ત્રણ વર્ષના દીકરા અને પાંચ વર્ષની ભત્રીજીને લાઇમલાઇટમાં લાવવા માગતા દાદરના વેપારીએ ગુમાવ્યા ૩,૯૧,૫૬૦ રૂપિયા; માટુંગા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝિવા
બન્ને બાળકોનો આૅનલાઇન વિડિયો શૂટ કરવામાં આવ્યો અને પછી તેઓ ટોપ 20માં આવી ગયાં છે એમ કહીને પૈસા પડાવવામાં આવ્યા : પૈસાની માગણી વધતી ગઈ એટલે છેતરપિંડી ધ્યાનમાં આવી
દાદર-ઈસ્ટમાં રહેતા ૩૧ વર્ષના ગુજરાતી વેપારીની પાંચ વર્ષની ભત્રીજીને મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝિવા સાથે ટીવી-ઍડ કરાવવાની લાલચ આપીને ૩,૯૧,૫૬૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ માટુંગા પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. ગુજરાતી પરિવાર જૂન મહિનાની શરૂઆતમાં લોઅર પરેલના એક મૉલમાં ગયો હતો ત્યાં એક અજાણ્યા યુવાને ડિઝની કિડ્સ ઇન્ડિયાના નામે જાહેરાત કરતું પૅમ્ફ્લેટ આપ્યું હતું અને એમાં શૂટિંગ સંબંધી માહિતી આપવામાં આવી હતી. એના પરના નંબર પર સંપર્ક કરતાં ઑડિશન અને કૉસ્ચ્યુમ સહિત વિવિધ ચાર્જિસ ગણાવીને પાંચ દિવસમાં ૩,૯૧,૫૬૦ રૂપિયા પડાવી લીધા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
માટુંગાના પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રવીણકુમાર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૭ જૂને ફરિયાદી પરિવાર લોઅર પરેલના ફન્કી મન્કીઝ પ્લે સેન્ટરમાં ફરવા ગયો હતો. ત્યાં તેમને એક યુવકે ડિઝની કિડ્સ ઇન્ડિયાની જાહેરાત કરતું એક પૅમ્ફ્લેટ આપ્યું હતું. એ પૅમ્ફ્લેટમાં નાનાં બાળકોને ટીવી-ઍડમાં કામ મેળવી આપવાની માહિતી આપવામાં આવી હતી. એ દિવસે રાતે આરોપીએ આપેલા નંબર પર ગુજરાતી પરિવારે વૉટ્સઍપ-મેસેજ મોકલ્યો હતો. થોડી વારમાં સામેથી એક યુવકે ફોન કરીને પોતે ડિઝની કિડ્સ ઇન્ડિયાનો અધિકારી હોવાનો દાવો કરીને ફરિયાદીના ૩ વર્ષના પુત્ર અને પાંચ વર્ષની ભત્રીજીને કૅડબરી, ઓરિયો, મૅગી, પૅમ્પર્સ, માન્યવર જેવી મોટી બ્રૅન્ડની જાહેરખબરમાં કામ આપાવી શકે છે એવો દાવો કર્યો હતો અને એ માટે તેણે બન્ને બાળકોના ફોટો અને વિડિયો પણ વૉટ્સઍપ પર લીધા હતા. ત્યાર બાદ બન્ને બાળકોના હોમ ઑડિશન વિડિયો તૈયાર કરવા માટે ૫૨,૦૦૦ રૂપિયા અને ૨૮ ટકા GSTના માગવામાં આવ્યા હતા, જે ફરિયાદીએ ભરી દીધા હતા. ત્યાર બાદ બન્ને બાળકોનો ઑનલાઇન એક મિનિટનો વિડિયો શૂટ કરવામાં આવ્યો હતો. આ વિડિયોના આધારે બે દિવસ પછી સામેથી પોતાને ડિઝની કિડ્સ ઇન્ડિયાના ડિરેક્ટર ડૉ. અરિહંત શેટ્ટી તરીકે ઓળખાવતી વ્યક્તિએ ફોન કરીને બન્ને બાળકો ટૉપ 20 કૅટેગરીમાં સ્થાન મેળવી ચૂક્યાં હોવાની માહિતી આપી હતી. એ પછી મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી સાથે ઍડમાં કામ કરવા માટેનું કહીને તેમની પાસેથી ૩,૨૫,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ પૈસાની માગણી કરવામાં આવતાં ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનું જણાતાં અમારી પાસે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા.’


