રોમાનિયન ગર્લફ્રેન્ડ યુલિયાએ બૉયફ્રેન્ડના ફૅમિલી સાથેનાં પોતાનાં સમીકરણોની ચર્ચા કરી
સલમાન ખાનનો પરિવાર એટલે મારો પરિવાર
સલમાન ખાનની ગર્લફ્રેન્ડ યુલિયા વૅન્ટુર રોમાનિયાની વતની છે અને પ્રોફેશનલ સિંગર છે. યુલિયા અને સલમાન ખાન વર્ષોથી સાથે છે. યુલિયાએ હાલમાં દીપક તિજોરી સાથેના શૉર્ટ ડ્રામા ‘ઇકોઝ ઑફ અસ’ દ્વારા ઍક્ટિંગ ડેબ્યુ કર્યું છે. યુલિયાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં દીપક તિજોરી સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે તેમ જ સલમાનના પરિવાર સાથેનાં પોતાનાં સમીકરણો વિશે વાત કરી છે.
યુલિયાએ કહ્યું હતું કે ‘દીપક તિજોરી ખૂબ સારી વ્યક્તિ છે અને તેમની સાથે કામ કરીને ખૂબ જ સારો અનુભવ રહ્યો. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું. જ્યાં સુધી સલમાનના પરિવારની વાત છે ત્યાં સુધી સલીમ સાહેબ ખૂબ જ ઉત્તમ વ્યક્તિ છે. તેમની સાથે વિતાવેલી દરેક ક્ષણ કંઈક નવું શીખવે છે. મારો પોતાનો પરિવાર દૂર છે પણ અહીં તો સલમાનનો પરિવાર જ મારા પરિવાર સમાન છે. રોમાનિયામાં મારી એક સફળ કરીઅર હતી પણ ભારતમાં મને નવો માર્ગ મળ્યો છે. ભારતીય સંગીત મારા માટે ઇન્દ્રધનુષ જેવી અનુભૂતિ કરાવે છે. રંગોથી, સૂરોથી અને ભાવનાઓથી ભરપૂર. હિન્દી સંગીત શીખીને હું એક મનુષ્ય તરીકે વધુ સમૃદ્ધ બની છું.’


