કોઈકે ગિરવી મૂકવા માટે આપેલી સોનાની જ્વેલરીનું ટેસ્ટિંગ કરાવ્યું ત્યારે ઝવેરીને લાગ્યો આંચકો: દાગીનામાં કૉપર, ઝિન્ક અને અન્ય ધાતુઓ મળી
આ પાટલામાં બાવીસ નહીં માત્ર ૪.૬૬ કૅરૅટ ગોલ્ડ છે.
છેલ્લા કેટલાક સમયમાં સોનાની કિંમતમાં ધરખમ વધારો થયો છે ત્યારે અસલ બાવીસ કૅરૅટના દાગીના જેવી જ જ્વેલરી માર્કેટમાં ફરી રહી હોવાનું જણાયું છે. ભાઈંદરના એક જ્વેલરે તેની પાસે ગિરવી મૂકવા માટે આવેલા બાવીસ કૅરૅટ સોનાના ૩૦ ગ્રામના બે પાટલાનું ટેસ્ટિંગ કરાવ્યું તો ખ્યાલ આવ્યો કે હૉલમાર્ક સાથેના પાટલામાં બાવીસને બદલે માત્ર ૪.૬૬ કૅરૅટ એટલે કે ૧૦૦ ટકાને બદલે માત્ર ૧૯.૪૧ ટકા સોનું જ હોવાનું જણાઈ આવ્યું હતું. જે લૅબોરેટરીમાં દાગીનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યાં ઓછા ગોલ્ડવાળી બીજી જ્વેલરી પણ માર્કેટમાં ફરી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. સોનામાં કૉપર અને ઝિન્ક મિક્સ કરીને આવા દાગીના બનાવવામાં આવી રહ્યા છે.