અમદાવાદમાં ભણતા નાલાસોપારાના કચ્છી યુવાને એક્ઝામ પછી મિત્રને ઍક્ટિવા પર મૂકવા જતાં અકસ્માતમાં જીવ ગુમાવ્યો : વેકેશન પડતાં મમ્મી અને મોટા ભાઈ સાથે ફરવાથી લઈને અનેક પ્લાન બનાવ્યા હતા
નાલાસોપારામાં રહેતો રાજ (જમણે) તેની મમ્મી અને મોટા ભાઈ સાથે.
નાલાસોપારા-ઈસ્ટમાં આચોલે તળાવ પાસે છેડા પાર્કમાં રહેતાં સોનલ ગાલાના નાના દીકરાએ હૉસ્ટેલમાં વેકેશન પડતાં ઘરે આવીને મમ્મી અને મોટા ભાઈ સાથે ફરવાથી લઈને અનેક પ્લાન બનાવી રાખ્યા હતા. જોકે આ કોઈ પ્લાન હકીકતમાં ફેરવાય એ પહેલાં ૧૯ વર્ષના રાજ ગાલાએ જીવ ગુમાવી દીધો હતો. અમદાવાદમાં ઍક્ટિવા પર જતી વખતે થયેલા અકસ્માત બાદ સારવાર દરમ્યાન તેણે જીવ ગુમાવ્યો હતો. રાજની પ્રાર્થનાસભા રાખવાને બદલે તેની મમ્મી દીકરાના બે મિત્રની ફી આપીને તેને શ્રદ્વાંજલિ આપવાના છે.
અમદાવાદના પાલડીમાં ચારિય કલ્યાણ નામની હૉસ્ટેલમાં ૧૯ વર્ષનો રાજ ગાલા BSc-ITના પહેલા વર્ષમાં ભણતો હતો. ૨૬ એપ્રિલે એક્ઝામ પૂરી થયા બાદ તેના મિત્રને ઍક્ટિવા પર ઘરે મૂકવા જઈ રહ્યો હતો. તેને મૂકીને પાછા ફરતી વખતે વાસણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં બપોરે સાડાત્રણ વાગ્યાની આસપાસ તેની સ્કૂટીનો અકસ્માત થયો હતો અને તેને માથામાં જોરદાર માર લાગ્યો હતો. અકસ્માત કઈ રીતે થયો એની ચોક્કસ માહિતી અમારી પાસે પણ નથી એમ જણાવીને રાજની મમ્મી સોનલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજના ઍક્ટિવાને કોઈ વાહને ટક્કર મારી હતી એમ અમને કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં આસપાસના લોકોને પૂછતાં એટલું જ કહે છે કે અમે ફક્ત જોરદાર અવાજ સાંભળ્યો હતો. તેના ઍક્ટિવાને જરાય નુકસાન થયું નથી કે તેના શરીરના કોઈ ભાગમાં માર લાગ્યો નથી. અકસ્માત થયો ત્યાં હાજર લોકો ઍમ્બ્યુલન્સ બોલાવીને તેને પાસે આવેલી સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રેશર હાઈ હોવાથી તે ત્યાં સ્ટ્રેચર પર જ હતો અને રાતે સાડાઆઠ વાગ્યે તેને સર્જરી માટે લીધો હતો.’
ADVERTISEMENT
સર્જરી બાદ રાજ અમને ઓળખતો હતો અને રિસ્પૉન્સ પણ આપતો હતો એમ જણાવીને સોનલ ગાલાએ કહ્યું હતું કે ‘૮થી ૧૦ મે દરમ્યાન તેનું યુરિન પાસ થવાનું બંધ થઈ ગયું હતું એટલે તેના હાથ-પગ પર સોજા આવવા લાગ્યા હતા. ઍસિડનું પ્રમાણ શરીરમાં વધી જવાથી ટાંકામાંથી લોહી અને પસ બહાર આવવા લાગ્યું હતું. એથી ડૉક્ટરે તેના ટાંકા ફરી લીધા હતા. એ પછી ડૉક્ટરે ડાયાલિસિસ માટે કહ્યું હતું. પાંચ કલાકનું ડાયાલિસિસ હતું, પરંતુ એક કલાક બાકી હતો ત્યારે તેણે જીવ ગુમાવી દીધો હતો. રાજ ભણવામાં હોશિયાર હતો અને છેલ્લી એક્ઝામમાં પણ તેને સારા માર્ક્સ આવ્યા હતા. અમે તેની પ્રાર્થનાસભા રાખી નથી.
તેના બે મિત્રોની આર્થિક સ્થિતિ નબળી છે એટલે તેમને ભણાવીશ તો મારા દીકરાને ભણાવ્યો એવું લાગશે. બે મહિનાની રજા પડવાની હોવાથી રાજે અનેક પ્લાન બનાવી રાખ્યા હતા.’

