મેસમાંથી ડૉક્ટરોના મૃતદેહ ટુકડાઓમાં વિખેરાયેલી હાલતમાં મળ્યા
ઇન્ટર્ન ડૉક્ટરો જમી રહ્યા હતા ત્યારે પ્લેન ક્રૅશ થયું હતું અને ટેબલો પર ભરેલી થાળીઓ રહી ગઈ હતી.
અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર પ્લેન ટેક-ઑફની ગણતરીની જ મિનિટોમાં માત્ર ૬૨૫ ફુટની ઊંચાઈએથી નીચે પટકાયું હતું અને સિવિલ હૉસ્પિટલની હૉસ્ટેલનાં ચાર બિલ્ડિંગો સાથે ટકરાયું હતું. ટકરાયા પછી પ્લેન ધમાકા સાથે સળગી ઊઠતાં બિલ્ડિંગોના ઉપરના બે માળમાં આગ લાગી હતી. આગને કારણે ચોતરફ અફરાતફરી મચી ગઈ હતી. અનેક લોકોએ જીવ બચાવવા માટે બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. ચોતરફ કાળો ડિબાંગ ધુમાડો ફેલાઈ જતાં જ્યાં આગ નહોતી એ માળના લોકોનો શ્વાસ ગૂંગળાઈ ગયો હતો. આ હૉસ્ટેલમાં રેસિડન્ટ ડૉક્ટર્સ રહેતા હતા. ઘટના દરમ્યાન પ્લેન જ્યાં હૉસ્ટેલની મેસ હતી એના પર જ પટકાયું હતું જ્યાં ૫૦થી ૬૦ ઇન્ટર્ન ડૉક્ટર્સ લંચ લઈ રહ્યા હતા. ધમાકો એટલો જોરદાર હતો કે મેસમાં હાજર ડૉક્ટરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મેસમાંથી અનેક મૃતદેહ ટુકડાઓમાં વિખેરાયેલી હાલતમાં મળ્યા હતા. વિમાનમાં લાગેલી આગના ધુમાડાને કારણે આખી હૉસ્ટેલનું બિલ્ડિંગ પૂરી રીતે કાળું પડી ગયું હતું. બે બિલ્ડિંગોના ઉપરના માળ પર આગ લાગી હતી અને ત્યાં રહેતા ઇન્ટર્ન ડૉક્ટરોએ બીજા અને ત્રીજા માળની બારીઓમાંથી કૂદીને જીવ બચાવ્યા હતા. વિમાનના ધમાકાને કારણે હૉસ્ટેલમાં પાર્ક થયેલી કેટલીક કારમાં પણ આગ ફાટી નીકળી હતી. સળગતા વિમાનના ટુકડાઓને ઠારવા માટે ફાયર-બ્રિગેડની ટીમ કામે લાગી ગઈ હતી. જોકે આગ ઠર્યા પછી બિલ્ડિંગમાં જ્યાં-ત્યાં વિમાનના ટુકડાઓ ફસાયેલા જોવા મળ્યા હતા. લગભગ ૫૦ ડૉક્ટરો ઘાયલ છે અને તેમની સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

