ઍરક્રાફ્ટ ઉપલબ્ધ ન હોવાને કારણે ફ્લાઇટ રદ કરી હોવાની ઍર ઇન્ડિયાની સ્પષ્ટતા
ફ્લાઇટ રદ થયા પછી ગઈ કાલે અમદાવાદ ઍરપોર્ટ પર ગુજરાતીઓ. તસવીરો: નિમેશ દવે
ઍર ઇન્ડિયાની અમદાવાદથી લંડનના ગૅટવિક ઍરપોર્ટ જતી ફ્લાઇટ AI-159 મંગળવારે રદ કરવામાં આવી હતી. અમદાવાદથી બપોરે ૧.૩૦ વાગ્યે ઊપડનારી આ ફ્લાઇટ રદ કરવા પાછળનું કારણ સ્પષ્ટ કરતાં ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ‘ઍરસ્પેસ રિસ્ટ્રિક્શન અને સાવચેતીના પગલારૂપે ચાલતી તપાસને લીધે ઍરક્રાફ્ટનો ટર્ન અરાઉન્ડ ટાઇમ વધી જાય છે એથી ઍરક્રાફ્ટ ઉપલબ્ધ ન હોવાને લીધે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ફ્લાઇટમાં કોઈ ટેક્નિકલ ખામી હોવાનો દાવો ખોટો છે.’
૧૨ જૂને અમદાવાદથી લંડન જતી આ જ ફ્લાઇટ તૂટી પડી હતી. ત્યાર પછી આ ફ્લાઇટનો નંબર AI-171થી બદલીને AI-159 કરવામાં આવ્યો હતો. આ નંબર સાથે સોમવારથી આ આ ફ્લાઇટે ઉડાન ભરી હતી, પરંતુ મંગળવારે એ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ફ્લાઇટ રદ થતાં પ્રવાસીઓએ ઘણી હાલાકી ભોગવવી પડી હતી. એક પ્રવાસીએ જણાવ્યું હતું કે ‘ઍરપોર્ટમાં દાખલ થતાં જ ફ્લાઇટ રદ થઈ હોવાનું જણાવવામાં આવ્યું, પરંતુ એનું કોઈ કારણ અમને ઍરપોર્ટ-સ્ટાફ કે ઍરલાઇન્સ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું નહોતું. ઍર ઇન્ડિયાએ પ્રવાસીઓ માટે રોકાવા હોટેલની વ્યવસ્થા કરી છે, પણ એનાથી કોઈ સમસ્યાનું નિરાકરણ નહીં આવે.’
પ્રવાસીઓને ટિકિટના પૂરેપૂરા પૈસા પાછા આપવામાં આવશે અને જે પ્રવાસી લંડન જવા માગતા હોય તેમને અન્ય ફ્લાઇટમાં ટિકિટ રીશેડ્યુલ કરી આપવામાં આવશે, એ દરમ્યાન તેમને રોકાવા માટે હોટેલની વ્યવસ્થા ઍરલાઇન્સે કરી છે એવું પણ ઍર ઇન્ડિયાના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

