Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે ગુજરાતી બહેનો બની ૪ વર્ષની બાળકી માટે મદદગાર

બે ગુજરાતી બહેનો બની ૪ વર્ષની બાળકી માટે મદદગાર

Published : 12 March, 2026 07:15 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

મમ્મી પાણીપૂરી ખાવામાં મશગૂલ થઈ એમાં દીકરી સાડાચાર કિલોમીટર દૂર પહોંચી ગઈ : થાણેની સિદ્ધિ અને દેવિકા દેસાઈએ તેને રડતી જોઈને પોલીસને ફોન કર્યો અને મમ્મી-પપ્પા સાથે તેનું પુનર્મિલન ન થયું ત્યાં સુધી પોલીસ-સ્ટેશનમાં બેસી રહી

વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં બાળકી સાથે બન્ને ગુજરાતી બહેનો સિદ્ધિ અને દેવિકા દેસાઈ.

વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં બાળકી સાથે બન્ને ગુજરાતી બહેનો સિદ્ધિ અને દેવિકા દેસાઈ.


કલવા વિસ્તારમાંથી ગુમ થયેલી ૪ વર્ષની એક બાળકી થાણેના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH) પર નીતિન જંક્શન નજીક રડતી હાલતમાં જોવા મળતાં થાણેના ઇન્દિરાનગરમાં રહેતી ૨૦ વર્ષની સિદ્ધિ દેસાઈ અને ૧૯ વર્ષની દેવિકા દેસાઈ નામની બે બહેનોએ સતર્કતા દાખવીને તેને સુરક્ષિત રીતે પોતાનાં મમ્મી-પપ્પા સાથે મળાવી દીધી હતી. નીતિન જંક્શન પાસે બાળકીને એકલી અને ગભરાયેલી હાલતમાં રડતી જોઈને બન્ને બહેનોએ તેની પાસે જઈને વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તે ગુમ થઈ હોવાની શક્યતા સમજાઈ હતી. બન્ને બહેનોએ તરત જ પોલીસ કન્ટ્રોલ-રૂમમાં ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી અને વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનની મદદ બોલાવી હતી. વધુ તપાસમાં કિશોરી કલવામાંથી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ મંગળવારે મોડી રાતે બાળકીને તેનાં મમ્મી-પપ્પાને સુરક્ષિત સોંપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં બે બહેનોની સતર્કતા અને માનવતાભર્યા પગલાને કારણે એક નાનકડી બાળકી પોતાના પરિવાર સુધી પાછી પહોંચી શકી હતી. 

નીતિન જંક્શન પાસે આઇસક્રીમ લેવા માટે હું અને મારી બહેન આવી ત્યારે બાળકી ત્યાં રડતી હાલતમાં અમને મળી હતી એમ જણાવીને દેવિકા દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકી એકલી અને ગભરાયેલી હાલતમાં મળતાં અમે તરત જ આસપાસમાં તેનાં મમ્મી-પપ્પાની શોધ કરી હતી. જોકે એક કલાક સુધી શોધ્યા બાદ પણ તેનાં મમ્મી-પપ્પા ન મળતાં અમે પોલીસ કન્ટ્રોલ-રૂમમાં ફોન કરીને બાળકી વિશે જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસની ટીમ સાથે અમે નીતિન કંપની અને એની આસપાસના રામચંદ્રનગર વિસ્તારમાં બાળકીનાં મમ્મી-પપ્પાને શોધ્યાં હતાં, પરંતુ શરૂઆતમાં કોઈ માહિતી મળી નહોતી. ત્યાર બાદ ત્યાં આવેલી પોલીસે તેને પોલીસ-સ્ટેશન લઈ જવા પોલીસની જીપમાં બેસાડી ત્યારે તે ખૂબ જ રડી રહી હતી. તે અમારી સાથે સુરક્ષિતતા ફીલ કરતી હોવાથી અમે પણ તેની સાથે પોલીસ-સ્ટેશન પર ગયાં હતાં અને જ્યાં સુધી તેનાં મમ્મી-પપ્પા ન મળ્યાં ત્યાં સુધી તેની સાથે પોલીસ-સ્ટેશન પર રહ્યાં હતાં.’



બાળકીની મમ્મી પાણીપૂરી ખાવામાં વ્યસ્ત થતાં બાળકી ગુમ થઈને સાડાચાર કિલોમીટર દૂર પહોંચી ગઈ હતી એમ જણાવીને વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શિવાજી ગવારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નીતિન જંક્શન નજીક રાતના સમયે રડતી હાલતમાં મળેલી ૪ વર્ષની બાળકી બે બહેનોની સાવચેતીને કારણે સુરક્ષિત રીતે તેનાં મમ્મી-પપ્પાને પાછી મળી ગઈ છે. બાળકીને પોલીસ-સ્ટેશને લાવ્યા બાદ તેની માહિતી અમારા થાણે પોલીસના વૉટ્સઍપ ગ્રુપમાં પ્રસારિત કરવામાં આવતાં તે કલવા વિસ્તારમાંથી ગુમ થઈ હોવાની માહિતી સામે આવી હતી. અમે કલવા પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરીને તેનાં મમ્મી-પપ્પાને ગુમ થયેલી તેમની દીકરી સોંપી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 07:15 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK