૧૧ વર્ષથી ફરાર ભદ્રેશકુમાર પટેલ પર પત્નીની હત્યાનો આરોપ છે, ૧૦ મોસ્ટ વૉન્ટેડની યાદીમાં તેનું નામ
ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ પત્ની પલકનું મર્ડર કરીને ગાયબ થઈ ગયો છે.
અમેરિકામાં રહેતો ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ પત્ની પલકનું મર્ડર કરીને ગાયબ થઈ ગયો છે. દુનિયા આખીને હચમચાવી નાખતી અમેરિકાની ફેડરેશન બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) એજન્સીએ તેને પકડવા માટે પહેલાં ૨.૩૦ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું જે ગઈ કાલે વધારીને લગભગ ૯ કરોડ રૂપિયા કરી દીધું છે.
ભદ્રેશકુમાર પટેલ ભારતીય છે અને તેના પર ૨૦૧૫માં અમેરિકામાં અરુન્ડેલ હેનોવર શહેરમાં ડન્કિન ડોનટ્સના સ્ટોરમાં પત્નીની હત્યા કરવાનો આરોપ છે. ભદ્રેશકુમાર એ પછી લગભગ ૧૧ વર્ષથી ફરાર છે અને FBIએ જે ૧૦ મોસ્ટ વૉન્ટેડ ભાગેડુઓની યાદી બહાર પાડી છે એમાં તેનો પણ સમાવેશ થયો છે. ગઈ કાલે FBIએ કહ્યું હતું કે ‘પહેલાં ભદ્રેશકુમાર પટેલ વિશે કોઈ માહિતી કે પગેરું આપે તેને ૨.૩૦ કરોડ રૂપિયાનું ઇનામ હતું, જે વધારીને ૧ મિલ્યન ડૉલર એટલે કે
ADVERTISEMENT
લગભગ ૯ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. અમને આશા છે કે ૧ મિલ્યનના ઇનામથી ભદ્રેશકુમાર પટેલની અમારી શોધ પ્રત્યે વધુ લોકોનું ધ્યાન જશે અને તેની પત્નીને ન્યાય મળશે.’
ભદ્રેશકુમારે શું કર્યું હતું?
મૂળ ગુજરાતનો ભદ્રેશકુમાર પટેલ અમેરિકાના મૅરિલૅન્ડમાં તેની પત્ની પલક સાથે એક જ સ્ટોરમાં કામ કરતો હતો. ૨૦૧૫ની ૧૨ એપ્રિલે ભદ્રેશકુમારે ધારદાર હથિયારથી પત્ની પર અનેક વાર કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી. ભદ્રેશકુમારનો પત્ની સાથે ભારત પાછા ફરવાની ઇચ્છાને લઈને વિવાદ થયો હતો અને પત્ની આ વિશે તેના પરિવારના સભ્યો સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે ઝઘડો વધી ગયો હતો. ઝઘડો હાથાપાઈ અને કરુણ હત્યામાં પરિણમ્યો હતો. તેણે સ્ટોરના પાછળના રૂમમાં જ પલકને પતાવી દીધી અને પછી ત્યાંથી ટૅક્સી કરીને પોતાના ઘરે આવ્યો. ત્યાંથી થોડીક કૅશ અને થોડીક આઇટમો લઈને તે ન્યુ જર્સીની એક હોટેલમાં રાતે ૩ વાગ્યે ચેક-ઇન થયો અને સવારે ૧૦ વાગ્યે ત્યાંથી નીકળી ગયો અને ટૅક્સીમાં બેસીને નેવાર્ક પેન સ્ટેશન પર ગયો હતો. છેલ્લે તે ત્યાં જોવા મળ્યો હતો એ પછીથી તે ગાયબ થઈ ગયો છે.
