ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર, ગૃહપ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન પર લગાવ્યા બેફામ આરોપ : BJPએ માર્મિક પોસ્ટરથી આપ્યો જવાબ
ગઈ કાલે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘વોટ ચોર, ગદ્દી છોડ’ રૅલીમાં સંવિધાનની ચોપડી બતાવતાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી.
ગઈ કાલે રવિવારની સવારે દિલ્હીના રામલીલા મેદાનમાં કૉન્ગ્રેસે ‘વોટ ચોર, ગદ્દી છોડ’ના નારા સાથે રૅલી કાઢી હતી. PM મોદીનો કૉન્ફિડન્સ હલી ગયો છે અને ચોરી પકડાઈ જતાં અમિત શાહના હાથ ધ્રૂજી રહ્યા છે એવા અર્થવિહોણા આરોપો રાહુલ ગાંધીએ ફરી એક વાર જાહેરમાં લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ‘ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર, સુખબીર સિંહ અને વિવેક જોશી BJP સાથે ભળીને કામ કરી રહ્યા છે. તેમણે ભૂલવું ન જોઈએ કે તેઓ હિન્દુસ્તાનના ઇલેક્શન કમિશનર છે, BJPના નહીં. વડા પ્રધાને કાયદાઓ બદલી નાખ્યા છે. અમે આ કાયદાઓ બદલીશું અને આ જ લોકોની સામે ઍક્શન લઈશું.’
પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું હતું કે ‘અમે જે બનાવ્યું એ બધું જ BJPએ વિખેરી નાખ્યું. સરકાર સંસદમાં ચર્ચા કરવાથી ભાગે છે. અમે બેરોજગારી, મોંઘવારી અને પેપર લીક જેવા મુદ્દા પર વાત કરીએ છીએ.’
ADVERTISEMENT
BJPનો પોસ્ટરથી જવાબ

રામલીલા મેદાનમાં જે બેફામ આરોપો થયા એના જવાબમાં BJPએ સોશ્યલ મીડિયા પર એક કાર્ટૂન પોસ્ટ કરીને લખ્યું હતું કે તમે ઘૂસણખોરોની સેવામાં લાગેલા રહો, અમે દેશની જનતાની સેવા કરીશું.


