પહેલી વાર ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ભારતીયો માટે જર્મનીમાં વીઝા-ફ્રી ટ્રાન્ઝિટની જાહેરાત કરી હતી
સાબરમતી રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલમાં સાથે પતંગ ચગાવી રહેલા નરેન્દ્ર મોદી અને ફ્રેડરિક મર્ઝ. કાઇટ ફેસ્ટિવલમાં તૈયાર કરવામાં આવેલા ઓલ્ડ અમદાવાદની હેરિટેજ પોળોની મજા માણી રહેલા બન્ને નેતાઓ.
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી. જોકે એ પહેલાં સાબરમતી આશ્રમમાં જઈને ગાંધીજીની કુટિર અને ચરખો ચલાવવાની પદ્ધતિ જોવાનો લહાવો ફ્રેડરિક મર્ઝે લીધો હતો. ગાંધીજીની તસવીર પર તેમણે સૂતરની આંટી ચડાવીને શ્રદ્ધાંજલિ આપી હતી અને પછી ગેસ્ટ-બુકમાં જર્મની તરફથી સંદેશો લખ્યો હતો. એ પછી સાબરમતી રિવરફ્રન્ટ પર જઈને ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલમાં બન્નેએ પતંગ ચગાવવાનો લુત્ફ ઉઠાવ્યો હતો. કાઇટ ફેસ્ટિવલમાં આ વખતે ઓલ્ડ હેરિટેજ અમદાવાદનો સેટ ઊભો કરવામાં આવ્યો છે. આ સેટ પર બે ભાઈબંધોએ જાણે પોળના ઘરના ઓટલે બેઠા હોય એ રીતે બેસીને વાતો કરી હતી. ઓપન કારમાં ઊભા રહીને નરેન્દ્ર મોદી અને ફ્રેડરિક મર્ઝે સાથે પતંગ ચગાવી હતી.
ફ્રેડરિક મર્ઝ નરેન્દ્ર મોદીની કારમાં સાથે બેસીને ગાંધીનગર ગયા હતા જ્યાં દ્વિપક્ષીય બેઠક થઈ હતી. નરેન્દ્ર મોદીએ કારની તસવીર શૅર કરીને લખ્યું હતું કે ભારત અને જર્મનીની દોસ્તી સહિયારાં મૂલ્યો, વ્યાપક સહયોગ અને પરસ્પરની સમજણના માધ્યમથી મજબૂત થઈ રહી છે.
ADVERTISEMENT
આ તસવીર બન્ને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત તાલમેલનું પ્રતીક મનાઈ રહી છે. બેઠક પૂરી થયા પછી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારત-જર્મની ઘનિષ્ઠ સહયોગી છે. એટલે જ આજે ભારતમાં ૨૦૦૦થી વધુ જર્મન કંપનીઓ છે. આ જર્મનીનો ભારત પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. આજે થયેલા વ્યાપારિક કરારોના માધ્યમથી ભારત-જર્મની દરેક ક્ષેત્રમાં સાથે મળીને આગળ વધશે.’
ભારતીયોને જર્મનીમાં ફ્રી ટ્રાન્ઝિટ વીઝા મળશે
પહેલી વાર ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ભારતીયો માટે જર્મનીમાં વીઝા-ફ્રી ટ્રાન્ઝિટની જાહેરાત કરી હતી. એને કારણે હવે ટ્રાવેલ દરમ્યાન જર્મનીના ઍરપોર્ટ્સ પર ઇન્ટરનૅશનલ ટ્રાન્ઝિટ એરિયામાં પ્રવેશવા માટે ભારતીયોને અલગથી ટ્રાન્ઝિટ વીઝા લેવાની જરૂર નહીં રહે.


