સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટૅચ્યુ ઑફ યુનિટી, કચ્છનું સફેદ રણ, મોઢેરા સૂર્યમંદિર સહિતનાં ૭૫ આઇકૉનિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી થશે
આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીની જનજાગૃતિના ભાગરૂપે નવસારી જિલ્લાની ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવસારી જિલ્લાના છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિર્માણ પામેલાં ૭૧ અમૃત સરોવર પાસે ગ્રામજનોએ પ્રભાતફેરી યોજીને યોગ કર્યા હતા. જુદાં-જુદાં ગામોમાં શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમ જ કર્મચારીઓ જોડાયા હતા.
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિને સુરતમાં ૧૨.૫ કિલોમીટર રોડ પર સવા લાખથી વધુ લોકો યોગ કરીને વિશ્વવિક્રમ રચશે. અત્યાર સુધીમાં યોગ દિનની આ ઉજવણીમાં ભાગ લેવા માટે એક લાખથી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક તેમ જ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે સુરતમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં સવા લાખ નાગરિકો એકસાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાઈને વિશ્વવિક્રમ સર્જશે. સુરતમાં યોજાનારા આ કાર્યક્રમમાં વાય જંક્શનથી એસવીએનઆઇટી સર્કલ સુધીનો ૪ કિલોમીટરનો માર્ગ, વાય જંક્શનથી રત્નભૂમિ પાર્ટી પ્લૉટ સુધીનો ૪ કિલોમીટરનો માર્ગ અને વાય જંક્શનથી સુરત ઍરપોર્ટ ગેટ સુધીનો ૪.૫ કિલોમીટર સુધી મળીને પ્રતિ એક કિલોમીટરમાં આશરે દસ હજાર નાગરિકો એટલે કે એક લાખ પચીસ હજાર નાગરિકો કુલ ૧૨.૫ કિલોમીટરના માર્ગ પર યોગાઅભ્યાસમાં જોડાશે. આ કાર્યક્રમમાં જોડાવા માટે ગઈ કાલે કરાયેલી ઑનલાઇન લિંક પર માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. સવારે ૬ વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં સવારે ૬-૪૦ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી રીતે દેશવાસીઓને સંબોધશે. જેનું જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનારા કાર્યક્રમોમાં કરાશે.’
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટૅચ્યુ ઑફ યુનિટી, કચ્છનું સફેદ રણ, મોઢેરા સૂર્યમંદિર સહિતનાં ૭૫ આઇકૉનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી થશે.

