દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં વાયુપ્રદૂષણ ફરી એક વાર ગંભીર સ્તરે પહોંચી ગયું છે.
ફાઇલ તસવીર
દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં વાયુપ્રદૂષણ ફરી એક વાર ગંભીર સ્તરે પહોંચી ગયું છે. ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૪૪૧ પર પહોંચ્યા પછી કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટ (CAQM)એ ગઈ કાલે સાંજે ગ્રેડેડ રિસ્પૉન્સ ઍક્શન પ્લાન (GRAP)ના સ્ટેજ 4ને અમલમાં મૂક્યો હતો. સતત બગડતા પ્રદૂષણના વલણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
GRAP-4ના અમલીકરણ સાથે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. દિલ્હી અને NCRમાં તમામ બાંધકામ-પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. સમગ્ર NCRમાં સ્ટોનક્રશર બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાણકામ અને સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત દિલ્હી અને ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ ફોર-વ્હીલરના ઉપયોગ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નાનાં બાળકોને ઝેરી હવાથી બચાવવા માટે પાંચમા ધોરણ સુધીની સ્કૂલો હવે હાઇબ્રિડ મોડ (ઑનલાઇન + ઑફલાઇન)માં કાર્યરત રહેશે. દસમા અને બારમા ધોરણ સિવાયની બધી સ્કૂલો બંધ રહેશે. સરકારી અને ખાનગી કચેરીઓમાં ઘરેથી કામ કરવાનું પણ ફરજિયાત છે. ટ્રકોને દિલ્હીમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ છે.
ADVERTISEMENT
CAQMના જણાવ્યા અનુસાર પ્રદૂષણમાં વધારો ધીમી પવનની ગતિ, સ્થિર હવા, પ્રતિકૂળ હવામાન અને પ્રદૂષકોના નબળા ફેલાવાને કારણે છે. આનાથી શ્વસનરોગો ધરાવતા લોકોને ગંભીર અસર પડી રહી છે.
દિલ્હી, નોએડા અને ગાઝિયાબાદ સહિત ઉત્તર ભારતમાં ડિસેમ્બરમાં કદાચ તીવ્ર ઠંડી નહીં પડે, પરંતુ ધુમ્મસે પહેલેથી જ એની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે.


