કાવ્યરસિકો માટે અનોખું નજરાણું : ઘાટકોપરના વિખ્યાત શિક્ષક VU સર કવિતાઓને એના ચાહકો સુધી પહોંચાડવા પોતાના કાવ્યસંગ્રહ ‘શાહી, કલમ, કાગળ, અને...’ને વિનામૂલ્ય વિતરિત કરવા માગે છે
કાવ્યસંગ્રહ ‘શાહી, કલમ, કાગળ, અને...’
વ્રતમથી તીવ્ર એવી એક ક્ષણ તું દે મને
છો પછી દરિયા ઉલેચી ફક્ત રણ તું દે મને
ADVERTISEMENT
ગઝલનો આ એક હિસ્સો માણ્યા પછી હવે એક ગીતનો હિસ્સો મમળાવો...
ધારો કે હિંડોળે હીંચી, હીંચીને તને હીંચવાનો થાક કદી લાગશે
આરસની ફર્શ પછી કાંટા બનીને મારી પાનીને ધારદાર વાગશે
અને હવે એક અછાંદસ કાવ્યનો આ ભાગ વાંચો...
અરીસા સિવાય
કોણ લાવી શકે
મને
મારી તરફ
બમણી ત્વરાથી?
આ મજાની રચનાઓ છે ઘાટકોપરના વિખ્યાત શિક્ષક VU સરની. તેમનું નામ આમ તો વીરેન મહેતા, પણ લોકો તેમને ઓળખે VU સર તરીકે. શિક્ષક તરીકે હવે નિવૃત્ત છે, પણ નિવૃત્તિમાંય પ્રવૃત્તિમય રહીને જીવન સાર્થક બનાવવાનો પ્રયત્ન કરતા રહે છે. આઠેક મહિના પહેલાં તેમણે ICSEના ટેન્થના સ્ટુડન્ટ્સ માટે મૅથ્સના કન્સેપ્ટ ક્લિયર કરતું એક અદ્ભુત પુસ્તક તૈયાર કર્યું હતું અને ૫૦૦ વિદ્યાર્થીઓને વિનામૂલ્ય વહેંચ્યું હતું. ગણિત અને કવિતાનો અનોખો સંગમ એવા VU સર હવે સ્વરચિત ગુજરાતી કવિતાઓનો સંગ્રહ લઈ આવ્યા છે અને એ પણ તેઓ વિનામૂલ્ય વિતરિત કરવાના છે. ગઝલ, ગીત અને અછાંદસ કાવ્યોના ત્રિવેણી સંગમ જેવા આ સંગ્રહનું નામ છે ‘શાહી, કલમ, કાગળ, અને...’
મૅથ્સના પુસ્તકની જેમ આ પુસ્તક પણ વિનામૂલ્ય આપવાનું કારણ જણાવતાં VU સર કહે છે, ‘કાવ્યરસિકો પણ કવિતા સુધી પહોંચવામાં આળસ કરી જાય કદાચ, એટલે મારે કવિતાઓને કાવ્યરસિકો સુધી પહોંચાડવી છે. આપણી માતૃભાષા માટે આટલું પણ કરી શકું તો મને આનંદ થશે.’
VU સરે આ પુસ્તક કાવ્યરસિકોને વિનામૂલ્ય આપવાની પણ ખાસ ગોઠવણ કરી છે. આજથી ૨૦ ડિસેમ્બરના શનિવાર સુધી આ કાવ્યસંગ્રહ અલગ-અલગ ઠેકાણે ઉપલબ્ધ હશે. આ રહ્યાં એ ઠેકાણાં...
૧.
જૈન જાગૃતિ સેન્ટર, હિંગવાલા લેન, ઘાટકોપર (ઈસ્ટ). સમય : સવારે ૧૧થી ૧, સાંજે ૪થી ૬
૨.
રૉક્સી લાઇબ્રેરી, વૈષ્ણવી ધામ, પહેલે માળે, ઝેનિથ ટાવર સામે, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ). સમય : સવારે ૧૧થી ૧, સાંજે ૪થી ૬
૩.
સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, પી. એમ. રોડ, હાઈ લાઇફ મૉલની બાજુમાં, સાંતાક્રુઝ (વેસ્ટ). સમય : સવારે ૯થી ૧, સાંજે ૪થી ૭
૪.
મીટ ઇન્ડિયા ફાઉન્ડેશન, દેવજી ભીમજી લેન, ઑફ મથુરાદાસ રોડ, સહયોગ બેકરી શૉપની બાજુમાં, મારુ સુપરમાર્ટની પાછળ, કાંદિવલી (વેસ્ટ). સમય : સોમવારથી શુક્રવાર – સવારે ૧૧.૩૦થી ૧.૩૦, શનિવાર – સવારે ૧૦.૩૦થી૧૨.૩૦


