ફ્લાઇટમાં ટિકિટ ન મળવાથી પહેલાં રોડમાર્ગે જવાનો વિચાર કર્યો, પણ એમાં વધુ સમય લાગે એમ હોવાથી ટ્રેન પસંદ કરી
રાજ્યના હીરોઝનું સન્માન: ટીમ ઇન્ડિયાને T20 વર્લ્ડ ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર મુંબઈના બે હીરો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના નિવાસસ્થાને બોલાવીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે ફડણવીસનાં પત્ની અમૃતા અને મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પ્રેસિડન્ટ અજિંક્ય નાઈક પણ હાજર હતાં.
રવિવારે ભારતીય ક્રિકેટ ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. આ ટુર્નામેન્ટમાં નાની પણ મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને ટીમને ચૅમ્પિયન બનાવવામાં યોગદાન આપનાર શિવમ દુબે બીજા દિવસે એટલે કે સોમવારે સવારે ફ્લાઇટ અથવા ચાર્ટર્ડ ફ્લાઇટને બદલે પત્ની અંજુમ અને મિત્ર સાથે ટ્રેન પકડીને અમદાવાદથી મુંબઈ આવ્યો હતો.
બધી જ ફ્લાઇટ ફુલ હતી
ADVERTISEMENT

રવિવારે અમદાવાદમાં ફાઇનલ જીત્યા બાદ અન્ય ખેલાડીઓની જેમ શિવમ દુબેએ પણ પત્ની અંજુમ અને મિત્ર સાથે ઉજવણી કરી હતી
ફાઇનલ બાદ બધા ખેલાડીઓની જેમ તે પણ મેદાનમાં પત્ની અને મિત્ર સાથે સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ મુંબઈ જલદી પહોંચવા તેણે ફ્લાઇટ બુક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ અમદાવાદથી મુંબઈની બધી ફ્લાઇટ્સ ફુલ હતી. આથી કારમાં જવાનો વિચાર કર્યો, પણ ટ્રાફિકની સમસ્યાને લીધે મુંબઈ પહોંચતાં વધુ સમય લાગી શકે એમ હોવાથી આખરે અમદાવાદથી વહેલી સવારે ૫.૧૦ની સયાજી નગરી ટ્રેનમાં થ્રી-ટિયર AC કૉચની ૩ ટિકિટ બુક કરાવી હતી.
ઓળખાઈ જવાનો હતો ડર
ટ્રેનમાં ટિકિટ તો બુક કરાવી, પણ જો લોકોએ તેને ઓળખી લીધો તો સમસ્યા થવાનો ડર તેને સતાવી રહ્યો હતો. આથી તેણે વહેલી સવારની ટ્રેન પસંદ કરી હતી જેથી અંધારું હોય. કોઈ તેને ઓળખે નહીં એ માટે તેણે ટોપી, માસ્ક અને લાંબી બાયનું ટી-શર્ટ પહેર્યું હતું તેમ જ સ્ટેશન પહોંચીને ટ્રેન ઊપડવાની થોડી મિનિટો સુધી કારમાં જ બેસી રહેવાનું પસંદ કર્યું હતું. ટ્રેનમાં પણ બ્લૅન્કેટ ઓઢીને બેસી રહ્યો હતો અથવા સૂઈ ગયો હતો.
બધું જ બરાબર ચાલી રહ્યું હતું ત્યારે ટિકિટચેકર આવ્યો ત્યારે તેમને થોડી ચિંતા થવા લાગી હતી. ટિકિટચેકરે નામ વાંચીને પૂછ્યું પણ ખરું કે શિવમ દુબે? પેલો ક્રિકેટર કે? પણ પત્નીએ જરાય વિચલિત થયા વગર તરત જવાબ આપ્યો કે ‘ના-ના, તે ક્યાંથી અહીં આવે.’ ટિકિટચેકરના ચાલ્યા ગયા બાદ થાકેલા દુબેએ સૂઈ જવાનું પસંદ કર્યું હતું. મુસાફરી દરમ્યાન એક વાર તે ટૉઇલેટ પણ ગયો હતો, પણ સદ્નસીબે કોઈએ તેને ઓળખ્યો નહોતો.
બોરીવલીથી પોલીસ બોલાવી

શિવમ દુબેએ તેના જીવનના રિયલ હીરો પિતા રાજેશ દુબેને વર્લ્ડ ચૅમ્પિયનનો મેડલ પહેરાવીને આભાર માન્યો હતો
અમદાવાદથી બોરીવલી પહોંચ્યા બાદ તેને સ્ટેશન પર ઓળખાઈ જવાનો અને ચાહકોના ઘેરી લેવાનો ડર લાગવા લાગ્યો હતો. આથી તેણે પોલીસને ફોન કરીને સિક્યૉરિટી આપવાની વિનંતી કરી હતી. પોલીસને પહેલાં તો એમ જ લાગ્યું કે તે તેમને ઍરપોર્ટ પર બોલાવી રહ્યો છે, પણ જ્યારે તેણે કહ્યું કે ટ્રેનમાં આવી રહ્યો છું ત્યારે તેઓ દંગ થઈ ગયા હતા. પોલીસની સુરક્ષા સાથે આખરે તે આરામથી ઘરે પહોંચી ગયો હતો. ઘરે પહોંચતાં જ પુત્ર અયાન અને પુત્રી મેહવિશ મમ્મી-પપ્પાને જોઈને દોડીને ભેટી પડ્યાં હતાં.
શિવમે આ T20 વર્લ્ડ કપમાં ૧૬૯ના સ્ટ્રાઇટ-રેટથી ૧૭ સિક્સર અને ૧૫ ફોર સાથે ૨૩૫ રન બનાવ્યા હતા. ફાઇનલમાં પણ તેણે ૮ બૉલમાં ૨૬ રન ફટકારીને ટીમના સ્કોરને ૨૫૦ની પાર કરાવી દીધો હતો.
