ડોમ્બિવલીનું મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) ૧૯૭૦ અને ૧૯૮૦ એમ બે તબક્કામાં ડેવલપ થયું હતું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ડોમ્બિવલીનું મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) ૧૯૭૦ અને ૧૯૮૦ એમ બે તબક્કામાં ડેવલપ થયું હતું. ત્યાર બાદ અહીં રેસિડેન્શિયલ વિસ્તારનો વિકાસ થયો હતો. ૨૦૧૬માં અહીંની પ્રોબેસ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં ૧૨ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે બે કિલોમીટરના દાયરામાં રહેતા ૧૨૬ લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ અહીંના રહેવાસીઓએ અહીંનાં કેમિકલ યુનિટ્સને બીજે ખસેડવાની માગણી કરી હતી. અહીંનાં કેમિકલ યુનિટ્સ રેસિડેન્શિયલ વિસ્તારથી માત્ર ૫૦૦ મીટરના અંતરે આવ્યાં હોવાનું MIDC, મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB) અને સેફ્ટી વિભાગના ડિરેક્ટરે કરેલા સર્વેમાં જણાઈ આવતાં ૨૦૨૨માં રાજ્ય સરકારે કેમિકલ પ્લાન્ટ પાતાળગંગા શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે શુક્રવારે કહ્યું હતું કે જોખમી કેમિકલ યુનિટ્સને શિફ્ટ કરવા માટેની જમીન શોધવામાં વિલંબ થયો હતો, જોકે હવે જમીન મળી ગઈ છે એટલે ૪ જૂન બાદ અલૉટ કરવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીઝને રેસિડેન્શિયલ વિસ્તારમાંથી બીજે શિફ્ટ કરવાની જરૂર છે.