પ્લેન-ક્રૅશમાં બચેલો એકમાત્ર વિશ્વાસકુમાર સગા ભાઈની અંતિમયાત્રામાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો
ગઈ કાલે દીવમાં પોતાના ભાઈની અંતિમયાત્રામાં વિશ્વાસકુમાર રમેશ.
અમદાવાદમાં થયેલી પ્લેન-ક્રૅશની દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર ભાગ્યશાળી વિશ્વાસકુમાર રમેશને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે પરિવારજનો સાથે દીવ પહોંચ્યો હતો. તેની સાથે એ જ પ્લેનમાં ટ્રાવેલ કરી રહેલા તેના સગા ભાઈ અજય સહિત દીવના કુલ ૭ લોકો મૃત્યુ પામ્યા હતા. ગઈ કાલે સૌની અંતિમયાત્રા નીકળી હતી. વિશ્વાસકુમાર ભાઈ અજયની અરથીને કાંધ આપતી વખતે ભાંગી પડ્યો હતો. ભાઈ-ભાઈની બૂમો પાડીને આક્રંદ કરતાં બોલતો હતો, ‘મને કેમ જિવાડ્યો, મને પણ મારી નાખવો હતો.’
જે ભયાવહ દુર્ઘટનામાંથી વિશ્વાસકુમાર આબાદ બચી ગયો એ ખરેખર અવિશ્વસનીય છે. જ્યારે તે સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારે સાઇકિયાટ્રિક ડૉક્ટરોએ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. ડૉક્ટરોએ તેને કહ્યું નહોતું કે પ્લેન-ક્રૅશમાં તું જ એકમાત્ર બચ્યો છે. તેના ભાઈનું મોત થયું છે એની તેને ખબર નહોતી. જ્યારે પરિવારજનો તેને મળવા આવ્યા ત્યારે વિશ્વાસને ભાઈના મૃત્યુના ખબર મળ્યા હતા. એ પછીથી વિશ્વાસ રટણ કરતો રહ્યો હતો, ‘મારે પણ મરી જવું છે.’

