અભિજિત પવારે કહ્યું હતું કે ‘થાણેમાં પાણી-વિતરણ માટેની વ્યવસ્થા યોગ્ય રીતે કાર્ય કરતી નથી`
TMCની હેડ-ઑફિસની બહાર સ્નાન-આંદોલન કરતા નગરસેવક અભિજિત પવાર.
થાણેમાં પાણીની ગંભીર સમસ્યા સામે ગઈ કાલે NCP(SP)ના નગરસેવક અભિજિત પવારે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના મુખ્યાલયના ગેટ પર સ્નાન કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. TMC મુખ્યાલયના પરિસરમાં આવેલા નળમાંથી પાણીની બાલદી ભરીને તેમણે મુખ્ય ગેટની બહાર બેસીને સ્નાન કરતાં ત્યાં હાજર અધિકારીઓ તેમ જ લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. આ ઘટનાએ થાણેમાં ચાલી રહેલી પાણીની સમસ્યાને વધુ ચર્ચામાં લાવી દીધી છે.
અભિજિત પવારે કહ્યું હતું કે ‘થાણેમાં પાણી-વિતરણ માટેની વ્યવસ્થા યોગ્ય રીતે કાર્ય કરતી નથી. કેટલાક વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવે છે જ્યારે અન્ય વિસ્તારોને પાણીથી વંચિત રાખવામાં આવે છે. અમે જ્યારે અધિકારીઓને ફોન કરીને ફરિયાદ કરીએ છીએ ત્યારે તેઓ કાલે જોઈશું એવું કહીને જવાબદારી ટાળી દે છે. મારા ઘરમાં પણ પાણી ન મળતાં મે નાઇલાજે TMCના મુખ્યાલયમાં આવીને સ્નાન કર્યું છે. જો થાણેમાં પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં અમે વધુ તીવ્ર આંદોલન કરીશુ. જો પાણીપુરવઠાની સમસ્યા યથાવત્ રહેશે તો અમે અધિકારીઓનાં ઘરોમાં જઈને પણ સ્નાન કરીને વિરોધ નોંધાવીશું.’
ADVERTISEMENT
આજે થાણેના ઉથળસર અને નૌપાડા વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ કરેલી જાહેરાત મુજબ સિદ્ધેશ્વર પાણીની ટાંકી પાસે પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું હોવાથી ગુરુવારે થાણેના અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો ૨૪ કલાક માટે બંધ રહેશે.ગુરુવારે સવારે ૯ વાગ્યાથી શુક્રવારે સવારે ૯ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે. આ સમયગાળા દરમ્યાન ઉથળસર વૉર્ડના સિદ્ધેશ્વર તળાવ વિસ્તાર, રમાબાઈ આંબેડકરનગર, ગણેશવાડી, નીતિન કંપની એરિયા, સરોવર દર્શન, ચંદનવાડી, હંસનગર, ફ્લાવર વૅલી, શેલારપાડા, ગોકુલદાસવાડી તથા આસપાસના વિસ્તારો ઉપરાંત નૌપાડા વિસ્તારમાં પણ પાણી નહીં આવે.
થાણેમાં પાણીની અછત સર્જાવાનાં કારણો જાણો
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની હદમાં આશરે ૨૭ લાખ લોકો રહે છે. થાણેમાં દરરોજ ૫૯૦ MLD (મિલ્યન લીટર પર ડે)પાણી સપ્લાય થાય છે. એમાં TMC પોતાની પાસેથી ૨૫૦ MLD, MIDC પાસેથી ૧૩૫ MLD, સ્ટેમ કંપની પાસેથી ૧૧૫ MLD અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પાસેથી ૯૦ MLD પાણી મેળવે છે. અત્યારની પરિસ્થિતિ મુજબ TMCને રોજ ૬૨૧ MLD પાણીની જરૂર છે એટલે ૩૧ MLD પાણી ઓછું મળી રહ્યું છે. આ ઘટને પહોંચી વળવા માટે TMCએ BMC પાસેથી ૫૦ MLD રૉ વૉટર માગ્યું છે, જેને પ્યુરિફાય કરીને થાણેમાં સપ્લાય કરવાની ગણતરી છે. ઉપરાંત વધારાનું ૫૦ MLD પાણી MIDC પાસેથી પણ માગવામાં આવ્યું છે. TMCની ગણતરી મુજબ ૨૦૫૫ સુધીમાં થાણેની વસ્તી વધશે અને એને પહોંચી વળવા વધારાના ૧૧૬ MLD પાણીની જરૂર પડશે.
