્ચા કરીશું. 


ઑક્સિજનનો ઉપયોગ
આપણા શરીરના જુદા-જુદા અવયવો દ્વારા જુદી-જુદી માત્રામાં ઑક્સિજનનો ઉપયોગ થાય છે. લિવર, બ્રેઇન અને હૃદય એ સર્વાધિક ઑક્સિજન કન્ઝ્‍યુમ કરે છે. લિવર ૨૦.૪ ટકા, બ્રેઇન ૧૮.૪ ટકા અને હાર્ટ ૧૧.૬ ટકા આપણા શરીરના ટોટલ ઑક્સિજનમાંથી વપરાશ કરે છે. એ સિવાય સ્કેલેટલ મસલ્સ એટલે કે અસ્થિપિંજરના સ્નાયુઓ દ્વારા ૨૦ ટકા, કિડની દ્વારા ૭.૨ ટકા અને સ્કિન દ્વારા ૪.૮ ટકા ઑક્સિજનનો વપરાશ થાય છે. આ ઉપરાંત ૧૭.૬ ટકા ઑક્સિજનનો ઉપયોગ શરીરના બીજા બાકી રહેલા અવયવો દ્વારા અને આપણી ઍક્ટિવિટી દરમ્યાન થાય છે. આપણા શરીરમાં ઑક્સિજનની જરૂરિયાત કોઈ કલ્પના ન કરી શકે એ સ્તરની છે અને એટલે જ તો એને પ્રાણવાયુ કહેવાયો છે. દરેકેદરેક વસ્તુ વિના ચાલી શકે, પરંતુ ઑક્સિજન વિના ન ચાલે જો જીવતા રહેવું હોય તો. આપણો ગ્રોથ તો ભાઈ ઑક્સિજનના આધારે. આપણા શરીરમાં ઊર્જાનું ઉત્પાદન જ ઑક્સિજનને કારણે છે. પ્રત્યેક કોષ દ્વારા ઑક્સિજનનો વપરાશ થાય છે અને પ્રાણવાયુમાંથી ઑક્સિજન લઈને એ કોષો કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડી દે છે જે આપણે ઉચ્છ્વાસ વાટે બહાર કાઢી દઈએ છીએ. શરીરના અરબો-ખરબો કોષ નકામા થઈ જાય જો તમે તેમની પાસેથી ઑક્સિજન લઈ લો. આપણે યાદ રાખવું જોઈએ કે આ શરીરના આખા માળખાનો કોઈ મૂળભૂત ઘટક હોય તો એ છે ઑક્સિજન. આ ઉપરાંત આજે સતત ખાણીપીણી અને રહેણી-કરણીના બદલાયેલા વાતાવરણ વચ્ચે શરીર વધુ ને વધુ ઍસિડિક બની રહ્યું છે અને ઍસિડિક બૉડીમાં ઑક્સિજનની જરૂરિયાત વધે અને એની સામે ખોટું બ્રીધિંગ કરીને અપૂરતો ઑક્સિજન જ જો આપણે બૉડીને આપીએ તો એનું લાંબા ગાળાનું પરિણામ શું આવશે એ સમજાવવાની જરૂર છે?



પ્રાણાયામનું ઊંડાણ
ઑક્સિજન એ પ્રાણવાયુ છે અને એના માધ્યમે જ પ્રાણઊર્જાનું વહન પણ શરીરમાં થાય છે જેણે આપણને જીવતા રાખ્યા છે. જોકે પ્રાણાયામ અને સામાન્ય શ્વસનમાં ફરક છે એવી સ્પષ્ટતા કરતાં યોગનિષ્ણાત નીતિન ગોયલ કહે છે, ‘ઑક્સિજન એ પ્રાણઊર્જાનું ગ્રોસ સ્વરૂપ છે અને એટલે જ સૂક્ષ્મ પ્રાણઊર્જાને મેળવવા માટે ગ્રોસ લેવલ પર ઑક્સિજનની સપ્લાય પૂરતા પ્રમાણમાં શરીરને મળતી રહે એ જરૂરી છે. તમે સિમ્પલ ડીપ બ્રીધિંગ કરો તો પણ તમને અગણિત લાભ થતા હોય તો વિચારો કે પ્રાણઊર્જાની સભાનતા સાથે પ્રાણાયામનો અભ્યાસ કરો તો એનાં પરિણામ કેવાં અકલ્પનીય હોય છે. એટલે જ આપણે ત્યાં યોગીઓએ પ્રાણાયામથી સર્વ પ્રકારના રોગોનું નિવારણ સંભવ છે એવા શ્લોક આપ્યા છે. તમે પૂરતા પ્રમાણમાં શ્વાસ લો ત્યારે શરીરની પ્રાણઊર્જાના ફ્લોને વધારતા હો છો જે તમારા શરીરમાં જુદા-જુદા કાર્ય સાથે સંકળાયેલી છે. આપણા શરીરનું પાચન, રીપ્રોડક્શન, હૃદયનું ધબકવું, મળમૂત્રનું બહાર જવું એટલે કે એક્સક્રીશન જેવી દરેક પ્રોસેસને પાર પાડવા માટે પ્રાણઊર્જાની જરૂર પડતી હોય છે જેમાં આપણું રાઇટ બ્રીધિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે.’


બીજી વાત, આપણા શરીરનો ૭૦ ટકા કચરો ઉચ્છ્વાસના માધ્યમથી જ બહાર નીકળી જાય છે એટલે કે સાચી રીતે શ્વાસ છોડવાના પણ ફાયદા છે. નીતિન ગોયલ કહે છે, ‘શરીરના શુદ્ધીકરણ માટે એટલે જ આપણે ત્યાં કપાલભાતિ અને ભસ્ત્રિકા જેવા અભ્યાસ યોગમાં દર્શાવવામાં આવ્યા છે. ઑક્સિજન તમારા શરીરના કોષોને પોષણ આપવાનું કામ કરે છે. શરીરના કોષો જો ઑક્સિજનથી સભર હશે તો એની અસર શરીરના પ્રત્યેક અવયવ પર, શરીરની પ્રત્યેક પ્રવૃત્તિ પર અને તમારા જીવનની ગુણવત્તા પર પડે છે. જ્યારે તમે પ્રાણાયામ અને શ્વાસોશ્વાસનો સભાનતાપૂર્ણ અભ્યાસ કરો છો ત્યારે એ તમારા શરીરની‍ ઑક્સિજનને ઍબ્સૉર્બ કરવાની, તમારા ફેફસાંની ઑક્સિજન ગ્રહણ કરવાની, તમારા કોષોની ઑક્સિજનનો ઉપયોગ કરવાની ક્ષમતા વધતી જાય છે. હું એવા પુષ્કળ લોકોને ઓળખું છું જેમના જીવનમાં શ્વાસોશ્વાસનો અભ્યાસ કરવાને કારણે અનેક પૉઝિટિવ ચેન્જિસ આવ્યા હોય.’

ટ્રાય કરો આ બે અભ્યાસ : નિકુંજ ગોયલ, યોગનિષ્ણાત

કુંભક : શ્વાસ લીધા પછી એને અંદર રોકી રાખવાનો અભ્યાસ દરરોજ કરો. ધીમે-ધીમે સમયમર્યાદા વધારતા જાઓ. આ અભ્યાસ તમારા કોષોની ઑક્સિજનને ગ્રહણ કરવાની ક્ષમતા વધારશે. તમારામાં તાજગી ઉમેરશે. યાદ રાખજો કે શ્વાસ ક્યારેય બળજબરીપૂર્વક ન રોકવો અને ધીમે-ધીમે શ્વાસને અંદર રોકી રાખવાની સમયમર્યાદા વધારતા જવું. 

ઇક્વલ બ્રીધિંગ : આ પણ આજના સમયમાં તરત જ માઇન્ડને સ્થિર કરવા, સ્પષ્ટ કરવા અને શાંત કરવાની અફલાતૂન પ્રૅક્ટિસ છે. તમારે માત્ર શ્વાસ લેવાનો અને શ્વાસને છોડવાનો સમય સરખો રાખવાનો. જેટલી ક્ષણ શ્વાસ લેવા માટે વિતાવી એટલી જ ક્ષણ તમારે શ્વાસ છોડવા માટે વિતાવવાની. 


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2024 08:04 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK