Ahmedabad plane Incident: 12 જૂનના થયેલા અમદાવાદ પ્લેન ક્રેશમાંથી બીજો બ્લૅક બૉક્સ મળ્યો છે. હવે આ અકસ્માતના કારણોની તપાસ કરવામાં સરળતા રહેશે.
ફાઈલ તસવીર
ગુજરાત, અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલા ગંભીર ઍર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ અકસ્માતની તપાસમાં વધુ એક મહત્ત્વપૂર્ણ ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓએ અકસ્માતના કાટમાળમાંથી બીજું બ્લૅક બૉક્સ પણ મેળવી લીધું છે. પહેલા બ્લૅક બક્સ મળ્યા બાદ હે આ નવા ડેવલપમેન્ટથી અકસ્માતના કારણનું તારણ કાઢવામાં અને તેને શોધવામાં તેમજ તેની માહિતી મેળવવામાં વધારે ઝડપ આવશે.
ટેકઑફની 5 મિનિટમાં જ થયો અકસ્માત
ઍર ઇન્ડિયાની ફ્લાઈટ AI171, જે બોઈંગ 787-9 ડ્રીમલાઈનર હતી, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી લંડન માટે ટેક ઑફ કરવાની માત્ર 5 મિનિટમાં જ મેઘાણીનગરના રહેવાસી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત નીપજ્યા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામાલ હતા. માત્ર એક પ્રવાસી, રમેશ વિશ્વાસ કુમાર, ચમત્કારિક રીતે જીવિત બચ્યા.
ADVERTISEMENT
બીજું બ્લૅક બૉક્સ મળવાથી તપાસમાં મળશે મદદ
ઍરક્રાફ્ટ ઍક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ની ટીમો અકસ્માતની તપાસ કરી રહી છે. પહેલું બ્લૅક બૉક્સ, જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) હતું, તે અકસ્માતના 28 કલાકની અંદર બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલની છત પરથી મળી આવ્યું હતું. હવે બીજું બ્લૅક બૉક્સ, જે કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) છે, તે પણ કાટમાળમાંથી મળી આવ્યું છે.
બ્લૅક બૉક્સમાં બે મુખ્ય ઉપકરણો
ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR): તે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનની સ્થિતિ, ફ્લાઇટ પાથ અને અન્ય તકનીકી માહિતી રેકોર્ડ કરે છે.
કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR): તે કોકપિટમાં પાઇલટ્સ અને ક્રૂ વચ્ચેની વાતચીત, ઍર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે વાતચીત અને અન્ય ઑડિયો સિગ્નલ્સને રેકૉર્ડ કરે છે.
આ બે ઉપકરણોમાંથી ડેટા અકસ્માત પહેલાની છેલ્લી ક્ષણોની સેકન્ડ-બાય-સેકન્ડ માહિતી પ્રદાન કરશે, જે જાણવામાં મદદ કરશે કે અકસ્માત ટેકનિકલ ખામી, માનવીય ભૂલ, હવામાન પરિસ્થિતિઓ અથવા અન્ય કોઈ કારણોસર થયો છે.
તપાસમાં આંતરરાષ્ટ્રીય સહયોગ
અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને બ્રિટનની ઍર એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB) પણ ભારતની તપાસમાં સહયોગ કરી રહ્યા છે. ક્રેશ થયેલા વિમાનનું નિર્માણ કરનાર બોઇંગ કંપનીએ પણ તપાસમાં મદદ કરવા માટે પોતાની ટેકનિકલ ટીમ મોકલી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું, "બીજા બ્લૅક બૉક્સનું મળવું એ તપાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમે સંપૂર્ણ પારદર્શિતા સાથે અકસ્માતના કારણો શોધીશું."
શું કોઈ ષડયંત્રનો એન્ગલ છે?
અકસ્માત બાદ ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેટલાક લોકો તેને ટેકનિકલ ખામી માની રહ્યા છે, જ્યારે કેટલાક સાયબર હુમલો કે ષડયંત્રની શંકા કરી રહ્યા છે. જોકે, તપાસ એજન્સીઓએ કહ્યું છે કે અત્યાર સુધી કાવતરું કે વિસ્ફોટના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ પણ સમાંતર તપાસ શરૂ કરી છે અને કાટમાળમાંથી ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) સહિત અન્ય પુરાવા એકત્રિત કર્યા છે.
બોઇંગ પર ફરી પ્રશ્નો ઉભા થયા
આ અકસ્માત બોઇંગ 787 ડ્રીમલાઇનરનો પહેલો મોટો અકસ્માત છે, જેણે કંપનીના સલામતી ધોરણો પર ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. અગાઉ પણ બોઇંગના વ્હિસલબ્લોઅર સેમ સાલેહપુરે 787ના બાંધકામમાં ખામીઓ અંગે ચેતવણી આપી હતી. DGCA એ ઍર ઇન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની સલામતી તપાસ વધારવાનો આદેશ આપ્યો છે.
બચાવ કામગીરી અને રાહત કાર્ય
અકસ્માત પછી, ગુજરાત સરકારે તાત્કાલિક આપત્તિ વ્યવસ્થાપન એકમોને સક્રિય કર્યા. વિમાનમાં 1.25 લાખ લીટર ઇંધણ હોવાને કારણે, આગ એટલી ભયંકર હતી કે બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બધા મૃતદેહોને દૂર કરવાનું કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે, અને મૃતકોની ઓળખ માટે DNA પરીક્ષણ ઝડપથી ચાલી રહ્યું છે. ટાટા ગ્રુપે મૃતકોના પરિવારોને 1 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.
તપાસ પછી ખુલાસો
બંને બ્લૅક બૉક્સ હવે એક ખાસ ફોરેન્સિક લૅબમાં મોકલવામાં આવશે, જ્યાં તેમનો ડેટા ડીકોડ કરવામાં આવશે. નિષ્ણાતોના મતે, જો બ્લૅક બૉક્સને વધુ નુકસાન થયું નથી, તો પ્રારંભિક તપાસ રિપોર્ટ 10-15 દિવસમાં બહાર આવી શકે છે. આ રિપોર્ટમાં અકસ્માતના કારણો, જેમ કે એન્જિન નિષ્ફળતા, ફ્લૅપ્સની ખોટી સેટિંગ અથવા અન્ય તકનીકી ખામીઓ જાહેર થઈ શકે છે.

