મુંબઈ: શહેરમાં આજે ભારે વરસાદની આગાહી
વાવાઝોડા નિસર્ગને કારણે ગયા સપ્તાહે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. ફાઇલ તસવીર
બંગાળના અખાતમાં સર્જાયેલું લો-પ્રેશર અત્યારે આંધ્ર પ્રદેશ અને તેલંગણના કાંઠાની ઉત્તર/ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે અને એને કારણે મુંબઈ સહિત પૂર્વ મહારાષ્ટ્રમાં આગામી ગણતરીના દિવસોમાં વરસાદી ગતિવિધિમાં વધારો થવાની શક્યતા છે. ત્યાર બાદ સપ્તાહના અંત સુધીમાં ચોમાસાનું આગમન થશે એવી આગાહી સ્કાયમેટ વેધરે કરી હતી.
‘મિડ-ડે’ સાથે વાત કરતાં સ્કાયમેટ વેધરના મિટિયરોલૉજી ઍન્ડ ક્લાઇમેટ ચેન્જના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પાલાવતે જણાવ્યું હતું કે ‘બુધવારથી પૂર્વીય મહારાષ્ટ્રમાં વરસાદી ગતિવિધિમાં વધારો જોવા મળશે. બંગાળના અખાતમાં સર્જાયેલું લો-પ્રેશર આંધ્ર પ્રદેશ અને તેલંગણના કાંઠા તરફ પૂર્વ/ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે અને એને પગલે પૂર્વ વિદર્ભ અને નજીકના મરાઠવાડા પ્રાંત તથા મુંબઈ, નાશિક અને માલેગાંવમાં વરસાદી માહોલ તીવ્ર થઈ શકે છે. ચોમાસા અગાઉના આ વરસાદનું સમાપન ૧૨થી ૧૪ જૂનની વચ્ચે મુંબઈ, પુણે અને રાજ્યના બાકીના ભાગોમાં વરસાદના આગમન સમયે થશે. ૧૫-૧૬ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં પણ સારોએવો વરસાદ પડી શકે છે.’ પાલાવતે એમ પણ જણાવ્યું હતું કે ‘ઉત્તર મહારાષ્ટ્રના કેટલાક ભાગો તથા વિદર્ભ અને મરાઠવાડામાં ભારે પવન ફૂંકાવાની સાથે અને વીજળી સાથે વરસાદ પડી શકે છે. મુંબઈમાં ચોમાસાના આગમન અગાઉ ૧૦-૧૨ જૂન વચ્ચે અવારનવાર વરસાદ પડવાની શક્યતા છે.’