આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના શોકગ્રસ્ત પરિવારોએ દાવો કર્યો છે કે શુક્રવારે રાત્રે અકસ્માત સમયે પોલીસ તેમનો પીછો કરી રહી હતી તેથી ત્રણેય જણ પાટા પર દોડી રહ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પાલઘર રેલવે-સ્ટેશન નજીક પાટા પર ચાલતી વખતે માલગાડીએ ત્રણ વ્યક્તિઓને કચડી નાખ્યા બાદ ત્રણ વ્યક્તિઓનાં મોત થયાં હોવાનું ગવર્નમેન્ટ રેલવે પોલીસે (GRP)એ શનિવારે જણાવ્યું હતું. જોકે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના શોકગ્રસ્ત પરિવારોએ દાવો કર્યો છે કે શુક્રવારે રાત્રે અકસ્માત સમયે પોલીસ તેમનો પીછો કરી રહી હતી તેથી ત્રણેય જણ પાટા પર દોડી રહ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્વપ્નિલ પાલંડે, કુણાલ કુમાર દુબલા અને અફરોઝ શેખ બધા પાલઘર-ઈસ્ટના વીરેન્દ્રનગર વિસ્તારના રહેવાસીઓને રાત્રે ૮.૩૦થી ૯ વાગ્યાની વચ્ચે માલગાડીએ કચડી નાખ્યા હતા.
ADVERTISEMENT
પાલઘર GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન ઇંગવલેએ જણાવ્યું હતું કે ‘ત્રણેય જણ પાટા પર ચાલી રહ્યા હતા ત્યારે માલગાડીએ તેમને કચડી નાખ્યા હતા. અમને પોલીસ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો હોવાની કે આત્મહત્યા કરવાની કોઈ માહિતી નથી.’
અકસ્માત પછી તરત જ GRPના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જોકે જીવ ગુમાવનારી વ્યક્તિઓના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે અકસ્માત પહેલાં સાદાં કપડાંમાં આવેલા કેટલાક પોલીસ-કર્મચારીઓએ યુવાનો પર હુમલો કર્યો હતો. એથી તેઓ ભાગી જવાના પ્રયાસમાં નજીકના રેલવે-ટ્રૅક તરફ દોડી ગયા હતા અને ત્યાર બાદ માલગાડીએ તેમને કચડી નાખ્યા હતા. GRPએ હાલમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને અકસ્માતના સંજોગો શોધવા માટે તપાસ ચાલી રહી છે.
