સંબંધીને ટ્રેનમાં બેસાડીને પાછો ઘરે આવી રહ્યો હતો ત્યારે તેનો હાઇવે પર તાતા કૉલોની નજીક અકસ્માત થયો હતો
૪૨ વર્ષના નયન (ખોના) જૈન
સંબંધીને દાદર મૂકીને પાછા આવી રહ્યા હતા ત્યારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઍક્સિડન્ટ થયો, ૨૦ વર્ષથી મોટરસાઇકલ ચલાવતા હોવા છતાં કદી અકસ્માત નહોતો થયો તો આ અકસ્માત કઈ રીતે થયો એ પ્રશ્નનો જવાબ માગે છે પરિવાર: પોલીસે ઍક્સિડન્ટ પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે
મુલુંડ-ઈસ્ટના ગવણપાડામાં રહેતા ૪૨ વર્ષના નયન (ખોના) જૈનનું શનિવારે રાતે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત થયા બાદ ગઈ કાલે સવારે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ મામલે નવઘર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા નયનભાઈ શનિવારે રાતે એક સંબંધીને દાદર રેલવે-સ્ટેશને મૂકવા ગયા હતા અને ત્યાંથી રાતે સાડાઅગિયાર વાગ્યે પાછા આવી રહ્યા હતા ત્યારે ઍક્સિડન્ટ થયો હતો. આ મામલે અકસ્માત પાછળનું મૂળ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નયનભાઈના અચાનક મૃત્યુથી મુલુંડના કચ્છી જૈન સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.
ADVERTISEMENT
નયનભાઈના સસરા મહેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નયન દાદરમાં અમારા એક સંબંધીને ટ્રેનમાં બેસાડીને પાછો ઘરે આવી રહ્યો હતો ત્યારે તેનો હાઇવે પર તાતા કૉલોની નજીક અકસ્માત થયો હતો. એ વખતે ત્યાં ભેગા થયેલા લોકોએ તેને તાત્કાલિક પોલીસની મદદથી નજીકની સાવરકર હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. અમને પોલીસે ઘટનાની જાણ કરતાં અમે તાત્કાલિક પહોંચીને તેને ભાંડુપની નવકાર હૉસ્પિટલમાં શિફ્ટ કર્યો હતો. જોકે સોમવારે સવારે ચાર વાગ્યે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, કારણ કે તેનાં ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું. એ દરમ્યાન ૬ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. ગઈ કાલે સાંજે મુલુંડમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નયન પત્ની અને એક બાળક સાથે રહેતો હતો. છેલ્લાં ૨૦ વર્ષથી તે મોટરસાઇકલ ચલાવતો હતો. એ પહેલાં કોઈ દિવસ તેનો નાનોસરખોય અકસ્માત થયો નહોતો એટલે આ અકસ્માત કઈ રીતે થયો એ અમારે જાણવું છે. રાતે હાઇવે પર મોટા ભાગની લાઇટો બંધ હોય છે એ પણ એક કારણ હોઈ શકે અથવા રસ્તા પર કોઈ જોખમી ખાડા હોય અને એને લીધે બૅલૅન્સ જતાં અકસ્માત થયો હોય તો એ અમારે જાણવું છે. આ મામલે પોલીસ યોગ્ય તપાસ કરશે એવી અમને આશા છે.’
શું કહે છે પોલીસ?
નવઘરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પરાગ સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે રાતે નયન જૈન દાદરથી મોટરસાઇકલ પર એકલો પાછો આવી રહ્યો હતો ત્યારે ઐરોલી જંક્શન પછી તેની મોટરસાઇકલ સ્કિડ થઈ જતાં અકસ્માત થયો હતો. ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ પોલીસ કન્ટ્રોલમાં ઘટનાની જાણ કરી હતી. તાત્કાલિક અમારી ટીમે તેને સાવિત્રીબાઈ હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અકસ્માત કઈ રીતે થયો એની તપાસ હાથ ધરવામાં આવી છે.’


