વિલે પાર્લેના જૈન મંદિર પરની કાર્યવાહીના પુરાવા જોયા બાદ માઇનૉરિટી કમિશને ટ્રસ્ટીઓને કહ્યું...
મહારાષ્ટ્ર સ્ટેટ માઇનૉરિટી કમિશનની ઑફિસમાં ગઈ કાલે સુનાવણી કરવામાં આવી હતી.
વિલે પાર્લે-ઈસ્ટમાં કાંબલીવાડીમાં આવેલા ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને તોડી પાડવાના મામલે ગઈ કાલે મહારાષ્ટ્ર સ્ટેટ માઇનૉરિટી કમિશન (MSMC)માં સુનાવણી કરવામાં આવી હતી. જૈન મંદિરના ટ્રસ્ટીઓએ તોડકામની કાર્યવાહી કરતાં પહેલાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ટીમે ભગવાનની મૂર્તિ, આગમ અને શ્રાવક-પૂજારીનાં પૂજાનાં કપડાં લેવા પણ ન દીધાં હોવાના પુરાવા કમિશનને બતાવ્યા હતા. પુરાવા જોઈને માઇનૉરિટી કમિશને જૈન મંદિરના ટ્રસ્ટીઓને તોડકામની કાર્યવાહી સાથે સંબંધિત તમામ સામે પોલીસમાં જઈને ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવાનું કહ્યું હતું. એટલું જ નહીં, માઇનૉરિટી કમિશનની ટીમે ગઈ કાલે સાંજે તોડી પાડવામાં આવેલા જૈન મંદિરની મુલાકાત કરી હતી.
૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરના ટ્રસ્ટી અનિલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને MSMCએ સુનાવણીમાં હાજર રહેવાની નોટિસ મોકલી હતી એટલે અમે જૈન મંદિર કાયદેસર હોવાના તમામ પુરાવા રજૂ કર્યા હતા. એટલું જ નહીં, BMCએ તોડકામની કાર્યવાહી કેટલી ઉતાવળમાં અને બર્બરતાથી કરી હોવાના ફોટો અને વિડિયો માઇનૉરિટી કમિશનને બતાવ્યા હતા. ફોટો અને વિડિયો જોઈને માઇનૉરિટી કમિશનના પ્રેસિડન્ટ પ્યારે ખાન અને વાઇસ પ્રેસિડન્ટ ચેતન દેઢિયા ચોંકી ઊઠ્યા હતા. તેમણે કાર્યવાહી સાથે સંબંધિત તમામ લોકો સામે પોલીસમાં જઈને FIR નોંધાવવાનું કહ્યું હતું. સુનાવણી બાદ સાંજે માઇનૉરિટી કમિશનના વાઇસ પ્રેસિડન્ટ ચેતન દેઢિયાએ તોડી પાડવામાં આવેલા જૈન મંદિરની મુલાકાત પણ લીધી હતી.’
ADVERTISEMENT
મુખ્ય પ્રધાને તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું
જૈન મંદિરના ટ્રસ્ટીઓ ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને BMCના કમિશનર ભૂષણ ગગરાણીને પણ મળ્યા હતા. આ વિશે અનિલ શાહે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાને અમારી સામે જ ભૂષણ ગગરાણીને જૈન મંદિર BMCએ કાયદેસર હોવા છતાં તોડી નાખ્યું છે એટલે ફરીથી BMCના ખર્ચે બનાવી આપવા માટે ફોન કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે જૈન મંદિર બનાવવા માટે તમામ સહયોગ કરવાનું આશ્વાસન આપ્યું છે.’
સાંજે મહારાષ્ટ્ર સ્ટેટ માઇનૉરિટી કમિશનના વાઇસ પ્રેસિડન્ટ ચેતન દેઢિયાએ તોડી પાડવામાં આવેલા જૈન મંદિરની મુલાકાત લીધી હતી.
પુણેમાં જૈનોએ રૅલી કાઢી
વિલે પાર્લેના દિગમ્બર જૈન મંદિરને તોડી પાડવાના વિરોધમાં ગઈ કાલે સવારે પુણેમાં કલેક્ટરની ઑફિસની બહાર રૅલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈનોના તમામ સંપ્રદાયનાં શ્રાવકો-શ્રાવિકાઓ સામેલ થયાં હતાં.

