Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Air India Ahmedabad Plane Crash: બ્રિટિશ દંપતીએ ‘સાથ જીયેંગે સાથ મરેંગે’ ખરેખર કર્યું સાર્થક

Air India Ahmedabad Plane Crash: બ્રિટિશ દંપતીએ ‘સાથ જીયેંગે સાથ મરેંગે’ ખરેખર કર્યું સાર્થક

Published : 17 June, 2025 02:09 PM | Modified : 18 June, 2025 07:02 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Air India Ahmedabad Plane Crash: અશોક અને શોભના જેઓ જીવનભર એકબીજાની સાથે હતા, સાથે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પછી પણ વિજ્ઞાનની પ્રક્રિયામાં એકબીજાની બાજુમાં જ રહ્યા; બ્રિટિશ દંપતીની અમર કહાની શૅર કરી દીકરાઓ મિતેન અને હેમેન પટેલે

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર દંપતિ અશોક પટેલ અને શોભના પટેલ (ડાબે) અને તેમના બન્ને દીકરાઓ મિતેન પટેલ અને હેમેન પટેલ

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર દંપતિ અશોક પટેલ અને શોભના પટેલ (ડાબે) અને તેમના બન્ને દીકરાઓ મિતેન પટેલ અને હેમેન પટેલ


કી હાઇલાઇટ્સ

  1. ફાધર્સ ડે ના દિવસે માત્ર પિતાનો મૃતદેહ લઈને લંડન પરત ફરવાનું નક્કી કર્યું હતું ભાઈઓએ
  2. નિયતિનો નિરાળો ખેલ – પતિ અને પત્નીના મૃતદેહે પણ ન છોડ્યો એકબીજાનો સાથ
  3. બ્રિટિશ દંપતીના લંડનમાં એકસાથે થશે અંતિમ સંસ્કાર, દીકરાઓ અમદાવાદથી જશે લંડન

૧૨ જુનના રોજ ગુજરાત (Gujarat)ના અમદાવાદ (Ahmedabad)માં એર ઇન્ડિયા (Air India)નું પેસેન્જર વિમાન બોઇંગ ડ્રીમલાઇન ૭૮૭ ક્રેશ (Air India Plane Crash in Ahmedabad) થયું હતું. આ દુર્ઘટનામાં મુસાફરો સહિત તમામ ક્રુ મેમ્બર્સના મોત થયા છે. આ દુ:ખદ અકસ્માતમાં ૨૭૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહની ઓળખ માટે ત્રણ ફોરેન્સિક સાયન્સ લેબ (Forensic Science Lab - FSL) ટીમો કાર્યરત છે, જે પીડિતોના હાડકા અને દાંતના નમૂનાઓને તેમના સંબંધીઓના લોહીના નમૂનાઓ સાથે મેચ કરી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં લાવવામાં આવેલા મૃતદેહોમાંથી ૯૯ નમૂનાઓનું DNA મેચિંગ થઈ ગયા છે. જોકે DNA મેચિંગમાં એક ગજબનો યોગાનુયોગ થયો છે. જેમાં બ્રિટિશ દંપતીનો અનોખો પ્રેમ જોવા મળ્યો છે. આ દંપતીએ ખરેખર ‘સાથ જીયેંગે સાથ મરેંગે’ બાબત જાણે સાર્થક કરી છે.


અમદાવાદ પ્લેનક્રેશ (Ahmedabad Plane Crash)માં મૂળ ગુજરાતી અને ૧૯૭૮થી બ્રિટન (Britain)માં સ્થાયી થયેલા પટેલ દંપતી, અશોકભાઈ અને શોભનાબેન પટેલનું પણ અવસાન થયું હતું. આ દંપતી જેઓ જીવનભર એકબીજાની સાથે રહ્યા તેમને મૃત્યુ પણ અલગ ન કરી શક્યું. દીકરાઓ મિતેન પટેલ અને હેમેન પટેલએ તેમની સાથે બનેલી એક ઘટનાની વાત કરી છે.



ગુજરાત સરકાર (Gujarat Government)ના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દ્વારા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી અશોકભાઈના દીકરા મિતેન પટેલને લંડન (London)થી અમદાવાદ બોલાવવામાં આવ્યા. મિતેન તેમના ભાઈ હેમેન સાથે અમદાવાદ પહોંચ્યો અને માતા-પિતાના મૃતદેહની ઓળખ માટે ડીએનએ સેમ્પલ આપ્યા. બાદમાં, હોસ્પિટલે જણાવ્યું કે રિપોર્ટ ૭૨ કલાકમાં આવશે, પરંતુ ફાધર્સ ડે (Fathers Day 2025)ના દિવસે જ મિતેનને સમાચાર મળ્યા કે તેમના પિતા અશોકભાઈના મૃતદેહ સાથે ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે. આ સમાચાર મિતેન માટે એક લાગણીશીલ ક્ષણ હતી, જેમાં દુઃખની સાથે પિતાના મૃતદેહની ઓળખ થવાનો સંતોષ પણ હતો. મિતેન અને હેમેન પિતાના મૃતદેહ લેવાની જરૂરી પ્રક્રિયા પૂરી કરીને લંડન પરત ફરવાની તૈયારીમાં હતા, પરંતુ તેમના મનમાં એક પ્રશ્ન હજુ અકબંધ હતો તે એજ કે, મમ્મીનો મૃતદેહ ક્યારે મળશે?


ડીએનએ સેમ્પલ મેચ થવામાં સામાન્ય રીતે લાંબો સમય લાગે છે, તેથી તેઓએ હાલ પિતાનો મૃતદેહ લઈને લંડન પરત ફરવાનું નક્કી કર્યું. પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું.  સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાં કુલ ૯૮ ડીએનએ સેમ્પલ મેચ થયા તેની વિગતો બોર્ડ પર લખેલી જોઈ હતી, જેમાં છેલ્લું ૯૮મું અશોકભાઈનું સેમ્પલ હતું. જ્યારે બંને ભાઈઓ પપ્પાનો મૃતદેહ લઈને નીકળવાની તૈયારીમાં હતા, ત્યાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને તેમને જણાવવામાં આવ્યું કે, ૯૯મું સેમ્પલ જે મેચ થયું છે તે તેમના માતા શોભનાબેનનું છે.

બન્ને ભાઈઓ તરત કંટ્રોલ રૂમ પહોંચ્યા અને બુલેટિન બોર્ડ પર પોતાની માતાનું નામ જોઈ આંખોમાં આંસુ સાથે હૈયું ભરાઈ ગયું. એક આશ્ચર્યજનક સંયોગ એ હતો કે ૯૮ અને ૯૯મા ક્રમે મેચ થયેલા સેમ્પલ એક જ પતિ-પત્નીના હતા, જે જીવનભર સાથે રહ્યા અને મૃત્યુ પછી પણ એકબીજાની નજીક જ રહ્યા.


આ ઘટનાએ મિતેન અને હેમેને ઊંડો આઘાત આપ્યો, પરંતુ સાથે જ તેમને એક કુદરતી કરિશ્માનો અનુભવ થયો. તેમના માતા-પિતા, જેઓ જીવનભર એકબીજાની સાથે હતા, મૃત્યુ પછી પણ વિજ્ઞાનની પ્રક્રિયામાં એકબીજાની બાજુમાં જ રહ્યા.

આ બાબતે વાત કરતા મિતેન પટેલે કહ્યું કે, ‘અમારા માતા-પિતા હંમેશા સાથે રહ્યા. મૃત્યુ પણ તેમને અલગ ન કરી શક્યું કે ન તો વિજ્ઞાનની પ્રક્રિયાઓ. જ્યારે પિતાનું ડીએનએ મેચ થયું અને અમે તેમનો મૃતદેહ લઈને જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે મારા માતૃશ્રીના આત્માએ પિતાજીના આત્માને કહ્યું હશે, “અશોક, ઘરે એકલા નથી જવાનું. જીવતાં હોય કે મૃત્યુ પછી, હું હંમેશની જેમ તારી સાથે જ આવીશ.” અમારી માટે આ દુઃખની સૌથી મોટી ઘડી છે. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે આ દિવસ જોવાનો વારો આવશે. મમ્મી-પપ્પાની વિદાયથી અમારી જિંદગી ઉથલપાથલ થઈ ગઈ છે. પણ અમારે અમારા પરિવારને કહેવું છું કે રડવું આવે તો રડી લો, પણ મમ્મી-પપ્પા આપણી યાદોમાં હંમેશા જીવતા રહેશે.’

ગુજરાત સરકાર, સિવિલ હોસ્પિટલ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો આભાર માનત પટેલ ભાઈઓએ કહ્યું કે, ‘અમે આ બધાના સહયોગથી અમે તેમના પાર્થિવ દેહ લંડન લઈ જઈ રહ્યાં છીએ. આ પ્રક્રિયા ઝડપી અને સુવ્યવસ્થિત હતી, જેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’ સાથે જ મિતેન અને હેમેનએ બ્રિટિશ એમ્બેસીનો પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે આ પ્રક્રિયામાં તેમને ખુબ સહયોગ આપ્યો.

બન્ને ભાઈઓ મિતેન પટેલ અને હેમેન પટેલ હવે તેમના માતા-પિતા અશોક ભાઈ અને શોભના બહેનનાના મૃતદેહ લઈને લંડન પરત ફરશે, જ્યાં સગા સ્વજનો તેમના અગ્નિ સંસ્કાર કરશે.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2025 07:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK