Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રેનમાં ઊંઘ આવી ગઈ અને સીટ પાસે મૂકેલું પર્સ ગાયબ થઈ ગયું

ટ્રેનમાં ઊંઘ આવી ગઈ અને સીટ પાસે મૂકેલું પર્સ ગાયબ થઈ ગયું

Published : 15 March, 2026 07:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુબઈથી પાછી ફરેલી મુલુંડની ગુજરાતી સ્ટુડન્ટ અમદાવાદથી ટ્રેનમાં આવતી હતી ત્યારે તેની બે લાખ રૂપિયાની માલમતા ચોરાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુલુંડ-વેસ્ટના સર્વોદયનગરમાં રહેતી ૨૩ વર્ષની ગુજરાતી યુવતીની દિલ્હી સરાઈ રોહિલા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં શુક્રવારે બપોરે દહાણુ નજીક આશરે બે લાખ રૂપિયાની માલમતા ચોરી થઈ હોવાની ફરિયાદ પાલઘર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતી દુબઈની એક જાણીતી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે રહે છે, પરંતુ તાજેતરમાં ચાલી રહેલા ઈરાન-ઇઝરાયલના યુદ્ધને કારણે પરિસ્થિતિ તંગ બનતાં તે ભારત પાછા ફરવા માટે દુબઈથી અમદાવાદ ઍરપોર્ટ પર આવી હતી અને ત્યાંથી મુંબઈ આવવા માટે દિલ્હી સરાઈ રોહિલા સ્ટેશનથી બાંદરા ટર્મિનસ માટેની સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી શરૂ કરી હતી. જોકે મુસાફરી દરમ્યાન દહાણુ નજીક અજાણ્યા ચોરે તેનું પર્સ ચોરી લીધું હતું. પર્સમાં રોકડ, સોનાની અંગૂઠી અને અન્ય સામાન સહિત અંદાજે બે લાખ રૂપિયાની માલમતા હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

મુલુંડમાં રહેતી ગુજરાતી યુવતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઈરાન–ઇઝરાયલ યુદ્ધને કારણે દુબઈમાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી અને ભારત આવવા માટે ફ્લાઇટની ટિકિટ મળવી મુશ્કેલ બની હતી. તેથી મેં પહેલી જે ફ્લાઇટ ઉપલબ્ધ થાય એમાં ટિકિટ બુક કરીને મુંબઈ આવવાનું નક્કી કર્યું હતું. એ મુજબ શુક્રવારે વહેલી સવારે હું દુબઈથી અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચી હતી. ત્યાર બાદ મુંબઈ ઘરે પાછા ફરવા માટે મેં અમદાવાદ 



રેલવે-સ્ટેશનથી સવારે લગભગ ૭.૩૫ વાગ્યે દિલ્હી સરાઈ રોહિલા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં કોચ E2માં મુસાફરી શરૂ કરી હતી. લાંબી મુસાફરીને કારણે બપોરે મને ઊંઘ આવી ગઈ હતી. લગભગ બપોરે એક વાગ્યે જ્યારે ટ્રેન દહાણુ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે હું ઊંઘમાંથી જાગી હતી, પરંતુ મારી સીટ પાસે રાખેલું હૅન્ડપર્સ ગાયબ હતું. મેં આસપાસ શોધખોળ કરી છતાં પર્સ મળ્યું નહોતું. ત્યાર બાદ મને ખાતરી થઈ કે કોઈ અજાણ્યા ચોરે મારી ઊંઘનો લાભ લઈને પર્સ ચોરી કર્યું છે. ચોરી થયેલા પર્સમાં લગભગ ૧૮ ગ્રામ વજનની સોનાની વીંટી, રોકડ રકમ, ૫૦ દુબઈ દિરહામ, ઍપલનાં ઍરબડ, આધાર કાર્ડ અને દુબઈના આઇડેન્ટિટી કાર્ડ સહિત અંદાજે બે લાખ રૂપિયાની માલમતા હતી. ત્યાર બાદ મેં આ મામલે રેલવે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’


પાલઘર GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરીની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. ટ્રેનની અંદર લાગેલા CCTV કૅમેરાની મદદથી ચોરને શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK