જોકે ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ સંદર્ભેની ચર્ચા અને દાવાઓ ફગાવી દીધાં છે.
કૉન્ગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
અમેરિકાના કુખ્યાત ઇન્ડસ્ટ્રિયલિસ્ટ જેફ્રી એપ્સ્ટાઇન પ્રકરણને લગતા ડૉક્યુમેન્ટ્સ જાહેર કરવા અમેરિકાના લીગલ ડિપાર્ટમેન્ટને ૧૯ ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે. એપ્સ્ટાઇન ફાઇલ્સ ટ્રાન્સ્પરન્સી ઍક્ટ હેઠળ થનારા એ ખુલાસાઓ પર આખા વિશ્વની નજર મંડાયેલી છે. ભારતને લઈને કેટલાક સંદર્ભ સામે આવવાના કારણે ભારતમાં પણ એની ચર્ચા વ્યાપક બની રહી છે. કૉન્ગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ છેલ્લા કેટલાક દિવસથી સતત કહી રહ્યા છે કે એપ્સ્ટાઇન ફાઇલને કારણે ભારતમાં રાજકીય ભૂકંપ આવશે. એથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. એટલું જ નહીં, તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે હવે મરાઠી માણૂસ વડા પ્રધાન બનશે. એથી મહારાષ્ટ્રના લોકો પણ હવે એ એપ્સ્ટાઇન ફાઇલ્સમાં શું ખુલાસો કરવામાં આવે છે એના પર નજર માંડીને બેઠા છે. જોકે ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ સંદર્ભેની ચર્ચા અને દાવાઓ ફગાવી દીધાં છે.
કોણ હતો જેફ્રી એપ્સ્ટાઇન?
જેફ્રી એપ્સ્ટાઇન એ અમેરિકાનો એક રિચ ફાઇનૅન્સ-મૅનેજર હતો જે બહુ જ શ્રીમંત અને પ્રભાવશાળી લોકોના પૈસાનું રોકાણ કરતો હતો. ન્યુ યૉર્ક, ફ્લૉરિડા અને પોતાના પ્રાઇવેટ ટાપુ પર તે મોટા લોકોને બોલાવીને ફ્રેન્ડશિપ વધારતો હતો. જોકે આ દરમ્યાન તેના પર સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવાના અને હ્યુમન ટ્રાફિકિંગના આરોપ થયા હતા. તેના પર ઘણાં વર્ષો સુધી છોકરીઓને ફસાવીને, પૈસા આપીને તેમનું લૈંગિક શોષણ કરવાના ગંભીર આરોપ થયા હતા. ૨૦૦૫માં એક ૧૪ વર્ષની છોકરીએ કરેલી ફરિયાદ પછી એ બાબતે તપાસ શરૂ થઈ હતી. પોલીસે ૪૦ પીડિતાઓની માહિતી ભેગી કરી હતી. જોકે એમ છતાં ગ્રૅન્ડ જ્યુરીએ તેના પર ગંભીર ગુના ન લગાડીને ફક્ત સામાન્ય ગુનાઓ જ નોંધ્યા હતા. એ વખતના ફેડરલ ગવર્નમેન્ટ ઍડ્વોકેટ ઍલેક્સ અકૉસ્ટાએ કરેલા કરારને લીધે જેફ્રી એપ્સ્ટાઇન પર મોટા અને ગંભીર ગુના લાગ્યા નહીં. જોકે ૨૦૦૯માં તેને ઑફિશ્યલી સેક્સ ઑફેન્ડર તરીકે રજિસ્ટર કરવામાં આવ્યો હતો.
તેનો સહકારી તેના માટે આ છોકરીઓ શોધી લાવવાનું કામ કરતો હતો એવું તપાસમાં જણાઈ આવ્યું હતું. ૨૦૦૮માં તેણે ફ્લૉરિડામાં ચાલાકીથી મોટી શિક્ષા ટાળી અને તેને ફક્ત ૧૮ મહિનાની શિક્ષા થઈ. એમાં પણ તે મોટા ભાગનો સમય તો જેલની બહાર રહીને કામ કરવાની પરવાનગી મેળવીને બહાર રહ્યો હતો.
ADVERTISEMENT
જુલાઈ ૨૦૧૯માં ફરી જેફ્રી એપ્સ્ટાઇનની ધરપકડ કરવામાં આવી. તેના પર ૨૦૦૨થી ૨૦૦૫ સુધીમાં ડઝનભર સગીર છોકરીઓનું લૈંગિક શોષણ કરવાનો અને તેમની તસ્કરી કર્યાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે તેનો ખટલો ચાલુ થાય એ પહેલાં જ તેણે આત્મહત્યા કરી હતી. ૨૦૧૯ની ૧૦ ઑગસ્ટે તે ન્યુ યૉર્કની જેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. અધિકૃત અહેવાલ અનુસાર તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે જેલના કર્મચારીઓની બેદરકારી, ગાયબ થયેલાં CCTV કૅમેરાનાં ફુટેજ, પોસ્ટમૉર્ટમના રિપોર્ટ બદલ મતભેદ હોવાને કારણે એ બાબતે શંકા વધુ દૃઢ થઈ હતી.
ડોનલ્ડ ટ્રમ્પ સાથે સંબંધ
૧૯૮૦થી ૨૦૦૦ના સમય ગાળામાં જેફ્રી એપ્સ્ટાઇન અને ડોનલ્ડ ટ્રમ્પ સંપર્કમાં આવ્યા હતા. બન્ને એક જ સોશ્યલ સર્કલમાં ફરતા હતા. ટ્રમ્પે એક વખત તો જેફ્રી એપ્સ્ટાઇનને યંગ છોકરીઓ પસંદ કરનારો પણ કહી દીધો હતો. કેટલાક કાર્યક્રમોમાં તેઓ સાથે દેખાયા પણ હતા. એક વાર તેમણે સાથે ઍર-ટ્રાવેલ પણ કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું.
ફોટો અને ઈ-મેઇલને લઈને વિવાદ
એપ્સ્ટાઇન એસ્ટેટમાંથી ૯૫,૦૦૦ કરતાં વધુ ફોટો જપ્ત કરવામાં આવ્યા હતા. અમેરિકન સંસદે કેટલાક ફોટો જાહેર કર્યા છે. એમાં ટ્રમ્પ, બિલ ક્લિન્ટન જેવા અનેક પ્રખ્યાત લોકો દેખાઈ રહ્યા છે. પણ ફક્ત ફોટોમાં દેખાવાથી ગુનો પુરવાર થાય છે એવુ નથી હોતું એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત હજારો ઈ-મેઇલમાં મોટા લોકોનાં નામ ફક્ત ઓળખ, સંપર્ક અને ચૅટ માટે જ હોવાનું જણાઈ આવ્યું છે.
અમેરિકામાં આનું શું પરિણામ આવી શકે?
આ બધાને લઈ અમેરિકામાં વિવાદ ચાલી રહ્યો છે. ડેમોક્રેટિક પક્ષ ટ્રમ્પ પર દબાણ કરી રહ્યો છે કે બધા જ દસ્તાવેજો જાહેર કરો. ૧૯ ડિસેમ્બરે મોટા પ્રમાણમાં ફાઇલ્સ જાહેર થવાની શક્યતા છે. જોકે એમ છતાં હજી સુધી કોઈ ઑફિશ્યલ ક્લાયન્ટ-લિસ્ટ સામે આવ્યું નથી. જેફ્રી એપ્સ્ટાઇનના મૃત્યુ પછી તેના સહકારીની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેને સગીર છોકરીઓ તસ્કરી કરવામાં મદદ કરવા બદલ ૨૦ વર્ષની સજા થઈ છે.


